Showing posts with label EXAM STORY. Show all posts
Showing posts with label EXAM STORY. Show all posts

1 May 2019

અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે કે બાળકને સ્પષ્ટ એવો મેસેજ જવો જ જોઈએ કે મારા માતા પિતા માટે હું મહત્વનો છું મારું રીઝલ્ટ નહીં.

બાળકોના રીઝલ્ટ ફેસબુક ઉપર મુકતા વાલીઓ માટે ખાસ.

વ્યક્તિનું જે કાર્યક્ષેત્ર હોય એના માર્ક્સ પરિણામ સ્વરૂપે જાહેર કરવા એ યોગ્ય નથી.

દા.ત. એક પુરુષ તરીકે આપણને આપના વડીલ માર્ક્સ આપે.
કેટલા નું ટર્ન ઓવર કર્યું 75%
કેટલો નફો કર્યો 45 %
ઉઘરાણી ના માર્ક્સ 50 %
નવા ગ્રાહકો બનાવ્યા કે નહીં 80%
ધધા સાથે પરિવારને સમય આપ્યો 42%

અને સ્ત્રી તરીકે આપણા સાસુ માર્ક્સ આપે.
મહેમાનને હસતા આવકાર આપો છો 55%
ફરવામાં રસ છે 90%
કચરા પોતા ની ક્વૉલિટી 70%
સાસુને વડીલોને સન્માન 32%
બાળકોનું ધ્યાન 85%
નવું શીખવા માં રસ 30%

વિચારો કે આપણા કાર્યક્ષેત્ર નું આવું રીઝલ્ટ ફેસબુક ઉપર કોઈ મૂકે તો???
ભણતર એ બાળકનું અંગત કાર્યક્ષેત્ર છે.
એ જાહેરાત નો વિષય ન જ હોય શકે.
રિઝલ્ટ આપણા બાળકનું હોય કે બીજાનું, બાળકોના સાઈકોલોજિસ્ટ ના મતે રીઝલ્ટ હંમેશા બાળકના મનમાં કાતો અપમાન અથવાતો હોશિયાર રહેવાનું પ્રેશર જ પેદા કરે છે.

એક વાત ક્યારેય ન ભૂલવી કે ભારતમાં દર વર્ષે અંદાજે અધધ.. 65000 જેટલા વિદ્યાર્થીઓ ભણતર અને રિઝલ્ટના પ્રેશરથી આત્મહત્યા કરે છે. અને સમજવા જેવી બાબત એ છે કે ક્યારેય 35% વાળા આત્મહત્યા કરતાજ નથી.

આપણા દ્વારા હોશિયાર બાળક ના રિઝલ્ટનું ફેસબુક અને અન્ય જગ્યાએ થયેલ પ્રદર્શન અને એના લીધે સમાજમાં એ બાળક કેટલું હોશિયાર છે એવી ઉભી થયેલી એની છાપ ના લીધે જ બાળકને 5-10 માર્ક્સ  ઓછા આવતા ઘર અને સમાજને ફેસ કરવા કરતા એને તાપીમાં પડી જવું કે પંખા પર લટકી જવું વધુ સરળ લાગે છે.

આ કોઈને હર્ટ કરવા નહીં પરંતુ બાળકને હર્ટ થતું અટકાવવા માટે છે.
બાળકોના ઉછેરની એક સંસ્થાના હેડ કોમ્યુનિકેટર તરીકે મારુ આવું મંતવ્ય છે કે બાળકના ખરાબ રીઝલ્ટમાં અફસોસ વ્યક્ત કરવો નહીં તેમજ ખાસ ...સારા રિઝલ્ટને જાહેરમાં પ્રદર્શિત કરવું નહિ કે ખૂબ ઉત્સાહ બતાવી ગામને પાર્ટીઓ આપવી નહી.
અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે કે બાળકને સ્પષ્ટ એવો મેસેજ જવો જ જોઈએ કે મારા માતા પિતા માટે હું મહત્વનો છું મારું રીઝલ્ટ નહીં.

18 November 2018

બાળક અને આપણે

*બાળક અને આપણે*
ખૂબ સમજભર્યોલેખ...

કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ.

આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. *અપેક્ષાઓ અને અભિપ્રાયો.* બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને *ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો.* (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)

બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી.
*શ્રીદક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે* ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ *તમારી અપૂર્ણતાને ચાહે છે.’ *આ વાત કેટલી સાચી છે !*

આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે *‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી.* *આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’* પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું *સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ?*

બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે ! 

બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ *આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા* તો શીખવી જ પડશે.એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે.

આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે.

*દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો* વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ.

*પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા* બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે *‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’*

અત્યાર સુધી ફક્ત આપણે જ *બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ.* એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે *તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે.*

*જોઈ કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે.*
સાભાર દિવ્ય ભાસ્કર...

29 May 2018

સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઇને આવે છે...

*‘અનોખી માર્કશીટ’*

બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા...

‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર.... સોમાંથી પુરા સો....! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે...?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં.

‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે... વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાનાં જ સો માંથી સો માર્ક્સ છે... અને મારા ભણાવેલા વિજ્ઞાનની કોઇ બરોબરી જ ન કરી શકે.’ વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઇને પોતાની ખુરશી પર ચઢીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા.

‘ઓ ગણિત... વિજ્ઞાનવાળાંઓ તમે ભાષામાં પંચ્યાણુ માર્ક લાવીને બતાવો... જયના ગુજરાતીના પંચ્યાણુ માર્ક્સ આખા રાજ્યમાં અવ્વ્લ છે... જેની માતૃભાષા મજબુત તેના બધા વિષયો મજબૂત.’ ગુજરાતીના શિક્ષકે તો પેલા બન્ને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્ક્શીટ હાથમાં લેતા કહ્યું.

જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી.

‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે, જય....? મારે પુછવુ છે કે તેઓ તને કેવી રીતે તૈયારી કરાવે છે...?તારી પાછળ કેટલો સમય આપે છે...?’ એક વિદ્યાર્થીના મમ્મીએ માર્કશીટ જોઇને પૂછી લીધું.

‘મમ્મી... જયના મમ્મી-પપ્પા તો કોઇ’દી સ્કુલે આવતા જ નથી...!’ પેલા વિદ્યાર્થીએ જ તેની મમ્મીને જવાબ આપી દીધો.

ગુજરાતીના શિક્ષકે જયને ન સંભળાય તે રીતે પેલા બેનને ધીરેથી કહ્યું. ‘હા... જયના પપ્પા તો ફૂટપાથ પર જુના પુસ્તકો વેચે છે.. મમ્મી બીજાના ઘરે કામ કરે છે... તેઓ અતિ સામાન્ય પરિસ્થિતિના છે... આ તો જય જેવો દિકરો લાખોમાં એક હોય જે જાત મહેનતે આગળ આવે ...!’

‘સર...હું જાઉં... મારા મમ્મી-પપ્પાને પણ રીઝલ્ટ બતાવવું છે.’ જયને ઘરે જવાની ઉતાવળ હતી.

ત્યાં જ સામે પ્રિન્સિપાલ સર આવ્યા, તેમના હાથમા મીઠાઈનું બોક્સ હતું, ‘હા.. જા દિકરા... તારા પેરેન્ટ્સ પાસે મોબાઇલ જ નથી તો એ ક્યાં ઓનલાઇન રીઝલ્ટ જોઇ શકવાના છે...? પણ તારા જેવો દિકરો ખરેખર જિંદગીની ઓન- લાઇને છે તેનો અમને ગર્વ છે... અને અમે તારા રીઝલ્ટની ખુશીના પેંડા આખી સ્કુલમાં આપવાનાં છીએ... લે આ બોક્ષ તારા મમ્મી-પપ્પાને આપજે...'

‘સર.. પેંડા તો મારે આપવાના હોય....!’ જયે ધીમા અવાજે કહ્યું.

‘બેટા... તારા પરિણામથી તો અમને પેંડા વહેંચવાનું મન થઇ આવે છે... તું જલ્દી જા... તારા મમ્મી-પપ્પાને કહેજે કે તું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે.’ પ્રિન્સિપાલ સરે જયના માથા પર હાથ મુક્યો.

‘થેંક્યુ સર’ એટલું કહીને જયે પેંડાનું બોક્ષ અને માર્કશીટ લઇ પોતાની સાયકલનું હેન્ડલ ઘર તરફ વાળ્યું.

જયે જોયું તો મોટા ભાગના વિદ્યાર્થીઓ મમ્મી- પપ્પા સાથે પોતાનું પર્સનલ ટુ વ્હીલર લઇને કે કારમાં આવ્યા હતા. જો કે આવી કોઇ સગવડ જયના નસીબમાં નહોતી. તેના પપ્પા પાસે પણ હજુ જુની પુરાણી સાયકલ જ હતી. તે દસમાં ધોરણમાં જયને વારસામાં મળી હતી.

આ સાયકલની રફ્તાર વધી રહી હતી... તેને પોતાની માર્કશીટ બતાવવાની ઉતાવળ નહોતી પણ પોતાના આ વર્ષની મમ્મી પપ્પાએ બનાવેલી માર્કશીટ લેવાની ઉતાવળ હતી.

જય ઘરે પહોંચ્યો. તે દોડીને મમ્મી પપ્પાની પાસે ગયો, ‘મમ્મી-પપ્પા આ મારી માર્કશીટ અને પેંડા... ગુજરાતમાં પહેલો આવ્યો છું...’ જયની ખુશીનો પાર નહોતો.

મમ્મી-પપ્પાએ  માર્કશીટ પર નજર ફેરવી અને તરત જ ભગવાનનાં ચરણોમાં મુકી દીધી.

‘મારી પેલી માર્કશીટ ક્યાં...?’ જયે તેની દરવર્ષની જેમ આ વર્ષે મમ્મી પપ્પાની પરીક્ષાની માર્કશીટની ઉઘરાણી કરી.

‘અરે... બેટા... હવે તું મોટો થયો... કદાચ અમારા આપેલા માર્ક તને નહી ગમે તો...? આ વખતે નહી આપીએ તો નહી ચાલે....?’ જયના પપ્પાએ તો ઇન્કાર કરતા કહ્યું.

‘ના એમ નહી ચાલે મારે તમારી બનાવેલી માર્કશીટ જોઇએ જ...’ જયે જીદ કરી.

‘સારું, લે પણ ધ્યાન રાખજે... અમે તારી સ્કુલના શિક્ષકો જેવા હોંશિયાર નથી. જય બેટા, આ કોઇ ભણવાના વિષયોની માર્કશીટ નથી પણ તારા જીવનનું આ વર્ષનું અમારું વાર્ષિક મૂલ્યાંકન છે.’  અને પપ્પાએ જયને તેની અનોખી માર્ક્શીટ આપી.

જયે તો બે પાનાની માર્કશીટ હાથમાં લીધી અને મમ્મી-પપ્પાએ કેટલા ગુણ આપ્યા છે તે જાણવાની તાલાવેલી જાગી.

જયના પપ્પા ભલે સામાન્ય પરિસ્થિતિના હતા પણ પુસ્તકોના અભ્યાસથી તેઓ પોતાના પુત્રનો સાવ જુદી રીતે જ ઉછેર કરી રહયા હતા.

દર વર્ષે જયનું સાત જુદા જુદા વિષયોનું વાર્ષિક મૂલ્યાંકન કરી સો ગુણની પરીક્ષાની જેમ જ  તેના માર્ક આપતા.

આ અનોખી માર્કશીટમાં ઉપર જયનું નામ... ઉંમર અને તેની નીચે વિષયોના નામ લખી તેની સામે મેળવેલ ગુણ લખેલા હતા.. દરેક વિષયની નીચે વિસ્તારથી જવાબ લખેલો હતો.

*વિષય પહેલો : પોતાની વસ્તુઓની દરકાર*
*મેળવેલ ગુણ -  ૯૧*

જય તારી વસ્તુ પ્રત્યેની દરકાર ઘણી સારી છે, તારી દરેક ચોપડીઓના પૂંઠા અને તેની સંભાળ સરસ રીતે કરી છે... તારો કબાટ તું વ્યવસ્થિત રીતે રાખતા તું શીખી ગયો છું. તારી દરેક વસ્તુઓ તેના સ્થાને મુકવાની આદત સુધરી છે.. પણ આ વર્ષે તું સાયકલ પ્રત્યે સહેજ બેધ્યાન હતો... તેની સાફસફાઇ, કુલ નવ વાર થયેલ પંચર ( ગયા વર્ષ કરતા ત્રણ વાર વધારે ), તારાથી એક જોડ ચંપલ અને ચાર પેન, એક પેન્સિલ ખોવાયેલ છે જેના કારણે નવ માર્ક કપાયા છે.

*વિષય બીજો :  પોતાની સારસંભાળ*
*મેળવેલ ગુણ : ૯૫*

બેટા જય આ વખતે તારી બોર્ડની પરીક્ષાની સાથે તારા આરોગ્યની સંભાળ સારી રીતે કરી છે. બહારના જંકફૂડ ખાવાની એકવાર પણ જીદ કરી નથી. તેં આ વર્ષે તારા કપડાના બટન જાતે લગાવવાનું શીખી લીધું... સમયસર જાતે વાળ કપાવી નાંખે છે.. પણ જમીને  હજુ થાળી નહી ઉપાડવાની તારી આદત નથી બદલાઇ. સવારે ઉઠ્યા પછી તારી પથારી હજુ તારી મમ્મીએ જ ઉઠાવવી પડે છે જેના કારણે તારા પાંચ ગુણ ઓછા થયા છે.

*વિષય ત્રીજો : ઘરની જવાબદારી*
*મેળવેલ ગુણ : ૮૫*

અમને ખ્યાલ છે કે આ વર્ષે અભ્યાસનું વર્ષ છે એટલે ઘરની જવાબદારી શક્ય નહોતી... રૂમમાંથી બહાર નીકળતા પંખાની સ્વિચ બંધ ન કરવી.... સવારે ચકલીને ચણ નાખવાનું તારા ટ્યુશનને લીધે ઘણીવાર ભૂલી જતો... નિયમિત પ્રાર્થના ન કરવી, ન્હાતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરવો જેવી કાયમી ભૂલોને લીધે આ વર્ષે પંદર માર્ક ઓછા છે. 

*વિષય ચોથો : મિત્રો સાથેનો વ્યવહાર*
*મેળવેલ ગુણ : ૯૦*

આમા તો તારા મિત્રો તરફથી કોઇ ફરીયાદો નથી પણ તારા અંગત મિત્ર રાકેશ સાથે તારે ત્રણ વાર ઝઘડો થયો હતો. તમારા બે મહિના સુધી અબોલા રહેલા. જય બેટા.. વાંક ભલે ગમે તેનો હોય પણ મિત્રતાના એક છેડે આપણે ઉભા છીએ જેથી ક્યારેક જતુ કરીને મિત્રતા નીભાવવી.

*વિષય પાંચમો : સમય પાલન*
*મેળવેલ ગુણ : ૯૯*

જય... આ વિષયમાં તું હંમેશા અવ્વલ રહ્યો છે.. તેં તારા ટાઇમ ટેબલ મુજબ સતત કાર્ય કર્યુ છે... અને બેટા ધ્યાન રાખજે જે વ્યક્તિ પોતાના સમયને સમજે છે અને સાચવી લે છે તેના  જીવનની દરેક પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે.

*વિષય છઠ્ઠો  : પરસ્પર નો પ્રેમ*
*મેળવેલ ગુણ : ૧૧૧*

જય... આ એક  વિષયમાં તારી મમ્મીએ માર્ક આપ્યાં છે... તારી મમ્મીએ કહ્યું છે મારા જયને ૧૦૦માંથી ૧૧૧ માર્ક આપજો. તેને કહ્યું છે કે જય કાયમ પહેલો નંબર લાવે છે છતાંય તેને ક્યારેય બીજા સુખી ભાઇબંધો સાથે પોતાની સરખામણી નથી કરી... બાઇક કે મોબાઇલ લેવાની ખોટી જીદ નથી કરી. અમે તને બીજાના મમ્મી-પપ્પા જેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા છતાં ક્યારેય કોઇ ફરીયાદ નથી કરી. વાંચતા વાંચતા ઉંઘ ન આવે માટે ઘરમાં દૂધ ન હોય તો રાત્રે પાણી, ચા અને ખાંડ ગરમ કરીને વગર દૂધની ચા પીને તું ઘણીવાર અમને સુતા મુકીને જાગતો રહ્યો છે અને વાંચતો રહ્યો છે. તારા વિદાય સમારંભ વખતે તને મળેલ એલાર્મ ક્લોક તેં સામેવાળાં રમણિકકાકાને આપી દીધેલી કારણ કે તેમને ઘણીવાર વહેલા ઉઠવામાં તકલીફ પડતી.. આ બધુ સમજી તારી મમ્મીએ તને સો વત્તા અગિયાર માર્ક વધારાના આપ્યાં છે..એટલે તને કુલ છસોમાંથી ૫૭૧ માર્ક્સ મળે છે. અર્થાત ૯૫.૧૬%... અભિનંદન...

બેટા જય... તું અમારો જીગર જાન ટુકડો છે... આપણે પરસ્પરનો પ્રેમ સાચવવો અને એકમેકના જીવનની જરુરિયાત સમજવી તે તું ખૂબ સારી રીતે સમજ્યો છે. તારી મમ્મી છે તે ક્યારેય પોતાના દિકરાના માર્ક કાપી ન શકે... પપ્પા કઠોર બની શકે... માં નહી...!

બેટા... જીવનનાં આ વિષયોમાં કાયમ વધારે ને વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરજે... આજે ઉપરના વિષયો તને કદાચ નાના કે બિનજરુરી લાગતા હશે પણ તે તને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ચોક્કસ લઇ જશે.

*વિષય સાતમો  : વાલી તરીકે અમારી ફરજ*
*આપવાના ગુણ :* _____

બેટા જય... આ વર્ષે આ જુદો વિષય ઉમેર્યો છે... આ વિષયમાં તારે અમારું મુલ્યાંકન કરવાનું છે.. તારે પણ અમને સોમાંથી માર્ક આપવાના છે કે અમે અમારી જવાબદરીનું કેટલું વહન કરી શક્યા છીએ. અમે તને કેટલીયે સગવડો નથી આપી શક્યા... તારી સ્કુલ કે કોઇ સમારંભમાં અમે હાજર રહી નથી શક્યાં... અરે તારા વિદાય સમારંભમાં તારે નવું જીન્સ લેવું હતું પણ મેં તને નહોતું ખરીદી આપ્યું. તારે પ્રવાસમાં જવાનું હતું પણ મમ્મીને ખૂબ ચિંતા હતી એટલે અમે ના કહેલી... બેટા... અમારી પણ મર્યાદાઓ છે... તારા આપેલા માર્કથી અમે પણ અમારામાં રહેલી ખામીઓ શોધી શકીશું અને આવતા વર્ષે અમારા માર્ક વધે તેવા પ્રયત્નો કરીશું.

અને જયે તો તરત જ આ છેલ્લા વિષયમાં ૧૨૧ માર્ક આપીને નીચે લખી દીધું.

*વ્હાલા મમ્મી-પપ્પા,*

*તમે એમ ન સમજશો કે તમે મને કાંઇ નથી આપ્યું. તમે મને જે આપ્યું છે તે આ દુનિયાના કોઇપણ મા-બાપે કદાચ તેના દિકરાને નહી આપ્યું હોય...! તમે આ અનોખી માર્કશીટ આપીને મારા જીવનની અનોખી સમજણ આપી છે જે મારા સ્કુલના વિષયોમાં ક્યારેય નથી મળતી. વિષયોમાં માર્ક લાવવાની સાથે વ્યવહારમાં પણ કેવી રીતે સારા માર્ક લાવવા તે તમે મને આ રીતે શીખવ્યું છે.*
*તમે મને આ રીતે જ દર વર્ષે અનોખી માર્કશીટ આપતા રહેજો હું પણ સામે તમને મારી દરેક માર્કશીટ વધુ સારી બનાવવાનું પ્રોમિસ આપું છું.*

*સ્ટેટસ*

*સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઇને આવે છે...*
*જેમ સૂર્યનો પ્રકાશ ચો-તરફ વહેંચાઇને આવે છે...*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
તા. ૨૯/૫/૨૦૧૮
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

*આ વાર્તા ©કોપીરાઇટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં ફેરફાર કરવો નહી*

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
*ચાર રોમાંચ જિંદગીના*
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
*હું*
અવશ્ય વંચો અને વંચાવો...

------------------------

11 March 2018

*પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :*

*પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :*

૧. તમારા જૈવિક ઘડિયાળ સેટ કરો.

૨. પરીક્ષાની રીસીપ્ટ સાથે રાખો.

૩. કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.

૪. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.

૫. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.

૬. રીસીપ્ટની ઝેરોઝ કઢાવી રાખો.

૭. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.

૮. Exam પેડ સાથે રાખો.

૯.કંપાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે.

૧૦. ઘેરથી પરીક્ષા સ્થળ પર જવા થોડા વહેલા નીકળી જાઓ જેથી ટ્રાફિક, બસ મોડી પડે, પંચર પડે તેવી સમસ્યાઓ સામનો કરી શકાય.

૧૧. OMR શીટ ભરવામાં ઉતાવળ કરશો નહિ.

૧૨. Superviser સાહેબ તમને OMR શીટ ભરવામાં મદદ કરશે.

૧૩. હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો(પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો.They will definitely help you.

૧૪. પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે ઔમ ૭૮૬, શ્રી વગેરે.

૧૫. સ્પ્રે કે અત્તર ન લગાવવું.

૧૬. Superviser સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.

૧૭. કપડાં નવા હોય તેના કરતાં સહુલતવવાળા હોય તો સારું.

૧૮. પાર્ટ A અને પાર્ટ B માં બધા પ્રશ્નો લખવા. પ્રશ્નો છોડવા નહિ.

૧૯. OMR શીટ ભરતી વખતે ફૂટપટ્ટી નો ઉપયોગ કરવાથી પ્રશ્નોનોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.

૨૦. OMR શીટમાં તમને જેટલા પરફેક્ટ આવડે તેના રાઉન્ડ કરી અને જે ન આવડતા હોય તેવા બાકીના તમામ પર એક વિકલ્પ પસંદ કરી રાઉન્ડ કરી કરી લ્યો જેથી ન આવડતા હોય તેમાંથી થોડાક સાચા પડી શકે.

૨૧. તમે જે સારું આવડે તે પ્રથમ લખો અને કન્ફ્યુઝન વાળું છેલ્લે જેથી બીજા સવાલ પર તેની અસર ન થાય.

૨૨. પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.

૨૩. જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.

૨૪. યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
૨૫. ભગવાન તમારી સાથેજ છે
છેલ્લે
*તમારી પરીક્ષા સારીજ જવાની છે તેવો આત્મવિશ્વાસ રાખો.*

વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે શુભેચ્છા!

વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે શુભેચ્છા!

મારા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક

પ્રિય મિત્રો,

માર્ચ મહિનો આપણા લાખો યુવા મિત્રો માટે અત્યંત અગત્યનો છે કારણકે તેમણે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ આપવાનો આ સમય છે. ગુજરાતના ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ ચૂકી છે અને બીજા ઘણાંની પરીક્ષા આવનાર દિવસોમાં શરૂ થશે. મારા યુવા મિત્રોને હું પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવું છું. મહિનાઓની તૈયારી અને સખત મહેનતનો નિચોડ પરીક્ષા ખંડમાં થોડા કલાકોમાં આવી જશે.

પરીક્ષા અંગેની તમામ ચિંતાઓ દૂર કરવાનો એક સારો રસ્તો એ છે કે બોર્ડની પરીક્ષાઓને એક ખેલની જેમ લેવામાં આવે. પરીક્ષામાં સ્ટ્રેસ લઇને બેસવાને બદલે જાણે કે એક રમત રમવાની હોય તેવો અભિગમ રાખવાથી ફાયદો થશે. પરીક્ષાને આત્મ વિકાસનો એક અવસર માનો અને તમારો સ્ટ્રેસ તરત દૂર થઇ જશે. યાદ રાખો સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું - ''પહેલાં તો પોતાની જાતમાં વિશ્વાસ રાખો, આ જ (સફળતાનો) રસ્તો છે. તમારી જાતમાં શ્રદ્ધા રાખો. તમામ શક્તિ તમારી અંદર જ પડેલી છે. આ શક્તિને ઓળખો અને તેને બહાર લાવો. પોતાની જાતને કહો કે 'હું બધું જ કરી શકું છું'. સાપનું ઝેર પણ તમારી સામે બિનઅસરકારક થઇ જશે જો તમે દ્રઢતાથી તેને નકારી દેશો''.

પરિક્ષા આપવા અંગે આપણા અંગત અનુભવો છે. જે કેટલાક પ્રસંગો મનમાં તાજા કરાવે છે જેમાંથી કેટલાક અનુભવો આનંદદાયક હોય છે અને કેટલાક નથી હોતા. આપણો સમય યાદ કરીએ તો પરીક્ષા આજે છે તેટલી સ્પર્ધાત્મક ન હતી. પરીક્ષાનું દબાણ પણ ઘણું ઓછું હતું. તે દિવસોમાં કોઈ વ્યક્તિ જો 70 ટકા પણ લાવ્યું હોય તો તે એક આનંદની વાત હતી અને આજે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની 90 ટકા ઉપર ગુણ લાવે તો તેને લાગ્યા કરે છે કે "આનાથી સારા ગુણ આવ્યા હોત તો!" . ખરેખર, સમય બદલાઈ ગયો છે....

યુવામિત્રો, અભ્યાસક્રમ પૂર્ણ કરવાના આકરા નિત્યક્રમ વચ્ચે થોડી હળવાશની ક્ષણો માણવી અત્યંત મહત્વની છે. તમારૂ મનપસંદ સંગીત સાંભળો, પરિવારજનો-મિત્રો સાથે સમય ગાળો અથવા તો તમારો પ્રિય ટેલિવિઝન કાર્યક્રમ માણો. આ સમયગાળા દરમિયાન સૂર્યનમસ્કાર અથવા પ્રાણાયામ કરવાથી એકાગ્રતા વધે છે અને પરીક્ષા સમયે આવશ્યક કાર્યક્ષમતામાં પણ ઉમેરો થાય છે.

બોર્ડની પરીક્ષાની યાત્રા માત્ર વિદ્યાર્થીઓ પુરતી સિમિત નથી હોતી. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પાછળ તેમના પરિચિત અને અપરિચિત એવા સંખ્યાબંધ લોકોના ત્યાગ અને પરિશ્રમ હોય છે.

યુવામિત્રો, આપ સૌ શૈક્ષણિક યાત્રાના એક મહત્વના પડાવ પર પહોંચવા જઈ રહ્યાં છો ત્યારે એ યાદ રાખો કે તમારા શિક્ષણ સમયે આપના માતા-પિતાએ તેમના સમય, ઉર્જાના ભોગે તમને સગવડ આપી છે અને તમને મુશ્કેલ સમયે વાત્સલ્યથી હૂંફ આપી છે. તમારાથી નાના ભાઈ કે બહેન માત્ર એટલા માટે જ તેમના મનપસંગ ટીવી કાર્યક્રમોને નિહાળી શકતા ન હતા કારણ કે તમે એકાગ્રતા સાથે વાંચી શકો. યાદ રાખો કે સમગ્ર વર્ષ દરમિયાન જેની તમને વિશેષ જરૂરીયાત રહી છે તેવા આપ સૌના શિક્ષકોએ શાંતચિત્તે અને પોતે પરિશ્રમ કરીને તમને માર્ગદર્શન આપ્યું છે. મને ખાતરી છે કે તેમના આશીર્વાદ તમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપશે અને પરીક્ષામાં ચમકશો. પરીક્ષામાં સારો દેખાવ કરીને તમારા માટે પરિશ્રમ કરનારા આપ સૌના હિતેચ્છુઓને સન્માન અપાવી શકશો.

બોર્ડની પરીક્ષાના ગુણ એ કોઈ અંત નથી પરંતુ વિદ્યાર્થી માટે એક નવી શરૂઆત છે! પરિણામો બાદ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને ધ્યાનમાં લઈને અત્યંત મહત્વની પસંદગી કરશે તેનો પ્રભાવ તેમના ભવિષ્ય પર રહેશે. મને ખાતરી છે કે આપ સૌ પોતાના રસના વિષય અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને સમજદારી સાથે પસંદગી કરશો.

ભલે એમ લાગતું હોય કે પરીક્ષા પતવાને તો હજુ વર્ષોની વાર છે પરંતુ હું મારા યુવા મિત્રોને પરિક્ષા પછીને આ સમયગાળાનો સદુપયોગ કરવા કહીશ. હરો ફરો અને તમને જેમાં આનંદ આવતો હોય તેવી બાબતોનો આનંદ માળો- પ્રવાસ કરો, વાચંન કરો; પાછલા એક વર્ષ દરમિયાન તમે ન કરી શક્યા હોય તે કરો. હું આગ્રહપૂર્વકની વિનંતી કરીશ કે આપ સૌ યુવાનો આ સમયે સમાજ સેવા માટે પણ સમય ફાળવો. તેનાથી આપના શિક્ષણનો વ્યાપ ખરા અર્થમાં વિસ્તરશે. આખરે તો તમારા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માર્કશિટ્સમાં 'A+, A , A ' જેવા ગુણ હાંસલ કરવાનો નથી પરંતુ એવો વિશ્વાસ સંપાદિત કરવાનો છે કે તમે જે શિક્ષણ મેળવ્યું તેનાથી તમે સમાજને કંઈક પ્રદાન કરી શકશો. સ્વામિ વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે, "જે વ્યક્તિ સમાજના સહકારથી શિક્ષણ મેળવે છે પરંતુ સમાજ માટે કંઈ નથી કરતો તેને હું વિશ્વાસઘાતી કહીશ."

ફરી એક વાર, મારા વિદ્યાર્થી મિત્રોને પરિક્ષા માટે શુભેચ્છા!