15 November 2015

જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય

એક બગલો નદી કિનારે રહેતો હતો.

એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં.

શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે – બગલાભાઈ ! તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને ? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરી તે ખાજો. બગલાએ કહ્યું – સારું.

ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે – લો બગલાભાઈ, તમે નિરાંતે ખીર ખાઓ. હું તાસક પકડી રાખું છું !

બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછરી ને બગલાની સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહિ. એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું.

બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું – વાહ, શિયાળભાઈ ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે ! એની સુંગધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો આવતી કાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ.

જમવાનું આમંત્રણ મળતાં શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું.

બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું. બગલાએ સાંકડા મોં વાળા બે કૂંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી.

બગલો કહે – તમને બાસુંદી ભાવે છે. એટલે મેં બાસુંદી બનાવી છે. લો શિયાળભાઈ ખાવ. આમ કહી બગલાએ શિયાળ પાસે કૂંજો મૂકયો. બીજા કૂંજામાંથી બગલો બાસુંદી ખાવા માંડયો.

શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કૂંજામાં પેસી જ ન શક્યું. તે કૂંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું. બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું. એ નરમ અવાજે બોલ્યું – બગલાભાઈ, તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું, હોં ! આમ કહી ઢીલા મોઢે એ જતું રહ્યું.

શિયાળને જતું જોઈ બગલો મનમાં કહે – જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય, સમજ્યા !

10 November 2015

તજ અને મધના એકસાથેના થોડા પ્રયોગો અને તેના લાભ જાણીશું.

ભારતીય મસાલામાં જ એટલું ઔષધ રહેલું છે કે જો આપણે તેને ઉપયોગ યોગ્ય રીતે જાણતાં હોઈએ તો આપણે કોઈ દવાની પણ જરૂર ન પડે. તો આજે આપણાં ભારતીય મસાલામાંથી તજ અને મધના એકસાથેના થોડા પ્રયોગો અને તેના લાભ જાણીશું. વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનો પરથી એવું જાણવા મળ્યું છે કે મધ અને તજના પાવડરનું મિશ્રણ ઘણાં રોગો પર ઉપયોગી છે. તો જાણીએ તેના ફાયદા.

શરદી
સામાન્ય કે તીવ્ર શરદીથી પીડાતા દર્દીએ એક ચમચો હૂંફાળા મધમાં પા ચમચી તજનો પાવડર મેળવીને ત્રણ દિવસ સુધી રોજ એકવાર સેવન કરવું જોઇએ. આ ઉપચાર શરદી, કફ અને સાયનસાઇટિસ પર ઉપયોગી છે.

કોલસ્ટ્રોલ
સોળ ઔંસ જેટલાં ચાવાળા પાણીમાં (પાણીવાળી ચા) બે ચમચા મધ અને ત્રણ ચમચી તજનો પાવડર   મેળવીને કોલસ્ટરોલના દર્દીને પીવડાવવાથી બે કલાકમાં દસ ટકા જેટલું કોલસ્ટરોલ ઘટયું હતું. સંશોધનોની જર્નલમાં એવું પણ જણાવાયું હતું કે રોજ ખોરાક સાથે મધનું સેવન કરવાથી કોલસ્ટરોલની તકલીફમાં રાહત મળે છે. આરથ્રાઇટિસથી પીડાતા દર્દીને દિવસમાં ત્રણવાર મધ અને તજ આપવાથી ઘણી રાહત મળે છે.

ત્વચાની ચમક
ત્વચાની ચમક વધારવા પણ તમે મધમાં તજનો પાવડર ભેળવીને તેને ફેસપેકની જેમ લગાવશો તો ચમક વધશે અને રૂપ નિખરશે.

હૃદયરોગ
મધ અને તજના પાવડરની પેસ્ટ બનાવીને તેને જામની જેમ બ્રેડ કે રોટલી પર લગાવીને રોજ ખાઓ. આ ઉપચાર કોલસ્ટરોલને નસોમાંથી ઘટાડીને હૃદયને રક્ષણ આપે છે. હાર્ટએટેક આવેલા દર્દીને પણ તે ફરીવારના હુમલાથી બચાવે છે. મધ અને તજનો રોજિંદો ઉપયોગ શ્વાસની તકલીફ અને હૃદયના ધબકારાને નિયમિત બનાવે છે. અમેરિકા અને કેનેડામાં થયેલા સંશોધનો પરથી જાણવા મળ્યું હતું કે ઉંમર વધવા સાથે ઘટી જતી નસો અને ધમનીઓની સ્થિતિસ્થાપકતાને મધ અને તજનું સેવન પુનઃસ્થાપિત કરે છે. નસોની સંકડાશને પણ તે ઠીક કરે છે.

આર્થ્રાઇટીસ
એક કપ જેટલાં ગરમ પાણીમાં બે ચમચા મધ અને એક નાની ચમચી તજનો પાવડર મેળવીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવો તીવ્ર આરથ્રાઇટીસ મટી શકે છે. જે ડોકટરોએ આર્થ્રાઇટીસના દર્દીઓને સવારે બ્રેકફાસ્ટ પહેલાં મધ અને તજનું મિશ્રણ આપ્યા હતા. તેઓએ નોંધ્યું હતું કે એક સપ્તાહમાં ચાલીસ ટકા જેટલાં દર્દીઓને અને એક મહિનામાં બધાં જ દર્દીઓને ફાયદો થયો હતો.

મૂત્રાશયના ચેપો
એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચો મધ અને બે ચમચા તજ-પાવડર ઉમેરીને પીઓ. તે મૂત્રાશયમાંના જંતુઓનો નાશ કરીને ચેપને દૂર કરે છે.

દાંતનો દુઃખાવો
એક ચમચી તજનો પાવડર અને પાંચ ચમચી મધને મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુઃખના દાંત પર લગાવો. દિવસમાં ત્રણવાર આ રીતે કરવાથી દુઃખાવો દૂર થઇ જશે.

8 November 2015

આજે માત્ર મારા શિક્ષિકા જ નહી મારી માની પણ વિદાય છે.

એક શાળામાં શિક્ષકની વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓના વહાલા બહેન આજે વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા હતા. શાળાના આચાર્ય, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા.
નિવૃતિ લઇ રહેલા શિક્ષિકાની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃતિ જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા. પ્રવચનો પુરા થયા એટલે શાળાના આચાર્ય તથા સૌ શિક્ષકોએ સાથે મળીને આ શિક્ષિકા બહેનને શાલ, શ્રીફળ અને સાકરનો પળો આપ્યો. કેટલાક શિક્ષકો એમના માટે ગીફ્ટ લાવ્યા હતા એ ગીફ્ટ પણ આપવામાં આવી.
સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઉભી થઇ અને શરમાતા શરમાતા બોલી, " મારે પણ મારા તરફથી બહેનને કંઇક આપવું છે ". આચાર્યએ એ છોકરીને આગળ બોલાવી અને કહ્યુ, " બેટા, તારે જે આપવુ હોય તે આપ." છોકરીએ પોતાના દફતરમાંથી એક નાનુ લંચબોકસ કાઢ્યુ અને પોતાના વહાલા બહેનને આપ્યુ. બધાને આશ્વર્ય થયુ કે આ છોકરી લંચબોક્ષમાં શું લાવી. શિક્ષિકાએ લંચબોક્સ ખોલ્યુ તો એમાં થોડી રોટલી અને ગોળ હતો. શિક્ષિકાએ છોકરીને પુછ્યુ, " બેટા, તું મારા માટે રોટલી અને ગોળ કેમ લાવી ? "
છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ, " બહેન, હવે તમે આ નિશાળ છોડીને દુર દુર તમારા ગામમાં જશો તમને ભૂખ લાગે તો તમે શું ખાશો ? એટલે હું તમારા માટે ખાવાનું લાવી છું. મારી મા તો મને નાની મુકીને જ મરી ગઇ હતી. હું નિશાળમાં ભણવા માટે આવી અને મને મારી મરી ગયેલી મા તમારા રૂપે પાછી મળી. એક મા પોતાની દિકરીનું ધ્યાન રાખે એમ તમે પણ મને દિકરી સમજીને મારુ ધ્યાન રાખ્યુ છે એટલે હવે મારી પણ ફરજ છે કે હું મારી માનું ધ્યાન રાખુ. આજે માત્ર મારા શિક્ષિકા જ નહી મારી માની પણ વિદાય છે. હું ફરીથી મા વગરની થઇ જઇશ."
નાની છોકરીની વાતો સાંભળીને બધાની આંખો ભીની થઇ ગઇ. એક બીજા શિક્ષિકા બહેને આ દિકરીને ઉપાડી લીધી અને કહ્યુ, " બેટા હવે અમે તારી મા બનીને તારુ ધ્યાન રાખીશું"
આ કોઇ વાર્તા નથી. ધારી પંથકના એક ગામની આ સત્ય ઘટના છે. આ શિક્ષિકાનું નામ છે હંસાબેન માઢક.
મિત્રો, માત્ર કરવા ખાતર કામ કરવું અને દિલ દઇને કામ કરવું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણને સોંપાયેલ કામ નિષ્ઠાપૂર્વક કરીએ ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાય લોકોની બહુ મોટી સેવા પણ થતી હોય છે અને એ સેવાની યોગ્ય નોંધ પણ લેવાતી હોય છે.

7 November 2015

તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે....!!

એક સસલો તેની બોડ બહાર બેઠોબેઠો કમ્પ્યૂટર પર કામ કરતો હતો.

ત્યાંથી પસાર થતા એક શિયાળે પૂછ્યું, ‘શું કરો છો?’

સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં શિયાળને કઇ રીતે મારી પાડવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’

શિયાળે કહ્યું, ‘સસલો તે કદી શિયાળને મારી શકે?’

‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં’ સસલાએ આમંત્રણ આપ્યું.

બંને અંદર ગયા. થોડી વારમાં સસલો શિયાળના હાડકાંનો ટુકડો ચાટતો બહાર આવ્યો.

થોડી વાર પછી ત્યાંથી વરુ પસાર થયો. સસલો કમ્પ્યૂટર પર કામ કરતો હતો.

વરુએ પૂછ્યું, ‘શું કરો છો?’

સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં વરુને કઇ રીતે ખતમ કરવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’

વરુએ કહ્યું, ‘સસલો તે કદી વરુને મારી શકે?’

‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું.

બંને અંદર ગયા. થોડી વારમાં સસલો વરુના હાડકાંનો ટુકડો ચાટતાં બહાર આવ્યો.

છેલ્લે એક રીંછ આવ્યું.

કમ્પ્યૂટર પર કામ કરતાં સસલાને પૂછ્યું, ‘શું કરો છો?’

સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં રીંછને કઇ રીતે પતાવી દેવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’

રીંછે કહ્યું, ‘સસલાની શી મજાલ કે તે રીંછને પતાવી દઇ શકે?’

‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું.

બંને અંદર ગયા. અંદર એક ડાલામથ્થો સિંહ પંજા ચાટતો બેઠો હતો....!!

કથાબોધ : તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે....!!

6 November 2015

લીલા મરચા આપ...

કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?
સ્ત્રી: લાલ મરચા ....
કરીયાણા વાળો:( દુકાનમાં બૂમ પાણીને) લીલા મરચા આપ...
સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..
કરીયાણાવાળો: ( ફરીથી બૂમ પાણીને) લીલા મરચા આપ...
સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ...
કરીયાણાવાળો: મારી મા માથે બરફ રાખ.... લીલા મારી બૈરીનું નામ છે.... એ લાલ મરચા જોખવા જ ગઈ છે...