9 October 2018

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.

માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.

*પ્રથમ પંક્તિ*

*‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’*
એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.

*બીજી પંક્તિ*

*‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’*
બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.

*ત્રીજી પંક્તિ*

*‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાંં`*
ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.

*ચોથી પંક્તિ*

*‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’*
એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.

*પાંચમી પંક્તિ*

*‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’*
અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.

*છઠ્ઠી પંક્તિ*

*‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’*
મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.

*સાતમી પંક્તિ*

*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’*
સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.

*આઠમી પંક્તિ*

*‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’*
(દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.

*નવમી પંક્તિ*

*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’*
નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.

*દસમી પંક્તિ*

*‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’*
દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.

*અગીયારમી પંક્તિ*

*‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’*
નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

*બારમી પંક્તિ*

*‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’* બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.

*તેરમી પંક્તિ*

*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’*
હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.

*ચોદમી પંક્તિ*

*‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’*
શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

*પંદરમી પંક્તિ*

*’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.'* પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

*સોળમી પંક્તિ*

*‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’* અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.

*અંતિમ પંક્તિ*

*‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’*
આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.

જય માતાજી

શિક્ષક તારી બીકણ જાત

શિક્ષક તારી બીકણ જાત,
બીકણ બીકણ બીકણ જાત.
ગામથી બીવે
તાલુકા થી બીવે
જિલ્લા થી તું બહુ બહુ બીવે.
ગામના આવી ખખડાવી જાય
તાલુકાવાળા સંભળાવી જાય
જીલા જોહુકમી ચલાવી જાય.
તોય તું નતમસ્તકે
હાજી હાજી હાજી
કર્યે જ જાય.
તું ઇલેક્શન માટે બીએલઓ બન,
તું cm કાર્યક્રમ માં કન્ડક્ટર બન,
તું જાજરૂ ગણવા ક્લાર્ક બન,
તું વસ્તી ગણવા ગણતરીકાર બન,
તું ખેલ મહાકુંમ્ભમાં રેફરી બન,
તું પટાવાળો, ક્લાર્ક, ઓપરેટર, બધુંય બન.
ક્યારેક ક્યારેક તું પછી શિક્ષક બન.
જવાબદાર
છોકરા
નિશાળે ન આવે તું જવાબદાર,
વાંચતા ન આવડે તું જવાબદાર,
9 ભણવા ન જાય તું જવાબદાર,
પ્રવાસે લઈ જા તું જવાબદાર,
કઈક વાગી જાય તું જવાબદાર.
મધ્યાહન માં ધનેરા નીકળે તું જવાબદાર,
દાળ સડેલી નીકળી તું જવાબદાર,
બધીય વાતે બસ તું જવાબદાર.
કેમ કે,
શિક્ષક તારી બીકણ જાત,
બીકણ બીકણ બીકણ જાત.

..........કુસુમડાભી......9/10/2018...

આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ.

એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું......
તેના પિતાએ તેને હસતાં કહ્યું,
“બેટા, એક સફરજન મને આપ તોય...”
બસ ... સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું....!!!!!!
થોડુંક મમળાયું...!!!
તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું...!!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગ્યા, જાણે આઘાત ન લાગ્યો હોય... ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું.
...

બસ ત્યારે........

તેના આ નાનકડા બાળકે

ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા

પિતાને કહ્યું...

*“આ લો બાપુ... આવડુઆ વધારે મીઠું છે...!”*
...

*કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ...*
..
કોઈએ કેટલું સરસ કહ્યું છે.
*“નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં...!!!!”*
ફર્ક માત્ર વિચારસરણી નો હોય છે,
નહિતર, એજ સીડીઓ ઉપર પણ જાય છે ને નીચે પણ આવે છે,….

7 October 2018

શેરબજાર શું છે તે સમજીએ. જીવનમાં ચેતજો અને ચેતવજો.

જીવનમાં ચેતજો અને ચેતવજો.

એક ગામ નજીક ઘણાં વાંદરા  રહેતા હતા.
એક દિવસ એક વેપારી આ વાંદરાઓ ખરીદવા માટે ગામમાં આવ્યો!
તેણે જાહેરાત કરી હતી કે તે દરેક વાંદરાને ₹1000 માં ખરીદશે.
ગ્રામવાસીઓને લાગ્યું કે આ માણસ પાગલ છે.
તેઓએ વિચાર્યું કે કોઈ કેવી રીતે ₹1000 માં રખડતા વાંદરાઓ ખરીદી શકે છે?
તેમ છતાં, કેટલાક લોકોએ વાંદરાઓને પકડ્યા અને તેને આ વેપારીને આપ્યા અને તેણે દરેક વાનર માટે ₹1000 ચુકવ્યા.
આ સમાચાર દાવાનળની  જેમ ફેલાય ગયા અને લોકો વાંદરાઓને પકડયા અને વેપારીને વેચી દીધા
થોડા દિવસો બાદ, વેપારીએ જાહેરાત કરી કે તે વાંદરાઓ ₹ 2000 માં ખરીદશે.
હવે બાકીના વાંદરાઓને પકડવા માટે આળસુ ગ્રામવાસીઓ પણ ફરતા થઇ ગયા!
તેઓએ બાકીના વાંદરાઓને ₹2000 માં વેચ્યા
પછી વેપારીએ જાહેરાત કરી કે તે વાંદરાઓ ₹5000 માં ખરીદશે!
ગ્રામવાસીઓ ઊંઘવાનુ છોડી રહી ગયેલ છ - સાત વાંદરાઓને પકડવાના શરૂ કર્યા ! ... અને પકડીને દરેકના ₹ 5000 મળવે છે.
ગ્રામવાસીઓ આગામી જાહેરાત માટે આતુરતાથી રાહ જોતા હતા
પછી વેપારીએ જાહેરાત કરી કે તે એક અઠવાડિયા માટે ઘરે જઈ રહ્યો છે. અને જ્યારે તે પાછો આવશે, ત્યારે તે ₹ 10000 માં ખરીદશે!

વેપારી પોતાના કર્મચારીને ખરીદેલ વાંદરાઓની સંભાળ રાખવા નુ કહ્યું. તે એક જ પાંજરામાં તમામ વાંદરાઓની સંભાળ રાખતો હતો.
વેપારી ઘરે ગયો
ગ્રામવાસીઓ ખૂબ દુ: ખી હતા કારણ કે તેમની પાસે ₹ 10000 માં વેચવા માટે કોઈ વાંદરો બાકી ન હતો.
ત્યારે વેપારીના કર્મચારીએ કહ્યું કે તે દરેક વાનરને ₹7000 માં ગુપ્ત રીતે આપશે.
આ સમાચાર આગની જેમ ફેલાય છે કારણ કે વેપારી વાનરને ₹10000 માં ખરીદવા નો છે, અને દરેક વાનર માટે ₹3000 નો નફો મેળવી શકાય છે.
બીજા દિવસે, ગ્રામવાસીઓએ વાંદરાના પાંજરા પાસે લાઇન લગાવી દીધી.
કર્મચારીએ ₹7000 માં એક લેખે તમામ વાંદરાઓ ને વેચી દીધા. પૈસાદાર લોકો એ પોતાની મુડી વડે ઘણાં વાંદરાઓ ખરીદી લીધા, જયારે ગરીબોએ પૈસા ધીરનાર પાસેથી નાણાં ઉછીના લઇને પણ વાંદરાઓ ખરીદ્યા!.
ગ્રામવાસીઓ તેમના વાંદરાઓની સંભાળ રાખવા લાગ્યા અને વેપારી પાછા ફરવાની રાહ જોવા લાગ્યા.
પરંતુ કોઇ આવ્યુ નહી! ... પછી તેઓ કર્મચારી પાસે દોડી ગયા ...
પરંતુ કર્મચારીએ પહેલેથી જ ગામ છોડી દીધું હતુ!
હવે ગ્રામવાસીઓને ખબર પડી કે તેઓએ ₹7000 માં નકામા રખડતા વાંદરાઓ ખરીદ્યા છે અને તેમને વેચવા માટે અસમર્થ છે!
*ચેતજો અને ચેતવજો*

શિક્ષક અને વાલી

શિક્ષક અને વાલી

આદર્શ શિક્ષક ગિજુભાઈ બધેકા વર્ગમાં બાળકોને ભણાવી રહ્યા હતા. દરેક બાળક તલ્લીન થઈ પાઠ્યપુસ્તક વાંચતા હત. તેમને મનમાં ખૂબ આનંદ થયો. તેમણે ફરીવાર નજર કરી તો એક વિદ્યાર્થા તેની પાસે બેઠેલા એક બીજા વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકમાં નજર ફેરવી રહ્યો હતો. આ જોઈને ગિજુભાઈએ પેલા વિદ્યાર્થીને ઊભા થવાનું કહ્યું. પેલો ડરને માર્યો ઊભો થયો. ગિજુભાઈએ તેને પૂછ્યું : ‘તારી પાસે પાઠ્યપુસ્તક નથી ? તેં હજી સુધી તે ખરીદ્યું નથી ? બીજાના પુસ્તકમાં શા માટે જુએ છે ?’

આવા ઉપરાઉપરી પ્રશ્નોથી પેલો વિદ્યાર્થી ગભરાઈ ગયો. તે એટલું જ બોલી શક્યો : ‘અમે પુસ્તક ખરીદી શકીએ તેમ નથી.’ ગિજુભાઈએ પછી તેને બેસી જવા કહ્યું. શાળાનો સમય પૂરો થયો. ગિજુભાઈ ઘેર આવ્યા, પણ તેમના મનને સતત એક પ્રશ્ન ડંખી રહ્યો હતો : ‘મેં તેને ઊભો કર્યો, કારણ કે તેની પાસે પાઠ્યપુસ્તક નહોતું. પણ શા માટે નહોતું ? તેનાં માતાપિતા એ ખરીદી શકે તેવી સ્થિતિ ધરાવતાં નથી એટલે જે ને !’ અને પછી આ પ્રશ્ન પણ થયો : ‘હું શું તેનો શિક્ષક જ છું ? તેનો હું વાલી નથી શું ?’

બીજે દિવસે ગિજુભાઈએ પેલા વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેના હાથમાં પૈસા આપીને બોલ્યા : ‘હવે તું પાઠ્યપુસ્તક ખરીદી લેજે.’ પેલો વિદ્યાર્થી ગળગળો થઈ ગયો ને બોલ્યો : ‘તમે મારા શિક્ષક છો, કંઈ મારા વાલી નથી કે આમ મને પાઠ્યપુસ્તક ખરીદવા પૈસા આપી રહ્યા છો !’

ગિજુભાઈ બોલ્યા : ‘બેટા, આજ સુધી હું પણ એ જ ભ્રમમાં હતો કે હું તારો શિક્ષક જ છું. પણ આજે મારો ભ્રમ હવે દૂર થયો છે અને હું સમજી શક્યો છું કે હું તારો શિક્ષક જ નહિ, વાલી પણ છું. બધા શિક્ષકોએ વહેલું મોડું આ સમજવું જ પડશે.’