14 August 2016

જા દીકરા અને સમગ્ર માનવ જગત માટે પ્રાર્થના કરજે.

*તો કોના માટે પ્રાર્થના કરું?*

" ઓ સાહેબ લઇ લ્યોને, માત્ર દસ રૂપિયાનો જ હાર છે. ઓ સાહેબ.... ... ઓ સાહેબ ....."

આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો.

આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલીવારમાં તે છોકરો પાસે આવી બોલ્યો " સાહેબ લઇ લ્યોને માત્ર દસ રૂપિયા નો જ હાર આપું છું"

મેં કહ્યું" અરે ભલા હું તો દર્શન કરીને બહાર આવ્યો છું , હવે આ લઇ હું શું કરું?" આ શબ્દો સાંભળતા જ પેલા છોકરાનો ચહેરો જરા ફિક્કો પડેલો જણાયો.

તેના ચહેરાને જોઈ હું બોલ્યો " ચાલ હવે મારે આ હારની તો જરૂર નથી પણ એક કામ કર તું આ દસ રૂપિયા રાખ."

મેં ધીમેથી દસ રૂ.ની નોટ તેના ખિસ્સામાં મૂકી ચાલતી પકડી.થોડીવારમાં પાછળથી ફરી એજ અવાજ સંભળાયો "ઓ સાહેબ, એક મિનિટ ઉભા તો રહો"
આ સાંભળી મેં પૂછ્યું "કેમ ભાઈ હવે શું થયું?"

"અરે સાહેબ તમે હાર તો લીધો જ નહીં અને હારના પૈસા આપી દીધા"

મેં હસતા હસતા જવાબ વાળ્યો કે "એતો મેં તને એમજ ખુશી ખુશી આપ્યા છે. રાખ તારી પાસે, મારે હાર નથી જોઈતો."

છતાં પણ એ બોલ્યો "ના, ના સાહેબ આ હાર તો લેતા જ જાઓ. તમે તે હારના પૈસા ચૂકવ્યા છે."

"અરે ભાઈસાબ મેં કહ્યુંને કે એ હારનું મારે શું કરવું? હું તો હવે ઘરે જ જાઉં છું."

"તો એક કામ કરો સાહેબ આ હાર તમે ઘરે લેતા જાઓ." સ્મિત સાથે તેના તરફ જોઈ બોલ્યો કે "દીકરા આનું ઘરે હું શું કરું?"

"ના, ના, તમારે હાર તો લેવો જ પડે કેમકે તમે તેના પૈસા ચૂકવ્યા છે." બાળકની જીદ સામે શું બોલવું કઈ સમજ ન પડી અને આટલું જ કહ્યું કે
"એ પૈસા તો મેં તને એમજ આપ્યા છે, પ્રેમથી રાખી લે."

છતાંય જાણે કે એને મારા જવાબથી કંઈ ફેર ન પડતો હોય તેમ ફરીવાર એકનું એક વાક્ય બોલ્યો "હાર તો તમારો જ કેવાય ને તમારે જ લઇ જવાનો."

અંતે કંઈ ન સુજ્યું તો મેં કહ્યું " એક કામ કર, તું મંદિરમાં જા અને આજે તું  આ હાર ભગવાનને ચઢાવી આવજે"

જાણે કે તેને આ રુચ્યું અને તે બોલ્યો "હા સાહેબ એ બરોબર. ચાલો એમજ કરું છું."

મને પણ થયું કે ગજબ છોકરો છે. અને તેની વાતોએ જાણે કે મને પણ વિચારતો કરી મુક્યો. આ વિચારમાંને વિચારમાં હજુ તો હું થોડું આગળ ચાલ્યો હોઇશ ત્યાં ફરી એજ અવાજ કાને અથડાયો *"ઓ સાહેબ"*

ફરીથી એજ બાળક મારી સામે આવી ઉભો રહ્યો ને આ જોઈ હવે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો ને મારાથી સહજ ઊંચા અવાજે બોલાય ગયું  "હવે શું છે? હવે તો જા."

આટલું બોલતા બોલાઈ તો ગયું પરંતુ સામેના બાળકે જે કહ્યુંએ સાંભળી હું છકક થઇ ગયો અને જાણે કે મને મારા જ બોલાયેલા શબ્દો પ્રત્યે ઘૃણા થવા લાગી. મારા બોલાયેલા શબ્દોની સામે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર એ માત્ર એટલું બોલ્યો

"સાહેબ તમારું નામ તો જણાવો. હું ભગવાન પાસે આ હાર ચઢાવી, તમારું નામ લઇ ભગવાન પાસે તમારી સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના તો કરી શકું. તમારું નામ ન જાણતો હોઉં તો કોના માટે પ્રાર્થના કરું?"

આ સાંભળી મારી આંખમાંથી સહજ અશ્રુબિંદુ ખરી પડ્યું અને મારુ ખુદનું અસ્તિત્વ જાણે કે ભૂલી ગયો હોઉં તેમ તે બાળકને ભેટી પડ્યો.

થોડીવારે સ્વસ્થતા પ્રાપ્ત થતા વિચાર આવ્યો કે આ બાળકની પ્રાર્થના સાચે જ ઈશ્વર સાંભળશે જ અને જવાબ આપ્યો કે "દીકરા આપણા નામ તો આ જગતના લોકોએ પાડ્યા છે, ઉપરવાળો તો દરેક ને એક માનવ સ્વરૂપે જ જુએ છે. તો જા દીકરા અને સમગ્ર માનવ જગત માટે પ્રાર્થના કરજે."

13 August 2016

સપનું કે ....

સપનું કે ......
ગઇ કાલે આખો દિવસ સાતમા પગાર પંચની ચર્ચા તથા ગણતરીને વાતો કરતા પસાર થયો થોડોક રોમાંચ થયો કે પગાર ઘણો મળશે કેટલાક સપનાઓ પૂરા કરવા વાતાવરણ મળશે. રાત્રે વાંચન કર્યા બાદ સૂઇ ગયો ત્યાં નિંદર રાણી મીઠાં સપનાઓના દેશમાં ફરવા લઇ ગયા. સપનામાં પણ પગાર પંચ ના લાભના કારણે પૂર્વભારતના પ્રવાસે જવાનું થયું. ઘટાદાર જંગલોના પ્રદેશ મેઘાલય, અસમમાં ફરી રહ્યા હતા ત્યાં આતંકવાદી સંગઠનના કેટલાક સભ્યો અમોને ઘેરી વળ્યા .મારી પાસે પૈસાની માંગણી કરી .સપનામાં મારી પાસે 5000/- રૂપીયા જેટલી રકમ હતી .મેં પૈસા આપવાની મનાઇ કરી તો તેઓએ લૂંટફાટ કરવા લાગ્યા અને પછી બચાવમાં મારી હત્યા કરી દીધી.
     શ્વાસ વધતાં સપનું તૂટી ગયું અને પછી મન ચકડોળે ચડ્યું કે મારી કિંમત કેટલી??? માત્ર 5000/- રૂપીયા .!!!!!!!!!!!!!!!!!!!!  જો મારી આખી બજાર કિંમત જો 5000/- રૂપીયા હોય તો સરકાર મને એક મહિનાના 30000/- રૂપીયા આપવાની છે.  શું હું સરકારે મારી બજાર કિંમત કરતાં ચૂકવેલા વધારાનાં નાણાં નો ઉપયોગ મારી શાળાની ગુણવત્તા સુધાર માટે કરી શકીશ.કે પછી.............................. 
વર્ગમાં કચરો વાળવા માટે સાવરણી જ્યાં સુધી આચાર્યશ્રી ન લાવી આપે ત્યાં સુધી કચરો વાળવાનું બંધ કરાવી  દઇશ. 
ભલે ચાની કીટલી પર 20 રૂપીયાની ચા મિત્રો સાથે પીશ  પણ બાળકોને ટેસ્ટ માટે 15 રૂપીયાની ઝેરોક્ષ કઠાવીશ કે નહી. !!!!!!!
ઘરના બેડ રૂમમાં એસી લગાવીશ પણ મારા વર્ગમાં ,રહેલા પંખાનું કેપેસીટર બળી ગયેલ છે જેના કારણે મારા બાળકો ગરમીમાં બેસે છે . તેમને ઠંડો પવન વાય તે માટે  આચાર્યશ્રી કંઇ કરે તેની રાહ જોઇશ.!!!!!!!
ખબર નથી કે આ  સાચું છે કે નહિ પણ જ્યાં સુધી શિક્ષકને વિધ્યાર્થીની પીડાનો અનુભવ દરેક ક્ષણે ન થાય ત્યાં સુધી તે મા-સ્તર સુધી કઇ રીતે પહોંચશે.

આ સુંદર વાર્તાને ફક્ત શિક્ષક અને શિષ્ય નો સબંધ ને લિધે જ નાં વિચારતાં

શિક્ષક મિત્રો એ ખાસ વાંચવા લાયક વાર્તા..

     મિસ.આયસા એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા "આઈ લવ યું ઓલ" બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા,  તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા.ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને મિસ.આયસાને જોવો પણ ન ગમતો.

  તેનું નામ હતું રાજુ. રાજુ ખરાબ ને મેલી સ્થિતીમાં શાળાએ આવ-જા કરતો. તેના વાળ ખરાબ હોય, બુટની દોરી ખુલેલી હોય, અને શર્ટનાં કોલર પર મેલનાં નિશાન હોય. ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું. મિસ.આયસા તેને વઢે એટલે ચોંકીને તેમની સામે જોતો,  તેના પરથી ચોખ્ખુ લાગતું કે તે ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં પણ માનસિક રીતે તે ક્લાસમાં નથી. ધીમે ધીમે મિસ.આયસાને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું. ક્લાસમાં દાખલ થવાની સાથે જ તે મિસ.આયસા નાં ધીક્કારનો નીશાન બનવા લાગતો. બધાં જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કરવામાં આવતા.  અને બીજા છોકરાઓ ખીલખીલાટ તેની ઠેકડી ઉડાવતા.

     મિસ.આયસાને રાજુંને અપમાનિત કરીને સંતોષ થતો. જો કે રાજુંએ ક્યારેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. મિસ.આયસાને તે એક બેજાન પથ્થર ની જેવો લાગતો,  જેની અંદર મહેસૂસ નામ ની કોઈ વસ્તુ હતી જ નહી.  બધી જ ડાંટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવનાભેર નજરથી મિસ.આયસાને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો. મિસ.આયસાને હવે તેના પ્રત્યે બહુ જ ઘીન્ન થવા લાગી હતી.

  પહેલું સેમેસ્ટર પુરુ થયું. અને રીપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો મિસ.આયસાએ રાજુ ના પ્રગતિ રીપોર્ટમાં આ બધા વીકપોઈન્ટ જ લખ્યા. પ્રગતિ રીપોર્ટ મમ્મી પપ્પાને દેખાડતાં પહેલા પ્રીન્સિપલ પાસે જતો. પ્રીન્સિપલે જ્યારે રાજુ નો પ્રગતિ રીપોર્ટ જોયો તો મિસ.આયસાને બોલાવ્યા. મિસ.આયસા પ્રગતિ રીપોર્ટ માં કંઈક તો પ્રગતિ લખવી હતી. તમે જે પણ લખ્યું છે તેનાથી રાજુનાં પપ્પા નારાજ થઈ જશે. "હું માફી માંગુ છુ" પણ રાજુ સાવ અસ્થિત અને ઠોઠ વિદ્યાર્થી છે.  મને નથી લાગતું કે હું તેની પ્રગતિમાં કશું લખી શકુ. મિસ.આયસા સહેજ ગુસ્સાભર્યા શબ્દોમાં બોલીને જતાં રહ્યા.          પ્રીન્સિપલને કંઈક સુજ્યુ, તેમને પટ્ટાવાળા ના હાથે મિસ.આયસાનાં ટેબલ પર રાજુનાં ગયા વર્ષોનાં પ્રગતિ રીપોર્ટ મુકાવી દીધા. બીજા દિવસે મિસ.આયસા એ ક્લાસમાં પ્રવેશ કર્યો તો તેમની નજર રીપોર્ટ પર પડી. ફેરવીને જોયો તો રાજુનો રીપોર્ટ હતો. પાછળનાં વર્ષોમાં પણ આવું જ કર્યુ હશે તેવું મનોમન વિચારી લીધું અને ક્લાસ 3 નો રીપોર્ટ જોયો. રીપોર્ટ વાંચીને તેમની આશ્ચર્યની કોઈ હદ ના રહી જ્યારે તેમને જોયું કે રીપોર્ટ તો વખાણ અને સારા પોઈન્ટથી ભરેલી હતી.

    "રાજું જેવો હોશિયાર છોકરો મેં આજસુધી નથી જોયો",  "બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાનાં મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખે છે".
છેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુંએ પહેલો નંબર મેળવ્યો હતો. મિસ.આયસાએ અનિશ્ચિત સ્થિતિ માં ક્લાસ 4 નો રીપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુંની અંદર તેની મમ્મિની બિમારીનો બહું જ ઉંડો પ્રભાવ પડ્યો છે.  જેનાં કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યુ છે, રાજુંની મમ્મિને અંતિમ ચરણનું કેન્સર છે. ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળુ બીજુ કોઇ નથી. જેનો ઉંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યો છે. રાજુંની મમ્મિ મૃત્યુ પામી છે, તેની સાથે જ રાજુંનાં જીવનની રોનક પણ. તેને બચાવવો પડ છે બહું વાર થઈ જાય તે પહેલા.

  મિસ.આયસાનાં દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો. ધ્રુજતા હાથે તેમને રીપોર્ટ બંધ કર્યો. આંખ માંથી આંસુની ધાર થવા લાગી.

     બીજા દિવસે જ્યારે મિસ.આયસા ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનો પારંપરીક વાક્ય બોલ્યા "આઈ લવ યું ઓલ". પણ તે જાણતા હતા કે તે આ વખતે પણ સાચુ નથી બોલી રહ્યા,  કારણ કે આ ક્લાસમાં બેઠેલો એક ઉલજેલા વાળવારા રાજું પ્રત્યે જ તેમને પ્રેમ મહેસૂસ થઈ રહ્યો હતો. ભણાવતા સમયે તેમને રોજની જેમ એક પ્રશ્ન રાજુંને પુછ્યો અને રોજની જેમ રાજુંએ તેનું માથુ નીચે જુકાવી દીધું. જ્યારે થોડા સમય સુધી મિસ.આયસા તરફથી કોઈ ડાંટ ફટકાર અને સહધ્યાયી તરફથી હાસ્યનો અવાજ તેના કાનમાં ન આવતાં તેને અચંબા સાથે માથુ ઉંચુ કરીને તેમની સામે  જોયુ. કોઈ કારણથી તેમનાં ચહેરા પર આજે ગુસ્સો ન હતો, હતું તો ફક્ત લાગણીભર્યુ સ્મિત. તેમને રાજુંને પોતાની પાસે બોલાવ્યો અને પ્રશ્નનો જવાબ જણાવીને તેને પણ બોલવાનો આગ્રહ કર્યો. રાજુ પણ 3/4 આગ્રહનાં પછી છેવટે બોલી જ પડ્યો. તેના જવાબ આપવાની સાથે જ મિસ.આયસા ખુશ થઈને તાળીઓ પાડી અને સાથોસાથ બધા પાસેથી  પણ પડાવી. પછી તો આ રોજની દિનચર્યા બની ગઈ. મિસ.આયસા બધા  પ્રશ્નનો જવાબ ખુદ જ આપતા અને રાજુનાં વખાણ કરતી. બધાં જ સારા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કહેતા. ધીમે ધીમે રાજું સન્નાટાની કબર ચીરી ને બહાર આવતો રહ્યો.

   હવે, મિસ.આયસાને પ્રશ્નની સાથે જવાબ દેવાની જરુર નહોતી પડતી. તે રોજ વગર અચકાયે જવાબ આપીને બધાને પ્રભાવિત કરતો અને નવા નવા પ્રશ્ન પુછીને બધાને હેરાનીમાં પણ મુકી દેતો. તેનાં વાળ હવે થોડા દરજ્જે સુધરેલા લાગતાં, કપડા પણ થોડા સારા અને સાફ લાગતા જેને કદાચ તે પોતે જ ધોવા લાગ્યો હતો.  જોત જોતમાં વર્ષ પુરુ થઇ ગયું અને રાજુ બીજા નંબરે પાસ થયો.  વિદાય સમારોહમાં બધા છોકરાઓ મિસ.આયસા માટે સુંદર ગીફ્ટ લાવ્યા હતા અને મિસ.આયસાના ટેબલ પર  ગીફ્ટનો ઢગલો થઇ ગયો. આ બધા સરસ રીતે પેક કરેલા ગીફ્ટમાંથી એક જુનાં છાપામાં અવ્યવસ્થિત રીતે પેક કરેલું ગીફ્ટ પણ પડેલું હતું. બધા છોકરાઓ તે ગીફ્ટ જોઈને હસવા લાગ્યા,  કોઈને જાણવામાં વાર ન લાગી કે આ ગીફ્ટ રાજું લાવ્યો હશે તે. મિસ.આયસાએ ગીફ્ટના ઢગલામાંથી તેને હળવેકથી બહાર કાઢ્યું. જેને ખોલીને જોયુ તો મહિલાઓ વાપરે તે અડધી વપરાયેલી અત્તરની શીશી અને એક હાથમાં પહેરવાનું મોટુ કડું હતું જેનાં મોટા ભાગનાં મોતી ખરી ગયેલા હતા. મિસ.આયસાએ ચુપચાપ તે અત્તરને પોતાના પર છાંટ્યુ અને હાથમાં કડું પહેરી લીધુ. છોકરાઓ આ જોઇને હેરાન થઈ ગયા. ખુદ રાજું પણ, છેવટે રાજુંથી રહેવાયું નહી અને તે મિસ.આયસા પાસે આવીને ઉભો રહી ગયો. થોડા સમય પછી તેને અટકતાં અટકતાં મિસ.આયસાને જણાવ્યું કે "આજે તમારી પાસેથી મારી મમ્મિ જેવી ખુશ્બુ આવે છે".

  સમયને જતાં ક્યા વાર લાગે છે. દિવસ અઠવાડીયું, અઠવાડીયું મહીનાઓ, મહીનાઓ વર્ષોમાં બદલાતાં ક્યા વાર લાગે છે. પરંતુ દરેક વર્ષના અંતે મિસ.આયસાને રાજું દ્રારા નિયમિત રુપે એક પત્ર મળતો જેમાં લખેલું હોતું કે "આ વર્ષે ઘણા નવા ટીચર્સને મળ્યો,  પણ તમારી જેવું કોઇ ન હતુ. પછી રાજું ની સ્કુલ સમાપ્ત થઈ ગઈ અને પત્રોનો વ્યવહાર પણ. ઘણા વર્ષો વીતી ગયા અને મિસ.આયસા પણ નિવૃત્ત થઇ ગયા.

   એક દિવસ તેમને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું.  "આ મહિના નાં અંતમાં મારા લગ્ન છે,  અને તમારા વગર  હું લગ્નની વાત વિચારી પણનાં શકુ. અને એક બીજી વાત હું જીવનમાં ઘણા લોકોને મળ્યો પણ  તમારી જેવું કોઇ નથી.....  લિ. ડોક્ટર. રાજું ".   સાથે જ એક વિમાનની આવવા જવાની ટીકીટ પણ હતી. મિસ.આયસા પોતાની જાતને રોકી ના શકી,  અને તે પોતાનાં પતિની રજા લઇને બીજા શહેર જવા નીકળી પડ્યા. લગ્નનાં દિવસે જ્યારે તેઓ લગ્નસ્થળ પર પોંહોચ્યા તો તેમને લાગ્યું કે સમારોહ પુરો થઇ ગયો હશે.

પણ,  આ જોઇને તેઓ આશ્ચર્ય ની કોઈ હદ નાં  રહી કે શહેરનાં મોટા મોટા ડોક્ટર્સ, બિઝનેસમૈન અને ત્યાં સુધી કે લગ્ન કરાવવાં વાળા પંડિતજી પણ થાકી ગયા હતાં. અને કહેતાં હતાં કે હવે કોણ આવવાનું બાકી છે..?  પણ રાજું સમારોહમાં લગ્નમંડપની બદલે ગેટની બાજુ નજર રાખીને તેમની રાહ જોતો હતો.

   પછી બધાએ જોયું કે જેવો આ જુની શિક્ષીકાએ ગેટમાં પ્રવેશ કર્યો, તેવો જ રાજું તેમની બાજુ દોડ્યો અને તેમનો તે હાથ પકડ્યો જેમાં તેઓએ પેલું ટુટેલુ અને સડી ગયેલું કડું પહેરેલું હતું. અને તેમને હાથ પકડીને સીધો સ્ટેજ પર લઇ ગયો.  અને માઈક હાથમાં પકડીને બોલ્યો કે,
   "દોસ્તો તમે બધાં હંમેશા મારી માં વિશે પુછ્યા કરતાં હતાં, અને હું તમને બધાંને વચન આપતો કે બહું જલ્દી જ તમને બધાંને  તેમની સાથે મળાવીશ.
  "આ છે મારી માં"

      વ્હાલા દોસ્તો આ સુંદર  વાર્તાને ફક્ત શિક્ષક અને શિષ્ય નો સબંધ ને લિધે જ નાં વિચારતાં,  તમારી આજુબાજુ જોવો,  રાજું જેવા ઘણા ફુલ કરમાઈ રહ્યા છે,  જેને તમારા થોડા ધ્યાનથી,   પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો...!!

- fw

10 August 2016

શિક્ષક એક કે બે વાર પ્રયત્ન કરી ને પછી કંટાળે છે

દ્રશ્ય 1 (સાડીની દુકાન)
માની લોકે કોઈ સાડીની દુકાન છે બે કે ત્રણ સ્ત્રી સાડી ખરીદવા જાય છે આશરે 60 જેટલી સાડી ઓ ખોલે છે જુએ છે ભાવતાલ પૂછે છે પણ સ્ત્રીઓને એક પણ સાડી નથી પસંદ આવતી એટલે તે દુકાન માંથી ઉભી થઇ જાય ત્યારે દુકાન વાળો સ્મિત કરી ને કહે છે કે " કઈ વાંધો નહિ બહેન આવતાં અઠવાડિયે ફરીથી આવજો તમને જોઈ એવા કલર અને તમારી પસંદગીની સાડી ઓ આવી ગઈ હશે.. મોઢા પર કંટાળાનો જરાપણ ભાવ લાવ્યા વગર એ બધી સાડીઓ હોંશથી સંકેલાવા માંડે છે અને બીજા ઘરાક આવે એટલે વળી પાછી એજ પ્રકિયા ઘરાક સાડી લે કે નહિ એ તેમનું શ્રેષ્ઠ કામગીરી કરતો જ રહે.....

દ્રશ્ય 2 પ્રાથમિક શાળા કોઈ એક વર્ગમાં કોઈ બાળક ને નાં સમજાય તો શિક્ષક એક કે બે વાર પ્રયત્ન કરી ને પછી કંટાળે છે અને કહે કે "ડોબા હવે તને નહિ આવડે તું તો સાવ ગધેડો છો!!!

શું સાડીવાળા ની જેમ કોઈ શિક્ષક કહે ખરો "કાંઈ વાંધી નહિ બેટા કાલે બીજી રીતે શીખીશું!! તું હિમ્મત નાં હારતો તને ચોક્કસ આવડી જશે!!!! પીટીસી કે બીએડ માં આપણે કેટલી કેટલી પદ્ધતિ અને પ્રયુક્તિઓ શીખતાં હોઈએ છીએ!! વર્ગખંડમાં તેનો ઉપયોગ કેટલો??? પીટીસી કે બીએડ માં વાર્ષિક પાઠ આપ્યો હોય ત્યારે આપણે કેટલી તૈયારી કરતા હોઈએ છીએ!! ચાર્ટ બનાવે અગાઉથી ત્રણ વાર સુધારેલું આયોજન થાય મિનિટે મિનિટ નું આયોજન તૈયાર હોય... જે શિક્ષક મિત્રો હોય એ વિચારી જુએ કે એ વાર્ષિક પાઠ જેવું કે એના કરતા પા ભાગનું પણ આયોજન આપણી નોકરી દરમ્યાન કેટલી વાર કર્યું.... જો દિલ પર હાથ રાખીને સાચી રીતે વિચારીશું તો પછી આપણ ને જ ખ્યાલ આવી જશે કે જોડો ક્યાં ડંખે છે!!!

8 August 2016

જાણવા જેવું- પક્ષી જગત, વૃક્ષના વિકાસનું વિજ્ઞાન, જીવડાં, મોબાઈલ ફોનનું અવનવુ, આંખ વિશ

જાણવા જેવું

1. પક્ષી જગતનું જાણવા જેવું

*સજીવસૃષ્ટિમાં પક્ષીઓ પીછાં, ચાંચ અને પાંખોને જોડતા હાડકા 'વિશબોન' નામના વિશિષ્ટ અંગો ધરાવે છે.

*મોટા ભાગના પક્ષીઓ શરીરના વજનના પાંચમા ભાગના વજન જેટલો ખોરાક દરરોજ ખાય છે તેથી ઊડવા માટેની શક્તિ મળી રહે છે.

*પક્ષીઓના ફેફસા સસ્તન પ્રાણીઓ કરતા મોટાં હોય છે. પક્ષીઓના શરીરના કદનો પાંચમો ભાગ ફેફસા રોકે છે.

*પક્ષીઓને શ્વાસ લેવા માટે નસકોરાં હોતા નથી પરંતુ નહી ઊડી શકનારા અને અંધ કિવિને સુંઘવા માટે નસકોરા હોય છે.

*મધ્ય એશિયાના દેશોમાં પુરાતન કાળમાં શિકાર માટે બાજ પાળવાની પરંપરા હતી.

*વિજ્ઞાાનીઓ માને છે કે, પૃથ્વી પર પક્ષાીઓ ૧૫ કરોડ વર્ષ પહેલાં મોસોઝોક કાળના ડાઇનોસોરના વંશજ છે.

*દરેક પક્ષીની ચાંચનો આકાર તેને લેવા પડતા ખોરાક સહેલાઈથી લઈ શકે તેવો હોય છે.

*પક્ષીઓમાં ૭૫ ટકા જાતિ એક વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવે છે.

*વજનદાર અને કદાવર પક્ષીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે. અલ્બાટ્રોસ ૮૦ વર્ષ જીવ્યા હોવાનું નોંધાયું છે.

*પક્ષીઓની પાંખના મૂળમાં એક અંગૂઠો, એક આંગળી અને ત્રીજું પાંખને આધાર આપતું મુખ્ય હાડકું હોય છે. આ રચના વડે પક્ષીઓ ઊડી શકે છે.

*પક્ષીઓના પગમાં ત્રણ કે ચાર આંગળા હોય છે સામાન્ય રીતે ત્રણ આગળ અને એક પાછળ. કેટલાક પક્ષીઓને બે કે ત્રણ આંગળા હોય છે.

*પક્ષીઓના આંગળા ઝાડની ડાળી ઉપર બેસે ત્યારે પગના સ્નાયુઓના દબાણથી ડાળી ફરતે જકડાઈ જાય છે એટલે ડાળી ઉપર ઉંઘી રહેલા પક્ષીઓ નીચે પડી જતા નથી.

2. વૃક્ષના વિકાસનું વિજ્ઞાન

જમીનમાં બીજ રોપવાથી અંકૂર ફૂટે અને કૂંપળો બહાર નિકળે બે કે ત્રણ પાદડાંની કૂંપળ થોડા દિવસોમાં મોટી છોડ થઈને વિકાસ પામી મોટું વૃક્ષ બને. દરેક સજીવ જન્મ પછી વિકાસ પામે છે. પ્રાણીઓ અને મનુષ્યના કદ અને ઊંચાઈ વધે છે. તે જ રીતે વૃક્ષ પણ ઊંચું થાય છે. પરંતુ વૃક્ષના વિકાસની વાત થોડી જૂદી છે.

વૃક્ષ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનીજ મેળવે છે. તેના પાનમાં સૂર્યપ્રકાશ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સ્ટાર્ચ, સાકર દ્રવ્યો અને સેલ્યુલોઝ બને છે. થડમાં રહેલા કોશો દ્વારા વૃક્ષને પોષણ મળે છે. છોડનું થડ પાતળું અને ગરમ હોય છે. ટોચે વધુ ડાળી અને પાન ફૂટે એટલે વજન વધે તેમ તેમ થડ મજબૂત અને જાડું થાય. થડની ઊંચાઈ વધતી નથી પરંતુ તેઓ નવા પાન અને ડાળી ફૂટીને વિકાસ પામે છે.

સમય જ્તાં પાણી અને ખોરાકનું વહન થડના બાહ્ય  સ્તર કે છાલ દ્વારા થાય છે. આંતરિક માળખુ સખત થઇને વૃક્ષના ટેકા કે આધારની ગરજ સારે છે.

છોડની દરેક ડાળીના છેડેનાં કોશો વિભાજિત થતાં જાય છે અને નવા પાન અને ડાળી ફૂટે છે. જૂના કોષો સખત થતા જાય છે. અને બાહ્ય ભાગમાં નવા કોશો સતત બન્યાં કરે છે. વૃક્ષની છાલ નરમ પણ મજબૂત હોય છે. તે આંતરિક ભાગનુ રક્ષણ પણ કરે છે.

3. મચ્છર જેવાં જીવડાં પ્રકાશથી કેમ આકર્ષાય છે?

ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવાં અનેક જાતના જીવડાં ઊડતાં જોવા મળે. આ જીવડાં મોટેભાગે ટયૂબલાઈટ કે પ્રકાશિત સ્રોતની આસપાસ વધુ ઊડતાં હોય છે. તે પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે તેનું કારણ જાણો છો?

મચ્છર, ફૂદાં જેવા પાંખોવાળા જીવડાં ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલાં હોય છે. ખરેખર તે પ્રકાશથી આકર્ષાતા નથી. આ જીવમાં દિશાશોધન અજબનું હોય છે. આ જીવડાંની દૃષ્ટિ સતેજ હોય છે. તેઓ સૂર્ય કે ચંદ્રના પ્રકાશને આધાર રાખી દિશા શોધી રસ્તો કાપે છે.

ચોમાસામાં વાદળવાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ હોતો નથી. ટયૂબ લાઈટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજી દિશા શોધવાનો પ્રયાસ કરે છે. એટલે ટયૂબલાઈટની આસપાસ ચક્કર માર્યા કરે છે. જુદી જુદી દિશામાં બે કે ત્રણ ટયુબલાઈટ હોય તો તેઓ વધુ ભ્રમમાં મૂકાય છે.

ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના જીવડાં ખોરાકની શોધમાં તેજસ્વી રંગના ફૂલોથી આકર્ષાતા હોય છે તે રીતે જ ટયૂબલાઈટથી આકર્ષાય છે. મોટેભાગે આવાં જીવ ટયૂબલાઈટની આસપાસ સમૂહમાં જોવા મળે છે તે આપણે જોઈએ છીએ. ઘણા વિજ્ઞાાનીઓ માને છે કે ટયૂબલાઈટની તદ્દન નજીક પહોંચ્યા પછી અતિશય પ્રકાશ સામે તેમની આંખ અનુકૂલન સાધી શકતી નથી અને લગભગ અંધ બની જાય છે એટલે જ ચકરાવા માર્યા કરે છે.

4. ફળો અને શાકભાજીનું અવનવું

સૌથી વધુ લોકપ્રિય ટામેટાની ૫૦૦૦ જેટલી જાત અને સફરજનની ૭૫૦૦ જાત હોય છે.

*વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ કોળું શાક નહીં, ફળ છે.

*તરબૂચમાં ૯૨ ટકા, ગાજરમાં ૮૭ ટકા અને કોબીજમાં ૯૦ ટકા  પાણી હોય છે.

*અમેરિકામાં સફરજન એક વર્ષ સુધી સચવાય તેવી સુવિધા હોય છે.

 *દ્રાક્ષને માઈક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે છે.

*સફરજન ગુલાબના કુળની વનસ્પતિ છે.

*કેળાં થોડા રેડિયોએક્ટિવ હોય છે.

*જાપાનમાં ચોરસ તરબૂચની ખેતી થાય છે.

*કાકડી એ શાક નથી, ફળ છે.

*ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહે છે.

*વિશ્વનું સૌથી મોટું ફળ કોકો-દ-મેર ૪૨ કિલો વજનનું હોય છે અને તેનું બીજ ૧૭ કિલો વજનનું.

*શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે.

*ટામેટામાં માણસ કરતાં વધુ જીન હોય છે.

*કેળાં અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે.

*વિદેશમાં ફળો પર ચોડાતાં સ્ટિકર ખાદ્ય પદાર્થના બનેલાં હોય છે અને ખાઈ શકાય છે.

5. મોબાઈલ ફોનનું અવનવુ

૧. આધુનિક મોબાઈલ ફોનમાં નાસા દ્વારા ચંદ્ર ઉપર મોકલાયેલા એપોલો-૧૧ માં વપરાયેલા કમ્પ્યુટર કરતાં ય વધુ ક્ષમતા હોય છે.

૨. મોબાઈલ ફોન ઉપર સૌથી વધુ બેકટેરિયા હોય છે.

૩. જાપાનમાં લોકો સ્નાન કરતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. તેથી ત્યાંના ૯૦ ટકા ફોન વોટરપ્રૂફ હોય છે.

૪. મોબાઈલ ફોન દ્વારા પ્રથમ વાતચીત ૧૯૭૬માં મોટોરોલાના શોધક માર્ટિન કૂપરે કરેલી.

૫. મોબાઈલ ગુમાવવાથી  કે બગડી જવાથી લોકોને ગુસ્સો અને રોષ પેદા થાય છે. આ સ્થિતિને 'નોમોફોલિયા' કહે છે.

૬. મોબાઈલ ફોન સૌથી વધુ વેચાતા ઇલેકટ્રોનિક સાધન છે.

૭. કોઈકે કહ્યું છે કે વિશ્વમાં લોકો પાસે ટોઈલેટ કરતાં મોબાઈલ ફોન વધુ હોય છે.

૮. મોબાઈલ ઉપર વિડિયો અને ફોટા સૌથી વધુ અપલોડ થાય છે. આ ટ્રાફિક વેબ ટ્રાફિકની ૨૭ ટકા ભાગ રોકે છે.

૯. સ્માર્ટફોનની ટેકનોલોજી વિવિધ ૨૫૦૦૦૦ શોધખોળોના સમનવ્યથી બનેલી છે.

૧૦. મલેશિયામાં મોબાઈલ ફોનામાં મેસેજ દ્વારા છૂટાછેડા લેવાનું કાયદેસર ગણાય છે.

૧૧. ઘણી વખત લોકો આસપાસના લોકોથી દૂર રહેવા સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવાનો ડોળ કરે છે. એક સર્વમાં ૪૭ ટકા લોકોએ આ વાત કબૂલી હતી.

૧૨. ફિનલેન્ડમાં મોબાઈલ ફોન ફેંકવાની સ્પર્ધા યોજાય છે. ૨૦૦૦ માં રિસાઇયકિલંગ ને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધા શરૃ થઈ હતી. જે સૌથી દૂર સુધી મોબાઈલ ફેંકી શકે તે ચેમ્પિયન ગણાય છે.

6. આંખ વિશે આ પણ જાણોજ

* માણસની આંખ લાખો પ્રકારના રંગ પારખી શકે છે.

*  માણસની આંખ ડિજિટલ કેમેરા સાથે સરખાવીએ તો તે પણ  ૬ મેગાપિકસલની ગણાય.

*  માણસની જાગૃત અવસ્થાનો ૧૦ ટકા ભાગ આંખ પટપટાવવામાં વપરાય છે.

* ગોલ્ડફિશ સહિત મોટા ભાગની માછલીઓને આંખનાં પોપચાં હોતાં નથી.

*  શાહમૃગની આંખ તેના મગજ કરતાં મોટી હોય છે.

* ઘણા માણસોને ભૂરી આંખો હોય છે. પરંતુ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ જોવા મળે છે.

* મધમાખીને માથામાં પાંચ આંખો હોય છે.

* કાચિંડા પોતાની બંને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.

* માણસો સામી વ્યકિતની આંખના હાવભાવ પારખી શકે છે. પ્રાણીઓમાં માત્ર કૂતરાને જ આવી શક્તિ છે. કૂતરા માણસની આંખોના હાવભાવ પારખી શકે છે.

* બિલાડીની આંખો પર ત્રણ પોપચાં હોય છે.

*તદ્દન અંધકારમાં ખૂલ્લી આંખે માત્ર કાળો રંગ દેખાય છે. વિજ્ઞાાનીઓ તેને ' બ્રેનગ્રે' રંગ કહે છે.

*માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને ૬૪ દિવસે નવી આવે છે.