28 December 2018

અક્કડ રહેનારાઓ હારી ગયા  છે અને ઝુકી જનારાઓ જીતી ગયા  છે !

સાગર અને નદી ( બોધ કથા )

સાગરને મળી રહેલી નદી આજે ખુબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું .
નદી કહે , ‘કેટલાંએ વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય  કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેબાજુ હું જાહેરાત કરતી આવી છું  કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત  જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્ર્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’
નદી તો ઉપડી નેતરની સોટી લેવા.નદી મનમાં ગર્વ કરવા લાગી કે જેણે પર્વતના હાલ-બેહાલ કરી નાખ્યા એના માટે નેતરની સોટી તોડી લાવવી એ તો રમત વાત છે. નદીએ ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કુદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતા નેતર વળી પાછું ઊભુ થઈ ગયુ. આ જોઈને નદી વધુ ગુસ્સ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કુદી પણ પરીણામ એનું એ જ ! આખો દિવસ  નદીના આક્રમણો ચાલુ રહ્મા .પણ  નેતર ન તૂટ્યું.! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન, નેતર ક્યાં ?’
‘હું ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયુ ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહું તેનું કારણ ! પર્વતને તું તોડી  શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી કારણ કે તે નમી ગયુ હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતું નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’
સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખુબ મહતવની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા  છે અને ઝુકી જનારાઓ જીતી ગયા  છે !
                                                                
– આચાર્ય વિજયરત્ન સુરિ

તમારા પિતાનું ઘડપણ લાચાર નહીં, સંતોષકારક બનાઓ'

*નિવૃત્ત પિતા*                             

ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે,  આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે.

વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરા ની દલીલ એવી હોય છે કે અેમને પહેલાંની જેમ પ્રવૃત્તિઓ ના હોવાના કારણે એ પચાવી ના શકે.

મારે એ બધાં જ દિકરા-વહુ ને કહેવું છે કે, આ વાત એમને જ નકકી કરવા દો ને.  વર્ષો એમણે એમનાં શરીર સાથે કાઢ્યાં છે,  એમને એમનાં શરીરની તાસીર બરાબર ખબર છે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે એમને હવે સધશે કે નહીં ? તકલીફ પડશે તો આપોઆપ બંધ કરશે. તમે શું કામ ટોકો છો એમને ? ભલે તમે એવું બતાવતાં હોવ કે તમને એમની તબિયતની ચિન્તા છે, પણ એમને એ વાતનું ખુબ દુઃખ થાય છે.

બીજી વાત, ખાવાના શોખીન તો એ પહેલાં પણ હતા, પણ તે વખતે તે વહુ કે દિકરા પર આશ્રિત ન હતા. એ પોતે એટલાં સક્ષમ હતાં કે એમની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરી લેતાં હતાં. એમની પત્ની એટલે કે તમારી મા એમની પસંદગીથી બરાબર પરિચિત હતી, એટલે સમયાંતરે એમને એમનું ભાવતું બનાવી આપતી હતી, પણ હવે એ પત્ની પણ કરી શકે એમ નથી અથવા તો આ દુનિયામાં નથી, એટલે એ પુત્રવધૂથી અપેક્ષા રાખે છે. એમને શુ ખાવું છે એની ઈચ્છા વ્યક્ત કરે છે, બનશે કે નહીં એની ખાતરી એમને નથી હોતી.  બબડતાં -બબડતાં ને સાસુના આગ્રહથી પણ વહુ થોડા દિવસમાં એ વાનગી બનાવી આપે છે. અને પછી બધાંને, ખાસ તો એમના દિકરા (પોતાના વર) ને કહે, પપ્પા ની ડિમાન્ડ પૂરી કરવામાં હું તો નવરી જ નથી પડતી.
એ જ વહુ પોતાને ભાવતી અથવા બાળકો કે પતિ ને ભાવતી વાનગીઓ ઉત્સાહથી ડીમાન્ડ થાય તે પહેલાં હાજર કરી દે છે. જે એમનાં સાસુ વર્ષોથી એમનાં વર ને એમના દિકરા માટે કરતાં હતાં. એવું તો પિતાએ આપનુ શું બગાડ્યું હોય છે કે આટલી સમજ સાથેની લાગણી તમે દર્શાવી ના શકો !!

વડીલોની હાજરી ઘરનાં સભ્યોને બીજી ઘણી બાબતે નડતી હોય છે. તેમાંનું એક એમનું ખુબ વહેલું ઉઠવું પણ છે. અવારનવાર ઘણાં ઘરોમાં દિકરા-વહુના મોંઢે આવું સાંભળ્યુ છે : "રજાના દિવસે પણ અમને તો શાંતી નથી, પપ્પા સવારે ૫ વાગ્યાના ઉઠીને ખટર-પટર કર્યા કરે છે, ને બધાંની ઊંઘ બગાડે છે." આવું કહેતો દિકરો એ ભૂલી જાય છે કે એનાં માતા-પિતા તો વર્ષોથી વહેલાં ઊઠે છે, ને ઉંમર થતાં આમ પણ ઊંઘ ઓછી થઈ જાય છે. જે સગવડ તમને આજે છે તે તેમના સમયમાં ન હતી. એટલે એ પ્રમાણે એમને દિવસનું planning કર્યું હોય છે. ભલા માણસ, તને ભણાવવા કે ઘર ચલાવવા માટે નોકરી પર જવા તારા પિતા તો વર્ષોથી વહેલાં ઉઠતાં હતા,  ત્યારે તને વાંધો ન હતો ? આજે તમારા આરામમાં ખલેલ ના પડે માટે પિતાનું વહેલું ઉઠવું તમને નડે છે ? કમાલ છે યાર, લાગણીઓને વિસરાવવાની.

શું નિવૃત્તિ પછી પિતાએ પોતાની ઈચ્છાઓ અને જુની ટેવોને પણ  નિવૃત્ત કરી દેવી જોઈએ ?  ક્યારે ઉઠવું, ક્યાં જવું, શું ખાવું, તે બધું જ દિકરા-વહુ ની ઇચ્છા પ્રમાણે કરવાનું ?

નિવૃત્ત પિતા પ્રત્યે અણગમો કે માન ન રાખનાર દરેક દિકરાએ ધ્યાનમાં રાખવું જોઇએ કે, પિતાએ એમના જીવનનાં ૬૦-૭૦ વર્ષ કાઢ્યાં છે, ને તમારા કરતાં ઘણાં વધારે અનુભવી છે. તમે એમની જોડે વાત કરવાનું ટાળો, એમને avoid કરો, ignore કરો કે આડકતરી રીતે કંઇ પણ કહેવાનો પ્રયત્ન કરો, એમને ખ્યાલ તો આવી જ જાય છે. તમારા હાવ-ભાવ, વાણી-વર્તનથી તમે એમનાં માટે શું વિચારો છો અને કેટલું માન આપો છો, બધું જ સમજી જાય છે. અને રીતસર એ તમને સહન કરે છે.

આ લખાણ સાથે દરેક પુત્રને  વિનંતી કરૂં છું ...

*'તમારા પિતાનું ઘડપણ લાચાર નહીં, સંતોષકારક બનાઓ'.*

27 December 2018

દસમાંથી દસ નથી લાવતુ મારુ બાળક
પહેલા બીજા નંબરની દોડમાં નથી જોડાયુ મારુ બાળક

રમે છે સપના જુએ છે. જીદ કરે છે..
અને કહી નાખે છે વાતો ..ક્યારેક તો સમજદારીની પણ ..
અને હા. તે વાંચે છે પણ એટલુ જ જેટલી જરૂર છે.

હુ નથી જતી જોવા તેની ઉત્તરવહી
એ માટે નહી કે મને ફરિયાદ છે તેના માટે
પણ કદાચ એ માટે.. કે ખૂબ જ દર્દનાક લાગે છે શાળા મને
અને કાંપી જાઉ છુ શાળાના દાદરા ઉતરતી વખતે

હાથમાં કાગળના ટુકડા લઈને
સાથે કોઈ બાળકને ઢસેડતા ગુનેગારની જેમ

તેના માર્કસ પૂછતા કોઈ મમ્મી-પપ્પાને
કેટલા આવ્યા મેથ્સમા ? અને કેટલા સાયંસમાં ?

સાંભળી-સાંભળીને લાગે છે
ત્રણ નંબર કપાય ગયા જે એ જ હતુ સર્વસ્વ

મને નથી જોવો ગમતો એ
બાળકોના ક્લાસરૂમમાં સ્મશાન જેવો સન્નાટો

ઉત્તરવહીના ઢગલાં પાછળ બેસેલી ટીચર
ચિઢાતા માતા-પિતા.

પરસ્પર નાઈન અને નાઈન એંડ અ હાફ જેવી
ગળાકાપ સ્પર્ધાની વાતો કરતા પાગલ માતાપિતા

બાળપણની પરિભાષા મોઢા પર ઉકેરતા
માસૂમ ચેહરા પર ટપકતા આંસુઓ

સોરી મમ્મી. સોરી મમ્મી.. હવે પછી.. હવે.. પછી
કહીને ધ્રૂજતા બાળકો

મને નથી જોવી ગમતી એ નિર્જીવ કોપીઓ
કોપીમાં આંખો ઘૂસાડીને નંબર ગણતા માતા-પિતા

મને તો ગમે છે જોવુ બસ..
ચકલીઓ પાછળ દોડતુ બાળપણ

દીવાલ પર વાંકીચૂંકી લાઈન ખેંચીને
પોતાનુ મન ઉકેરતુ બાળપણ...

ગલીઓમાં કૂતરાના નાના-નાના બચ્ચા પર
ન્યોછાવર થઈ જતુ બાળપણ..

માળામાં નાના બચ્ચાના મોઢામાં
દાણો નાખતી ચકલી પાસેથી

પ્રેમ સીખતું બાળપણ..

26 December 2018

તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.


એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા.

સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.

નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’

સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું.

આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !

આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”

નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.

હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.

એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.

મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.

પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.

કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.

જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.

મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.

હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.

ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”

નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”

સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો.

એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.

ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.

પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.

ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.

મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

મિત્રો,

*તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.*

મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો *એ નાના નહી બહુ મોટા છે.*

24 December 2018

તું રમીશ નહી. રમે તો ભૂખ લાગે છે અને ખાવાનું માગે છે.

કાલે મને એક ધક્કો લાગ્યો. એમાંથી હું હજુ પણ બહાર આવી શક્યો નથી. એક બાંધકામની સાઈટ પર થોડા કામદારોનાં છોકરાઓ પકડાપકડી રમી રહ્યા હતા. વોચમેનનો નાનો છોકરો (સાધારણ આઠ વર્ષનો) એક પથ્થર પર બેસીને બીજા લોકોની પકડાપકડીની રમત જોઈ રહ્યો હતો. કોઇ પકડાઇ જાય ત્યારે તે તાળીઓ પાડતો તથા હસતો હતો પણ રમતો નહોતો.
મેં તેને પૂછ્યું કે, "તું કેમ નથી રમતો?"
છોકરાએ રમતમાંથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો, "મમ્મીએ ના પાડી છે."
"મમ્મી ના પાડે જ કેમ? તેં નક્કી કંઈક આડું અવળુ કર્યુ લાગે છે." મેં શંકા વ્યક્ત કરી.
તેણે જવાબ આપવાનું ટાળ્યુ. મારી વાતને ઉડાવીને પુનઃ રમત જોવા લાગ્યો.
પણ તેને ચિડવ્યા વગર હું ચેનથી શેનો બેસી રહુ?
"મને ખબર છે કે તારી મમ્મી રમવાની ના કેમ પાડે છે. તું ભણવામાં ધ્યાન નથી આપતો!!!"
મારો ટોણો તેને બરાબર લાગી ગયો. તેના ચહેરા પરથી રમતનો આનંદ ઓસરી ગયો. મારી સામે તાકી રહ્યો અને કડવું સત્ય ઊચ્ચાર્યુ.
"મમ્મી કહે છે કે: તું રમીશ નહી. રમે તો ભૂખ લાગે છે અને ખાવાનું માગે છે."
તે ચોધાર આંસુએ રડી પડ્યો. હું આ જોઈને ડગાઇ ગયો અને ત્યાંથી ગમેતેમ કરીને નિકળી ગયો.
હું હજુય બેચેન છું. ગયા વર્ષે ભૂખ લગાડવા અને ખાવાનું પચાવવા માટે દવા પાછળ કેટલા ખર્ચ્યા તેનો હિસાબ કરવા બેસી ગયો.