::: કોઇ બેંકને ફડચામાં નાખવી હોય તો શું કરાય? :::
બહુ સિમ્પલ છે.માત્ર એવી અફવા ફેલાવી દો કે ફલાણી બેંક ફડચામાં ગઇ છે એટલે પત્યું.બાકીનું કામ આ અફવા જ કરી આપશે.તમારે કશું જ કરવાપણું નહિ રહે.લોકોનો ભરોસો એક વખત ઉઠી ગયો એટલે બેંક ઉઠી જશે એ ફાઇનલ! બેંક નાણાંની લે-વેચ કરતી વેપારી પેઢી છે.જો ઉઠમણાના અંદેશાથી લોકો પોતાની થાપણો ઉપાડવા માંડે તો બેન્કને દેવાળું ફૂંકવાનો વારો આવે કારણકે,લિક્વિડ કૅપિટલ તો 10-20%થી વધારે હોય જ નહિ!!
આજકાલ સરકારી શાળાઓની દશા બેંક કરતાં જુદી નથી.બિનશૈક્ષણિક કામગિરી,વહિવટી જટિલતા,અપૂરતો સ્ટાફ જેવી અનેકવિધ સમસ્યાઓમાં સપડાયેલી શાળાઓમાં પણ ક્વૉલિફાઇડ શિક્ષકો દ્વારા સમયની સતત ખેંચ વચ્ચે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થતો રહે છે પણ 'સરકારી' કદિ 'અસરકારી' ન હોય એવી અંધશ્રદ્ધાયુક્ત સમાજ ખાનગી શાળા તરફ વળી રહ્યો છે પરિણામે વહેલા મોડી આ શાળાઓ પણ ફડચામાં જ જશે! સંખ્યા ઘટવાથી શિક્ષકો ઘટશે અને અંતતઃ આ શાળાઓ બંધ થશે.
'મૉનોપોલી' શબ્દના અર્થસંદર્ભો જાણતા હોય એ મિત્રો જરા વિચારજો - જે દિવસે ખાનગી શાળાઓની આ ક્ષેત્રમાં મૉનોપોલી હશે ત્યારે શું થશે? કલ્પના કરશો તોયે થથરી જશો.
વિચારજો અને આપના બાળકને સરકારી શાળામાં મોકલી સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યની રક્ષા કરશો.