23 August 2019

નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા..

નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા...
  
એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું :

.. હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.

.. હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર - માંકડ સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી  નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું - એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત..? આ ઈશ્વરની કૃપા છે.
 
..હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ - પોતા કરવા પડે છે, બારી - દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે..?

..હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને..? આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય..! આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.
  
  જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ - શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ...