31 May 2015

જો અંધારાને જોઇને બેસી રહીશું તો આપણે ક્યાંય નહીં પહોંચી શકીએ



એક સંતના જીવનનો એક પ્રસંગ છે. અમાસની રાત હતી, ઘનઘોર અંધારૂ હતું. એક યુવાનને નજીકના ગામમાં જવું હતું. કામ એવું જરૂરી હતું કે જવું પડે એમ જ હતું. અંધારામાં રસ્તો સૂઝતો નહોતો. તેથી મૂંઝાઇને એમ ને એમ ઊભો હતો. તેવામાં ત્યાંથી સંત પસાર થયા. યુવાનને મૂંઝાયેલો જોઇને સંતે પૂછ્યું કે શું વાત છે? યુવક કહે કે બાપજી મારે નજીકના ગામમાં જવું છે. બહુ જરૂરી કામ છે પણ હું કેમ કરીને પહોંચીશ? અંધારૂ ઘોર છે. માર્ગ સૂઝતો નથી. સંતે તેને એક દીવો આપ્યો અને કહ્યું કે લે, અંધારૂ સમસ્યા છે તો દીવો તેનું સમાધાન છે. હવે ચાલવા માંડ. યુવાને દીવા સામે જોયું. આજુબાજુ જોયું અને વળી પાછો નિરાશાનો સૂર કાઢ્યો કે મહારાજ તમે કહો છો કે આ દીવડો મારા માર્ગને અજવાળશે પણ દીવાનું અજવાળું ખાલી દસ ફૂટ સુધી જ જાય છે અને વળી પાછું એ જ ઘનઘોર અંધારૂ. આ દીવડાથી કંઇ કામ નહીં થાય. સંતે તેને કહ્યું કે તુ ચાલવાનું તો શરૂ કર. પ્રકાશ પણ તારી સાથે-સાથે ચાલશે. તો આવશ્યકતા છે ચાલવાનું શરૂ કરવાની અને આ માટે જીવનનું લ-ય હોવું જોઇએ એ કોઇ મહાપુરૂષ પાસેથી આપણે સમજવું પડશે. ઘણીવાર આપણે કોઇને સાંભળીને લ-ય નક્કી કરી લઇએ છીએ. મારે શું થવું છે? કઇ દિશામાં જવું છે? તેની પ્રેરણા મળવી જરૂરી છે. ઉત્તમ વિચારને જીવનમાં ઉતારવાની. જે રીતે ઉમદા બી ખેતરમાં વાવવું જોઇએ. સમય-સમય પર તેને પાણી મળવું જોઇએ. યોગ્ય ભૂમિ ન હોય તો વાવેલું બી પણ નિષ્ફળ જાય. વાવેતર કરતાં પહેલા જમીન ખેડવી પડે. તેમાં ઉત્તમ બી વાવવું જોઇએ. પાછી તેની કાળજી પણ લેવી જોઇએ. આ બહુ જરૂરી છે. તેથી આપણા જીવનને અજવાળે એવો કોઇ વિચાર દીવો, ચિંતકો દ્વારા, માર્ગદર્શકો દ્વારા આપણને મળે એ ખૂબ જરૂરી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે ખરેખર જવું છે? વિકાસ સાધવો છે?

જો અંધારાને જોઇને બેસી રહીશું તો આપણે ક્યાંય નહીં પહોંચી શકીએ. માત્રને માત્ર અંધારૂ જ દેખાશે. દીવા પર ધ્યાન જવાને બદલે અંધકાર પર નજર ટકશે તેથી પોઝિટિવ થિન્કિંગ એટલે કે હકારાત્મક ચિંતનની જે વાત છે એ બહુ મહત્વપૂર્ણ છે. દસ મિનિટનું હકારાત્મક ચિંતન આખા દિવસની નકારાત્મકતાને સંતુલિત કરી શકવાની -ક્ષમતા ધરાવે છે. એટલા માટે જ ભારતીય પરંપરામાં ત્રિકાળ સંધ્યાની વાત ઋષિ-મુનીઓ દ્વારા કરવામાં આવી છે. વહેલી સવારે ઊઠીને જે મનુષ્ય પ્રભુનું ચિંતન કરે, બપોરે ઇશ્વરને યાદ કરી લે અને સતત સ્મરણમાં રાખે કે ભગવાન મારી સાથે છે તો તેને સતત પ્રેરણા મળતી રહેવાની જ છે. ઇશ્વર જેવી મહાન શક્તિ આપણી સાથે છે એ વાત જ કેટલી બધી પ્રેરણા આપનારી બની રહે છે. સાંજે વળી પાછું ઇશ્વરનું ચિંતન થાય તો આ જ રીતે દસ મિનિટનું હકારાત્મક ચિંતન સંપૂર્ણ દિવસની નકારાત્મકતાને સંતુલિત કરી શકતું હોય છે. હવે આ દસ મિનિટ કરતાં ધીમે-ધીમે જ્યારે હકારાત્મક ચિંતનનો ગાળો વધતો જાય તો મનુષ્ય પોતે કેટલો સકારાત્મક બની જાય. હવે નિર્ણય આપણે કરવાનો છે કે આપણે શું કરવું જોઇએ