29 May 2018

સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઇને આવે છે...

*‘અનોખી માર્કશીટ’*

બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા...

‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર.... સોમાંથી પુરા સો....! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે...?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં.

‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે... વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાનાં જ સો માંથી સો માર્ક્સ છે... અને મારા ભણાવેલા વિજ્ઞાનની કોઇ બરોબરી જ ન કરી શકે.’ વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઇને પોતાની ખુરશી પર ચઢીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા.

‘ઓ ગણિત... વિજ્ઞાનવાળાંઓ તમે ભાષામાં પંચ્યાણુ માર્ક લાવીને બતાવો... જયના ગુજરાતીના પંચ્યાણુ માર્ક્સ આખા રાજ્યમાં અવ્વ્લ છે... જેની માતૃભાષા મજબુત તેના બધા વિષયો મજબૂત.’ ગુજરાતીના શિક્ષકે તો પેલા બન્ને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્ક્શીટ હાથમાં લેતા કહ્યું.

જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી.

‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે, જય....? મારે પુછવુ છે કે તેઓ તને કેવી રીતે તૈયારી કરાવે છે...?તારી પાછળ કેટલો સમય આપે છે...?’ એક વિદ્યાર્થીના મમ્મીએ માર્કશીટ જોઇને પૂછી લીધું.

‘મમ્મી... જયના મમ્મી-પપ્પા તો કોઇ’દી સ્કુલે આવતા જ નથી...!’ પેલા વિદ્યાર્થીએ જ તેની મમ્મીને જવાબ આપી દીધો.

ગુજરાતીના શિક્ષકે જયને ન સંભળાય તે રીતે પેલા બેનને ધીરેથી કહ્યું. ‘હા... જયના પપ્પા તો ફૂટપાથ પર જુના પુસ્તકો વેચે છે.. મમ્મી બીજાના ઘરે કામ કરે છે... તેઓ અતિ સામાન્ય પરિસ્થિતિના છે... આ તો જય જેવો દિકરો લાખોમાં એક હોય જે જાત મહેનતે આગળ આવે ...!’

‘સર...હું જાઉં... મારા મમ્મી-પપ્પાને પણ રીઝલ્ટ બતાવવું છે.’ જયને ઘરે જવાની ઉતાવળ હતી.

ત્યાં જ સામે પ્રિન્સિપાલ સર આવ્યા, તેમના હાથમા મીઠાઈનું બોક્સ હતું, ‘હા.. જા દિકરા... તારા પેરેન્ટ્સ પાસે મોબાઇલ જ નથી તો એ ક્યાં ઓનલાઇન રીઝલ્ટ જોઇ શકવાના છે...? પણ તારા જેવો દિકરો ખરેખર જિંદગીની ઓન- લાઇને છે તેનો અમને ગર્વ છે... અને અમે તારા રીઝલ્ટની ખુશીના પેંડા આખી સ્કુલમાં આપવાનાં છીએ... લે આ બોક્ષ તારા મમ્મી-પપ્પાને આપજે...'

‘સર.. પેંડા તો મારે આપવાના હોય....!’ જયે ધીમા અવાજે કહ્યું.

‘બેટા... તારા પરિણામથી તો અમને પેંડા વહેંચવાનું મન થઇ આવે છે... તું જલ્દી જા... તારા મમ્મી-પપ્પાને કહેજે કે તું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે.’ પ્રિન્સિપાલ સરે જયના માથા પર હાથ મુક્યો.

‘થેંક્યુ સર’ એટલું કહીને જયે પેંડાનું બોક્ષ અને માર્કશીટ લઇ પોતાની સાયકલનું હેન્ડલ ઘર તરફ વાળ્યું.

જયે જોયું તો મોટા ભાગના વિદ્યાર્થીઓ મમ્મી- પપ્પા સાથે પોતાનું પર્સનલ ટુ વ્હીલર લઇને કે કારમાં આવ્યા હતા. જો કે આવી કોઇ સગવડ જયના નસીબમાં નહોતી. તેના પપ્પા પાસે પણ હજુ જુની પુરાણી સાયકલ જ હતી. તે દસમાં ધોરણમાં જયને વારસામાં મળી હતી.

આ સાયકલની રફ્તાર વધી રહી હતી... તેને પોતાની માર્કશીટ બતાવવાની ઉતાવળ નહોતી પણ પોતાના આ વર્ષની મમ્મી પપ્પાએ બનાવેલી માર્કશીટ લેવાની ઉતાવળ હતી.

જય ઘરે પહોંચ્યો. તે દોડીને મમ્મી પપ્પાની પાસે ગયો, ‘મમ્મી-પપ્પા આ મારી માર્કશીટ અને પેંડા... ગુજરાતમાં પહેલો આવ્યો છું...’ જયની ખુશીનો પાર નહોતો.

મમ્મી-પપ્પાએ  માર્કશીટ પર નજર ફેરવી અને તરત જ ભગવાનનાં ચરણોમાં મુકી દીધી.

‘મારી પેલી માર્કશીટ ક્યાં...?’ જયે તેની દરવર્ષની જેમ આ વર્ષે મમ્મી પપ્પાની પરીક્ષાની માર્કશીટની ઉઘરાણી કરી.

‘અરે... બેટા... હવે તું મોટો થયો... કદાચ અમારા આપેલા માર્ક તને નહી ગમે તો...? આ વખતે નહી આપીએ તો નહી ચાલે....?’ જયના પપ્પાએ તો ઇન્કાર કરતા કહ્યું.

‘ના એમ નહી ચાલે મારે તમારી બનાવેલી માર્કશીટ જોઇએ જ...’ જયે જીદ કરી.

‘સારું, લે પણ ધ્યાન રાખજે... અમે તારી સ્કુલના શિક્ષકો જેવા હોંશિયાર નથી. જય બેટા, આ કોઇ ભણવાના વિષયોની માર્કશીટ નથી પણ તારા જીવનનું આ વર્ષનું અમારું વાર્ષિક મૂલ્યાંકન છે.’  અને પપ્પાએ જયને તેની અનોખી માર્ક્શીટ આપી.

જયે તો બે પાનાની માર્કશીટ હાથમાં લીધી અને મમ્મી-પપ્પાએ કેટલા ગુણ આપ્યા છે તે જાણવાની તાલાવેલી જાગી.

જયના પપ્પા ભલે સામાન્ય પરિસ્થિતિના હતા પણ પુસ્તકોના અભ્યાસથી તેઓ પોતાના પુત્રનો સાવ જુદી રીતે જ ઉછેર કરી રહયા હતા.

દર વર્ષે જયનું સાત જુદા જુદા વિષયોનું વાર્ષિક મૂલ્યાંકન કરી સો ગુણની પરીક્ષાની જેમ જ  તેના માર્ક આપતા.

આ અનોખી માર્કશીટમાં ઉપર જયનું નામ... ઉંમર અને તેની નીચે વિષયોના નામ લખી તેની સામે મેળવેલ ગુણ લખેલા હતા.. દરેક વિષયની નીચે વિસ્તારથી જવાબ લખેલો હતો.

*વિષય પહેલો : પોતાની વસ્તુઓની દરકાર*
*મેળવેલ ગુણ -  ૯૧*

જય તારી વસ્તુ પ્રત્યેની દરકાર ઘણી સારી છે, તારી દરેક ચોપડીઓના પૂંઠા અને તેની સંભાળ સરસ રીતે કરી છે... તારો કબાટ તું વ્યવસ્થિત રીતે રાખતા તું શીખી ગયો છું. તારી દરેક વસ્તુઓ તેના સ્થાને મુકવાની આદત સુધરી છે.. પણ આ વર્ષે તું સાયકલ પ્રત્યે સહેજ બેધ્યાન હતો... તેની સાફસફાઇ, કુલ નવ વાર થયેલ પંચર ( ગયા વર્ષ કરતા ત્રણ વાર વધારે ), તારાથી એક જોડ ચંપલ અને ચાર પેન, એક પેન્સિલ ખોવાયેલ છે જેના કારણે નવ માર્ક કપાયા છે.

*વિષય બીજો :  પોતાની સારસંભાળ*
*મેળવેલ ગુણ : ૯૫*

બેટા જય આ વખતે તારી બોર્ડની પરીક્ષાની સાથે તારા આરોગ્યની સંભાળ સારી રીતે કરી છે. બહારના જંકફૂડ ખાવાની એકવાર પણ જીદ કરી નથી. તેં આ વર્ષે તારા કપડાના બટન જાતે લગાવવાનું શીખી લીધું... સમયસર જાતે વાળ કપાવી નાંખે છે.. પણ જમીને  હજુ થાળી નહી ઉપાડવાની તારી આદત નથી બદલાઇ. સવારે ઉઠ્યા પછી તારી પથારી હજુ તારી મમ્મીએ જ ઉઠાવવી પડે છે જેના કારણે તારા પાંચ ગુણ ઓછા થયા છે.

*વિષય ત્રીજો : ઘરની જવાબદારી*
*મેળવેલ ગુણ : ૮૫*

અમને ખ્યાલ છે કે આ વર્ષે અભ્યાસનું વર્ષ છે એટલે ઘરની જવાબદારી શક્ય નહોતી... રૂમમાંથી બહાર નીકળતા પંખાની સ્વિચ બંધ ન કરવી.... સવારે ચકલીને ચણ નાખવાનું તારા ટ્યુશનને લીધે ઘણીવાર ભૂલી જતો... નિયમિત પ્રાર્થના ન કરવી, ન્હાતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરવો જેવી કાયમી ભૂલોને લીધે આ વર્ષે પંદર માર્ક ઓછા છે. 

*વિષય ચોથો : મિત્રો સાથેનો વ્યવહાર*
*મેળવેલ ગુણ : ૯૦*

આમા તો તારા મિત્રો તરફથી કોઇ ફરીયાદો નથી પણ તારા અંગત મિત્ર રાકેશ સાથે તારે ત્રણ વાર ઝઘડો થયો હતો. તમારા બે મહિના સુધી અબોલા રહેલા. જય બેટા.. વાંક ભલે ગમે તેનો હોય પણ મિત્રતાના એક છેડે આપણે ઉભા છીએ જેથી ક્યારેક જતુ કરીને મિત્રતા નીભાવવી.

*વિષય પાંચમો : સમય પાલન*
*મેળવેલ ગુણ : ૯૯*

જય... આ વિષયમાં તું હંમેશા અવ્વલ રહ્યો છે.. તેં તારા ટાઇમ ટેબલ મુજબ સતત કાર્ય કર્યુ છે... અને બેટા ધ્યાન રાખજે જે વ્યક્તિ પોતાના સમયને સમજે છે અને સાચવી લે છે તેના  જીવનની દરેક પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે.

*વિષય છઠ્ઠો  : પરસ્પર નો પ્રેમ*
*મેળવેલ ગુણ : ૧૧૧*

જય... આ એક  વિષયમાં તારી મમ્મીએ માર્ક આપ્યાં છે... તારી મમ્મીએ કહ્યું છે મારા જયને ૧૦૦માંથી ૧૧૧ માર્ક આપજો. તેને કહ્યું છે કે જય કાયમ પહેલો નંબર લાવે છે છતાંય તેને ક્યારેય બીજા સુખી ભાઇબંધો સાથે પોતાની સરખામણી નથી કરી... બાઇક કે મોબાઇલ લેવાની ખોટી જીદ નથી કરી. અમે તને બીજાના મમ્મી-પપ્પા જેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા છતાં ક્યારેય કોઇ ફરીયાદ નથી કરી. વાંચતા વાંચતા ઉંઘ ન આવે માટે ઘરમાં દૂધ ન હોય તો રાત્રે પાણી, ચા અને ખાંડ ગરમ કરીને વગર દૂધની ચા પીને તું ઘણીવાર અમને સુતા મુકીને જાગતો રહ્યો છે અને વાંચતો રહ્યો છે. તારા વિદાય સમારંભ વખતે તને મળેલ એલાર્મ ક્લોક તેં સામેવાળાં રમણિકકાકાને આપી દીધેલી કારણ કે તેમને ઘણીવાર વહેલા ઉઠવામાં તકલીફ પડતી.. આ બધુ સમજી તારી મમ્મીએ તને સો વત્તા અગિયાર માર્ક વધારાના આપ્યાં છે..એટલે તને કુલ છસોમાંથી ૫૭૧ માર્ક્સ મળે છે. અર્થાત ૯૫.૧૬%... અભિનંદન...

બેટા જય... તું અમારો જીગર જાન ટુકડો છે... આપણે પરસ્પરનો પ્રેમ સાચવવો અને એકમેકના જીવનની જરુરિયાત સમજવી તે તું ખૂબ સારી રીતે સમજ્યો છે. તારી મમ્મી છે તે ક્યારેય પોતાના દિકરાના માર્ક કાપી ન શકે... પપ્પા કઠોર બની શકે... માં નહી...!

બેટા... જીવનનાં આ વિષયોમાં કાયમ વધારે ને વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરજે... આજે ઉપરના વિષયો તને કદાચ નાના કે બિનજરુરી લાગતા હશે પણ તે તને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ચોક્કસ લઇ જશે.

*વિષય સાતમો  : વાલી તરીકે અમારી ફરજ*
*આપવાના ગુણ :* _____

બેટા જય... આ વર્ષે આ જુદો વિષય ઉમેર્યો છે... આ વિષયમાં તારે અમારું મુલ્યાંકન કરવાનું છે.. તારે પણ અમને સોમાંથી માર્ક આપવાના છે કે અમે અમારી જવાબદરીનું કેટલું વહન કરી શક્યા છીએ. અમે તને કેટલીયે સગવડો નથી આપી શક્યા... તારી સ્કુલ કે કોઇ સમારંભમાં અમે હાજર રહી નથી શક્યાં... અરે તારા વિદાય સમારંભમાં તારે નવું જીન્સ લેવું હતું પણ મેં તને નહોતું ખરીદી આપ્યું. તારે પ્રવાસમાં જવાનું હતું પણ મમ્મીને ખૂબ ચિંતા હતી એટલે અમે ના કહેલી... બેટા... અમારી પણ મર્યાદાઓ છે... તારા આપેલા માર્કથી અમે પણ અમારામાં રહેલી ખામીઓ શોધી શકીશું અને આવતા વર્ષે અમારા માર્ક વધે તેવા પ્રયત્નો કરીશું.

અને જયે તો તરત જ આ છેલ્લા વિષયમાં ૧૨૧ માર્ક આપીને નીચે લખી દીધું.

*વ્હાલા મમ્મી-પપ્પા,*

*તમે એમ ન સમજશો કે તમે મને કાંઇ નથી આપ્યું. તમે મને જે આપ્યું છે તે આ દુનિયાના કોઇપણ મા-બાપે કદાચ તેના દિકરાને નહી આપ્યું હોય...! તમે આ અનોખી માર્કશીટ આપીને મારા જીવનની અનોખી સમજણ આપી છે જે મારા સ્કુલના વિષયોમાં ક્યારેય નથી મળતી. વિષયોમાં માર્ક લાવવાની સાથે વ્યવહારમાં પણ કેવી રીતે સારા માર્ક લાવવા તે તમે મને આ રીતે શીખવ્યું છે.*
*તમે મને આ રીતે જ દર વર્ષે અનોખી માર્કશીટ આપતા રહેજો હું પણ સામે તમને મારી દરેક માર્કશીટ વધુ સારી બનાવવાનું પ્રોમિસ આપું છું.*

*સ્ટેટસ*

*સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઇને આવે છે...*
*જેમ સૂર્યનો પ્રકાશ ચો-તરફ વહેંચાઇને આવે છે...*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
તા. ૨૯/૫/૨૦૧૮
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

*આ વાર્તા ©કોપીરાઇટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં ફેરફાર કરવો નહી*

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
*ચાર રોમાંચ જિંદગીના*
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
*હું*
અવશ્ય વંચો અને વંચાવો...

------------------------

21 May 2018

કેવી રીતે ખિલશે સંબંધોના ફૂલ, જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ.

છૂટાછેડા...

'મને એટલું જણાવશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે?'

નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું.

યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્ઝરી. પરફેક્ટ મેચિંગવાળું જોડું. જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યાં છે, તો કોઇ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો-હિ‌રોઇન પ્રેમલગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યાં હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યાં હશે.

જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરનાં હંસ અને હંસલીને જોઇને ટાઢી થઇ હશે, માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે.

પહેલાં જવાબ નિર્ઝરી તરફથી આવ્યો. લેડીઝ
ઓલ્વેયઝ ફર્સ્ટ. બોલવામાં તો ખાસ. એણે મોં મચકોડીને કહ્યું...

'સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઇએ છે, પણ એ પૂછો કે મેં શું જોઇને આવા લબાડ સાથે લગ્ન કર્યાં?'

'આઇ ઓબ્જેક્ટ યોર ઓનર'

નિર્ઝરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઊછળી પડ્યો.

'મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિ. સજ્જન શાહને લબાડ કહીને
એનું અપમાન...'

જવાબમાં નિર્ઝરીનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો,

'બેસી જાવ, ભાઇ સાહેબ,
એમ કંઇ સજ્જન નામ રાખવાથી કોઇ સજ્જન નથી બની જતું. જજ સાહેબ મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે, એમાં તમારે કૂદી પડવાની જરૂર નથી.'

આના જવાબમાં પાછો પહેલો વકીલ બરાડા પાડવા માંડ્યો. વાતાવરણે ગરમી પકડી લીધી. એમાં સજ્જન શાહનો સૂર ઉમેરાયો,

'જજ સાહેબ, આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો એનું આખું ખાનદાન છે. જો તમે એવા સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસપંચ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની પંદર હજારમી પેઢીએ દુર્યોધન કે દુ:શાસન થયા હશે.'

ફરી પાછી બૂમાબૂમ....

ફરી પાછી બંને વકીલોની કૂદંકૂદ...

અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ...

વાતાવરણ સબજીમંડી જેવું થઇ ગયું. આખરે જજ સાહેબે હથોડી પછાડવી પડી.

'ઓર્ડર... ઓર્ડર...કોર્ટ ઇઝ એડજન્ડર્‍ ફોર ફિફ્ટીન મિનિટ્સ. અદાલત પંદર મિનિટ પછી પાછી મળે છે. ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માગું છું. અફ કોર્સ, વન બાય વન, નોટ ટુગેધર'

જજ સાહેબ ઊભા થઇને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. બંને વકીલોના ચહેરાઓ ઊતરી ગયા.
જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી. કોઇ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ત્યારે જ આ પંડ્યા સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા.

બધા કેસો કંઇ છૂટાછેડાના ન હોય,પણ જે અંગેના હોય એની પતાવટ અંદરોઅંદર કરાવી દેતા હતા.

'તને શું લાગે છે?'

સજ્જન શાહના વકીલે નિર્ઝરીના વકીલને પૂછ્યું,

'તારી હિ‌રોઇન સમજી જશે એવું તને લાગે છે?'

'કોઇ કાળે નહીં. મારી ક્લાયન્ટનું ચાલે તો
એ તારા અસીલને ભરી અદાલતમાં ગોળી મારી દે. પણ તારાવાળાનું શું લાગે છે? એ માની જશે?'

'અસંભવ. આ ભવની વાત છોડ, પણ આવતા જન્મે જો મારો અસીલ કૂતરા તરીકે જન્મ લેશે તો પણ એ આ કૂતરીથી તો દૂર જ ભાગશે. જજ સાહેબ ભલે લાખ કોશિશો કરી લે, આ કેસમાં એ ફાવવાના નથી.'

બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને પંડ્યા સાહેબે
ચપરાસીને કહીને સૌથી પહેલા નિર્ઝરીને અંદર બોલાવી લીધી

સજ્જન શાહ ફુંગરાયેલું મોં લઇને બહાર જ બેઠો હતો. સાહેબે નિર્ઝરીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો.

તેઓ કંઇ પૂછે તે પહેલાં જ નિર્ઝરીએ આગ ઓકવાનું ચાલુ કર્યું,

'માફ કરજો, સાહેબ આપ વડીલ છો. જજ સાહેબ છો.
જે કહેવું હોય તે તમે મને કહી શકો છો, પણ એક વાત ન કહેજો. મને આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ ક્યારેય ન આપશો. મારી આપને નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને ડિવોર્સ અપાવી દો'

જજ સાહેબ હૂંફાળું હસ્યા.

'હું તને ક્યાં કહું છું કે તારે સજ્જનની સાથે
જોડાયેલા રહેવાનું છે? મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે?'

'ત્રણ વર્ષ અને સાડા ચાર મહિ‌ના.'

'એમાં તને તારા પતિમાં લાખ અવગુણો દેખાઇ ગયા, ખરું ને?'

'લાખ નહીં, કરોડ, જજ સાહેબ'

'સારું પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદ્ગુણો કેટલા દેખાયા? એક, બે, પાંચ, સાત...?
સમ ખાવા પૂરતા થોડાક ગુણો તો હશેને એનામાં?'

'એ તો હોય જ ને, સાહેબ ભગવાને સાવ સો ટકા ખરાબ માણસ તો પેદા જ ન કર્યો હોય ને?'

'ધેર યુ આર.. મારે એ ક્યા ગુણો એ જાણવું છે.
તું મને કહી શકીશ?'

નિર્ઝરી વિચારમાં પડી ગઇ,

'એ માટે તો થોડોક સમય લાગશે, સાહેબ મારા પતિના વ્યક્તિત્વમાંથી સદ્ગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે.'

'નો પ્રોબ્લેમ. હું તને સાત દિવસનો સમય આપું છું. આઠમા દિવસે આપણે ફરીથી મળીએ છીએ. આ જ ચેમ્બરમાં. તું બોલજે, હું સાંભળીશ.'

'હા, અને નવમા દિવસ તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો, ઠીક છે?'

નિર્ઝરી આત્મવિશ્વાસપૂર્વક ઊઠીને ચાલી ગઇ. એ પછી સજ્જનને અંદર બોલાવવામાં આવ્યો. એણે પણ નિર્ઝરીના જેવો જ અભિગમ અપનાવ્યો. આરંભમાં ગરમાગરમી, પછી જજ સાહેબે સોંપેલું સદ્ગુણોના સંશોધનનું ભગીરથ કાર્ય અને પછી વિદાય લેતી વેળાની હઠ:

'તમે સોંપેલું હોમવર્ક તો હું કરી લાવીશ, પણ એનાથી કશો ફરક નહીં પડે, સર આજથી નવમા દિવસે આ ચંડીકાથી મને છુટ્ટો કરાવી દેજો.'

સતત સાત-સાત દિવસો લગી સંબંધોના દરિયા ઉલેચીને નિર્ઝરીએ અને સજ્જને જે કંઇ રત્નો હાથ લાગ્યાં તે કાગળના પડીકામાં લઇને હાજર થઇ ગયાં. જજ સાહેબે આ વખતે પણ લેડીઝ ફર્સ્ટનો નિયમ જાળવી રાખ્યો.

નિર્ઝરીને પૂછ્યું,

'ક્યાં છે તારું રીસર્ચ પેપર? ઓહ, તું તો કંઇ બે-ચાર ફુલસ્કેપ કાગળો લખીને લાવી છે ને મને તો એમ હતું કે માંડ એક નાની ચબરખીમાં તારા સજ્જનની સજ્જનતા સમેટાઇ જશે.'

'મને પણ એવું જ હતું, સાહેબ, પણ સાચું કહું? જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તેમ તેમ બધું યાદ આવતું ગયું. આપને વાંચવાનો કંટાળો આવતો હોય તો સજ્જન વિશે કેટલુંક હું બોલીને...'

અને નિર્ઝરી બોલવા લાગી...

'સજ્જનમાં સૌથી સારી બાબત એની મારા પ્રત્યેની વફાદારી છે. બીજો એનો પ્રેમ. ત્રીજું, એણે મને પૈસાની વાતમાં ક્યારેય રોકટોક કરી નથી. ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે. એ મને ઘરકામમાં મદદ પણ કરાવે છે. દર અઠવાડિયે મને ફિલ્મ જોવા લઇ જાય છે. રેસ્ટોરાંમાં ડિનર કરાવે છે. મારી બર્થ-ડે ઉપર મને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપે છે.'

'ત્યારે હવે ખૂટે છે શું?'

'એ ગુસ્સો બહુ કરે છે. વાતવાતમાં મારાથી રિસાઇ જાય છે. મારાં સગાં આવે તો તેમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે. ક્યારેક મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે. હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે.'

'બેટા, તારા સંસાર ના નામાનું જમા-ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે સજ્જન જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઇને મળે. એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે અને લગ્નનાં સાડા ત્રણ વર્ષ વીતી ગયાં પછી પણ આજે એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે. તારા તમામ મોજશોખ પૂરા કરે છે. તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે? તારા પિયરિયાં સમક્ષ પૂંછડી પટપટાવતો...?'

'સોરી, સાહેબ આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઇ રહી હતી. તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે. સર, જો શક્ય હોય તો... તમે એને સમજાવી જુઓ કે એ મારી સાથે... મારે ડિવોર્સ નથી લેવા, સર...'

નિર્ઝરી રડી પડી....

અડધા કલાક પછી

સજ્જન પણ રડી રહ્યો હતો....

જજ સાહેબના હાથમાં એણે લખેલા કાગળો હતા. એ કાગળો ન હતા, પણ પાછલાં સાડા ત્રણ વર્ષનું સરવૈયું હતું. પાને પાને પત્ની પ્રત્યેનો પ્રેમ ઝલકતો હતો.
વાક્યે વાક્યે વિયોગનો ઝુરાપો છલકતો હતો. એણે તો જલદીથી કહી દીધું,

'મને તો મારી નિર્ઝરી ખૂબ ગમે છે. એને હું નથી ગમતો. સાચું કહું તો હું એની ફરિયાદોથી તંગ આવી ગયો છું. મને લાગે છે કે હું તો શું, પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે.'

'ધેર યુ આર, મિ. સજ્જન આ જ તો દુનિયાનું સત્ય છે. આપણા એક સમર્થ લેખક હરીન્દ્ર દવેએ કહ્યું છે- કોઇનો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે.'

તમે બંને જો સંમત થતાં હો તો હું મારો ચુકાદો સંભળાવી દઉં?'

જજ સાહેબે ઘંટડી મારી. નિર્ઝરી અંદર આવી.
જજ સાહેબે જાહેર કર્યું,

'આજથી સાડા ત્રણેક વર્ષ પહેલાં અગ્નિની સાક્ષીએ તમને બેયને ઉમરકેદની સજા ફરમાવાઇ હતી તે પૂરી મુદત સુધી ભોગવવાનો હું હુકમ કરું છું.'

નિર્ઝરી અને સજ્જન ઊભાં થઇને એમના પગમાં ઝૂકી પડ્યાં,

'સજા નહીં, અમને આર્શીવાદ આપો, પપ્પાજી''

(સત્ય ઘટના પર આધારીત કથા લેખક શરદ ઠાકર)

અને છેલ્લે...

કેવી રીતે ખિલશે સંબંધોના ફૂલ,
જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ.

15 May 2018

પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું તો આપણે કંઇક ઓળવી નથી જતાને ?

બહેન યાદ આવી??

ખરેખર વાંચવા જેવું !!

ઉનાળાની બળબળતી બપોરે એક
ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ
જામી હતી. તાપથી રાહત
મેળવવા બધા પોતાના મનપસંદ
ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક
ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને
વિખરાયેલા વાળ વાળી છોકરી જાત
જાતના પીણા પી રહેલા આ લોકોને
ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર
ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક
બોલાવી પણ
છોકરી ત્યાં આવવામાં સંકોચ
અનુભવતી હતી. કદાચ એના ગંદા અને
ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન
માણસો પાસે જતા અટકાવતા હશે આમ
છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ?
" છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ
ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ
સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર
આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ
છોકરીના હાથમાં આવ્યો અને એ
તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર
રહેલા કાજુબદામને જોઇ રહી. એણે
પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત
કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ
પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે."
આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ
પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ
તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે
પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને
એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક
કરી દોને. ગમે તે
કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે."
દુકાનવાળા ભાઇને છોકરી પર
થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને
કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે
અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું
કરવુ છે? "
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને
કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે
મારે નાનો ભાઇ છે એને
આવી લસ્સી કેદી પીવા મળશે ?
મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ
કરી આપોને ભાઇ ! "
છોકરીના આટલા શબ્દોએ
ત્યાં ઉભેલા દરેક
પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે
બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.
મિત્રો, પોતાના ભાગનું કે
પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન
પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે
આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું
તો આપણે કંઇક ઓળવી નથી જતાને ?
જરા તપાસજો.

14 May 2018

*લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*

*લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*
*જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.*
*અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,*
*થાય કસોટી તારી,*
*એ પગથીયું કદી ચઢવું નથી.*
*હશે મન સાફ, તો*
*અંતરમાં બિરાજે છે તું આપોઆપ,*
*દીધું છે...ને દેશે જ,*
*ભલામણ જેવું કંઈજ કરવું નથી.*
*હજી માણસ જ સમજ્યો છે ક્યાં ,*
*માણસની ભાષા?*
*તારામાં લીન થાઉં,*
*એથી વિશેષ માણસ બનવું નથી..*