28 March 2017

પિતા-પુત્રી મિલન સુખદ સંયોગ

5 મિનિટ વાચજો..... અને જો આંખ ભીની ન થાય અને હૃદય માં થોડો ડુમો ન બાઝે,  તો સમજી લેજો સાહેબ કે તમે આ યુગના રોબોટ બની ગયા છો....

જરૂરથી ગમશે જ..

“શર્વિલ, ઉઠી જાઓ, જુઓ સવાર ના સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં નિર્મિકા એ બૂમ મારી ને બેડરૂમ માં સૂઈ રહેલા પોતાના પતિ ને ઉઠાડતાં કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમ થી થોડો ઉઠી જવાનો હતો! એ જાણતો હતો કે પોતે નહીં ઊઠે તો નિર્મિકા નજીક આવી ને પોતાની બંગડીઓની ખનક થી ઉઠાડવા બેડરૂમ માં આવશે. અને બસ નિર્મિકા આવી. આવતાં જ શર્વિલએ નિર્મિકા ને પ્રેમથી પોતાના આશ્લેષ માં જકડી લીધી.

“શું શર્વિલ તમે પણ સવાર સવાર માં મસ્તી જ સૂઝે છે તમને!” નિર્મિકા એ શરમથી આંખો ઢાળી દીધી.

”પત્ની ને પ્રેમ કરવો એ પણ ગુનો છે?” શર્વિલ ની આંખો માં પ્રેમ વરસતો હતો.

“હવે, જલ્દી તૈયાર થાઓ, તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” નિર્મિકા શર્વિલના આશ્લેષમાંથી નીકળવા મથામણ કરી રહી હતી.

બસ આવા જ નિર્મિકાના મીઠા સંવાદ સાથે શર્વિલની સવાર થતી. શર્વિલ ખુશ હતો. બસ હજુ થોડા દિવસો પહેલા જ શર્વિલના નિર્મિકા સાથે લગ્ન થયા હતા. નિર્મિકા પણ થોડા જ દિવસો માં શર્વિલની પૂરક બની ગઈ હતી.

રસોડામાં શર્વિલ નું ટિફિન ભરતાં ભરતાં નિર્મિકા એક ક્ષણ માટે શૂન્યમનસ્ક થઈ ગઈ. શર્વિલ હજુ નાહી ને તૈયાર થઈ ને આવે ત્યાં સુધી તો નિર્મિકા એ પર્સ, રૂમાલ, મોજાં અને ટિફિન બધુ જ તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું. પ્રેમથી ભરેલા ચુંબન થી શર્વિલને વિદાય આપી પોતાના ફ્લૅટની ગૅલૅરી માં ઊભી ઊભી શર્વિલને નીરખી રહી હતી.

સપ્તરથ પર આરુઢ થઈ ને સૂર્યરાજા ની સવારી આવી ચૂકી હતી. તડકો હજુ કૂણો હતો. આકાશમાં આછી આછી વાદળીઓએ સુંદર મજાની ભાત પાડી હતી. શીત હવાની લહેરખી નિર્મિકાના ગાલ પર રહેલા વાળને ઉડાડતી હતી. નીચે રોડ પર રિક્ષા, સ્કૂટર, બસ, કાર અને રાહદારીઓ રઘવાયાં થઈ ને દોડી રહ્યાં હતાં. આમેય સુરત શહેર વ્યસ્ત શહેરોમાનું એક શહેર હતું. ત્યાં જ નિર્મિકાની નજર દૂર એક આશરે 3 વર્ષ ની નાની બાળકી પર પડી. એ સુંદર મજાની ઢીંગલી પોતાના પપ્પાની આંગળી ઝાલી ને ધીમે ધીમે ડગ માંડી રહી હતી, એટલામાંજ એ ચાલતાં ચાલતાં પડી ગઈ અને આંખમાંથી મોતી સરતાં જ હતાં કે એના પપ્પા એ એને ગાલ પર પપ્પી આપી ઊંચકી લીધી. નિર્મિકાને એના પપ્પા ની યાદ આવી ગઈ અને એની આંખો પર બાઝેલાં મોતીઓ એ એનો પુરાવો આપી દીધો. એવું નહોતું કે સાસરે કોઈ વાત ની ખોટ હતી, એથી વિરુધ્ધ સુરત શહેરની પ્રતિષ્ઠિત કોર્પોરેટ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડૉ. શર્વિલની અનહદ પ્રેમવર્ષામાં એ ભીંજાઇ રહી હતી, પણ ચિંતા પપ્પા થતી હતી. પપ્પા હવે એકલા હતાં.

* * * *

“નિર્મિકા, આજે કદાચ એક મેડિકલ અસોસિએશન મીટિંગ અંતર્ગત અમદાવાદ જવાનું થશે. રિસેષ ટાઇમમાં પપ્પા ને મળી આવીશ અને એમની તબિયત પણ પૂછતો આવીશ. તને સાથે જ લઈ જાત પણ બધા મિત્રો જોડે એમની જ કારમાં જવાનું છે.” શર્વિલે સોફા પર મોજાં પહેરતાં પહેરતાં ટિફિન પૅક કરી રહેલી નિર્મિકાને સાદ પડી ને કહ્યું.

શર્વિલ આજે પપ્પા ને મળવા જશે એ વાત થી જ નિર્મિકા ની આંખોમાં ચમક આવી ગઈ.

“પપ્પા ને ત્યાં જવાના છો? જજો જ, ટાઇમ લઈ ને, અને ઊભા રહો આ ગાજર નો હલવો બનાવ્યો છે એ પૅક કરી આપું છું. પપ્પા ને બહુ ભાવે છે.” નિર્મિકા ની આંખોમાં ખુશી નીતરતી હતી.

શર્વિલે નોંધ્યું હતું કે જ્યારે જ્યારે નિર્મિકા ટિફિન પૅક કરી ને આપતી હતી ત્યારે ત્યારે એની આંખો જાણે કશુંક કહેવા માંગતી હોય એવો ભાસ થતો હતો, પણ એ આંખોને નિર્મિકા એક એવા આવરણમાં ગૂંથી લેતી કે શર્વિલ એની આંખો કળી શકતો નહોતો. પરંતુ આજે નિર્મિકાની આંખોમાં એવું કોઈ જ ગૂઢ આવરણ નહોતું, ખૂબ જ ખુશ હતી.

એનો હાથ હાથમાં લઈ ને બોલ્યો, “ હા ડિયર, હું શ્યોર પપ્પા ને મળીને જ આવીશ અને એમની પરીની ખૂબ યાદ આપીશ. એ પણ કહીશ કે પપ્પા તમે તમારી પરીની બિલકુલ ચિંતા ન કરશો. એ એના સાસરે પણ પરી બનીને જ રહેશે.”

* * * *

જ્યારે જ્યારે નિર્મિકા શર્વિલ માટે ટિફિન પૅક કરતી ત્યારે ત્યારે પપ્પા ની યાદ આવી જતી અને એ શૂન્યમનસ્ક થઈ જતી. પોતે ૧૨ વર્ષ ની હતી ત્યાર થી જ પપ્પા માટે એ જ રસોઈ બનાવતી પણ હવે પપ્પા પાસે કોઈ નહોતું. મમ્મી ની અચાનક વિદાય પછી નિર્મિકા એ જ ઘર ની સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. પપ્પા એ પણ પોતાની એકની એક લાડકવાયીને પ્રેમથી ઉછેરી હતી. પણ હવે …….

* * * *

“બેટા, પરી મારા ચશ્માં ક્યાંક મૂકાઈ ગયા છે, જરા શોધી આપ ને?” હાથ માં છાપું લઈ બહાર હીંચકા પર બેસતાં બેસતાં નટવર કાકાએ ઘર તરફ બૂમ મારી ને કહ્યું. જ્યારે કોઈ પ્રતિસાદ ન આવ્યો ત્યારે નટવરકાકાને યાદ આવ્યું કે પરી તો હવે પોતાના સાસરે હતી. રિટાયર્ડ જીવન જીવતાં નટવરકાકાના હ્રદય માં દીકરી ને સારું ઘર મળ્યા નો સંતોષ હતો. એ પરીના રૂમમાં જતાં, પરીના હોવાનો અનુભવ કરતાં. એના કપડાં, સ્કૂલ અને કોલેજની ચોપડીઓ, એની બેગ બધુ જ જેમનું તેમ સચવાયેલું હતું જેવુ એ મૂકી ને ગઈ હતી. એના રૂમમાંથી એની કોઈ પણ વસ્તુ આઘી પાછી ન થાય તેનું એ ખાસ ધ્યાન રાખતાં, ક્યારેક ક્યારેક એની યાદ આવતી ત્યારે ત્યારે એનું આલ્બમ જોઈ લેતા.

* * * *

“શર્વિલ કુમાર, આવો આવો, બસ તમારી જ રાહ જોતો હતો, પરી નો ફોન આવી ગયો હતો કે તમે આવશો.” નટવરકાકા ચહેરા પર આકાર લેતી ખુશીઓની રેખાઓ શર્વિલને સ્પષ્ટ દેખાઈ રહી હતી. શર્વિલે પણ સ્મિત આપી ઘર માં પ્રવેશ કર્યો.

“હા, પપ્પા, પરી ને પ્રોમિસ જો આપ્યું હતું કે હું પપ્પા ને મળવા જઈશ. અને હા પપ્પા લો આ પરી એ તમારા માટે ગાજર નો હલવો મોકલ્યો છે.”

“પરી બેટા એ મોકલ્યો? મારી પરી મજા માં તો છે ને?” નટવરકાકા હાથ માં ગાજર ના હલવાનો ડબ્બો પકડતાં પકડતાં જાણે પરીની આંગળી ઝાલી હોય એવો અનુભવ કરતાં હતાં.

“હા, પપ્પા, પરી એકદમ મજામાં છે, હવે ઉતરાણ પર અમે બંને સાથે આવીશું.” શર્વિલ જરા હળવાશથી કહ્યું.

“શર્વિલ કુમાર તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. હું બનાવી ને જ રાખત, પણ પછી ચા ઠંડી થઈ જાત તો મજા ના આવત.” હર્ષપૂર્વક નટવરકાકા એ કહ્યું.

“અરે પપ્પા, કોઈ તકલીફ ના ઉઠાવો.”

“અરે હોતું હશે, શર્વિલ કુમાર, તમે લગ્ન પછી આમ પહેલી વાર સાસરે આવ્યા છો, અને મારે પણ ચા પીવાની બાકી જ છે, આપણે બંને સાથે ચા લઈશું બસ!” સંવાદ પૂરો થયો ના થયો નટવર કાકા એટલામાંતો રસોડામાં પહોંચી પણ ગયા.

શર્વિલ બેઠક રૂમમાં સોફા પર બેઠાં બેઠાં નિર્મિકાના પપ્પા સાથેના નાનપણના ફોટાઓ નીરખી રહ્યો હતો, એટલામાં એની નજર ટીપોઇ નીચે પડેલી એક ચિઠ્ઠી પર પડી. કુતૂહલતાપૂર્વક એને ચિઠ્ઠી જોઈ તો એ પામી ગયો કે અક્ષરો નિર્મિકા ના હતાં અને એ ચિઠ્ઠી નિર્મિકા એ લગ્નના દિવસે એના પપ્પા ને ઉદ્દેશી ને લખી હતી. જિજ્ઞાસાપૂર્વક શર્વિલ વાંચી રહ્યો હતો.

પપ્પા…

આવતીકાલથી હું આ ઘર માં નહીં હોંઉ, તમારી તબિયત નું ધ્યાન રાખજો, બી.પી. અને ડિયાબીટીસ બંને ની દવાઓ સમયસર લેજો. બધી જ દવાઓ ટી.વી. નીચેના કબાટમાં મૂકી છે, બધી દવાઓ પર કઈ દવા ક્યારે લેવાની છે એ મે લખી દીધું છે.

કબાટના ઉપર ના ખાનામાં તમારા બધાજ ધોયેલાં શર્ટ અને પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકેલા છે અને હા તમારા ચશ્માં ન મળે તો પહેલાં ટીપોઇની નીચે છાપાં પર જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણાં ઘરની બહારની બાલ્કની પર જોજો.

ધાબા ની ટાંકી નો કોક ધાબા પર નહીં નીચે રસોડાના બારણાં પાછળ છે, ટાંકી છલકાઈ ને ઉભરાઇ જાય તો ઉપર દોટ ન મૂકતાં….

દાઢી કરવાની ટ્યૂબ હમેંશા તમારા શેવિંગ કરવાના પાઉચમાં જ મુકજો, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિકના નાના બાસ્કેટ માં નહીં…

મારો નંબર તમારા મોબાઇલ માં પરી ના નામે સેવ કર્યો છે એટલે નિર્મિકાના નામે નામે શોધતા નહીં અને તોય મારો નંબર મેં રસોડા માં લગાવેલા કેલેંડર પર મોટા અક્ષરે લખ્યો છે. તમારી અને મમ્મી ની યાદ આવશે એટલે તમારી જાણ બહાર હું આપના લગ્ન નું આલ્બમ લઈ જાઉં છું.

અને હા પપ્પા કાલ થી રસોડા માં રસોઈ બનાવવા હું નહીં હોંઉ, તમને જે આવડે એ થોડું થોડું બનાવી લેજો. રસોડા ના મસાલિયામાં મે અજમાની ડબ્બીમાં અજમો અને જીરાની ડબ્બી જીરું લખેલી ચબરખી મૂકી છે. એવું જ મીઠા ની અને સોડા ની બરણી ઓ માં પણ કર્યું છે.

મારી આંખો માં સમાય એટલી બધી જ યાદો અને પપ્પા તમારા સાથે વિતાવેલી એક એક પળ ને અને નાનપણ માં તમારા ગાલ પર મેં વ્હાલપૂર્વક આપેલી એક એક પપ્પીની યાદો ને મનમાં ભરી ને લઈ જાઉં છું. તમારી યાદ આવશે પપ્પા…..

લવ યૂ પપ્પા
તમારી લાડલી પરી……

શર્વિલ ચિઠ્ઠી પૂરી કરતાં જ લાગણીશીલ બની ગયો. દરરોજ ટિફિન આપતી વખતે નિર્મિકા ની આંખોમાં રહેલા ગૂઢ આવરણ પાછળ પોતાના પપ્પા ની ચિંતા ને આજે શર્વિલે કળી લીધી હતી.

* * * *

ડોરબેલ વાગતાં જ નિર્મિકા એ દરવાજો ખોલ્યો અને ખોલતાં જ શર્વિલ ને જોઈ ને ખુશ થતાં થતાં કહ્યું “ પપ્પા ને મળ્યા શર્વિલ? એ મજા માં તો છે ને?”

હજુ શર્વિલ કઈં જવાબ આપે એ પહેલાં એના હાથ માં રહેલી બેગ ને જોતાં જ નિર્મિકા એ આશ્ચર્યપૂર્વક ફરી પાછી સવાલો ની ઝડી વર્ષાવી “ આ બેગ કોની છે? કોઈ મહેમાન આવ્યું આપણાં ઘરે?”

શર્વિલે બેગ નીચે મૂકી નિર્મિકા ના ગાલ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી જવાબ આપ્યો. “ માફ કરજે, તારી આંખો ને કળતાં સહેજ મોડુ થયું, પગલી પ્રેમ કરું છું તને, એકવાર પણ કહ્યું હોત…. જો કોણ આવ્યું આપણાં ઘરે, હવે એ મહેમાન બની ને નહીં પણ સદાય આપણાં સાથે જ રહેશે.”

નિર્મિકા એ જોયું તો એના પપ્પા સીડીઓ ચડી ને આવી રહ્યા હતાં. નિર્મિકા શર્વિલ ને ભેટી પડી. કોઈ સંવાદ ના કરી શકી પણ આંખો માં આવેલા આંસુઓ સઘળું વ્યક્ત કરતાં હતાં.

પપ્પા ને આવતાં જ નિર્મિકા ભેટી પડી. શર્વિલ વિયોગ બાદ આજે રચાયેલા પિતા-પુત્રી ના મિલન ના સુખદ સંયોગ ને લાગણીશીલ બની નીરખી રહ્યો હતો.

સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી.

દરેક દીકરી ના આંખ માં કરુણા ના અશ્રુ આવે એવો એક બહુ જ સરસ પત્ર.....એક દીકરીનો એની મમ્મીને...
== === === === === === === === ==

*પ્રિય મમ્મી,*

*8 GB ની PEN DRIVE* માં, થોડી જગ્યા ઓછી પડી નહિં તો, મારું આખું *બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે* લઇ આવી હોત.

પણ,

*મારું બાળપણ તો તારા ખોળા માં જ* રહી ગયું.

*તારા ખોળામાં,*
*હું માથું મૂકીને સુઈ જતી,*
*એ સમય સોનાનો હતો*  ,

અને
એટલે જ ,
*એ ચોરાઈ ગયો.*

સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી.

ગમે ત્યાં ખોવાઈ જાય છે.
ઘરે હતી ત્યારે તો,
તું મને શોધી આપતી.

*સાસરે આવ્યા પછી,*
*મારી જ જાત મને મળતી નથી*

તો

બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ?

તું રોજ સવારે,

*મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી.*

હવે મારે,
*ALARM* મુકવું પડે છે.

આજે પણ રડવું આવે છે,

ત્યારે તારી જૂની સાડીનો છેડો *આંસુઓ સામે ધરી દઉં છું.*

*આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં,*

પણ

*આંખો ને કેવી રીતે બનાવું ?*
આંખો પણ હવે,

*INTELLIGENT* થઇ ગઈ છે.

*મમ્મી,*

જયારે પણ *VEHICLE* ચલાવું છું,

ત્યારે
પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું

કે

*ધીમે ચલાવ*.

*ધીમે ચલાવ* એવું કહેવા વાળું હવે કોઈ નથી,

એટલે *ફાસ્ટ* ચલાવવાની મજા નથી આવતી.

*મમ્મી,*

મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં,

એક પણ *U-TURN* આવ્યો નહિ. નહિ તો,

હું તને લેવા ચોક્કસ આવી હોત.

લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે,

જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી,

એ ગાડી ના *'REAR-VIEW MIRROR'* માં લખેલું હતું કે '

*OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR'.*

બસ,

એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.

મમ્મી,

કેટલાક રસ્તાઓ *ONE-WAY* હોય છે.

એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું.

કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે *મારી SURNAME અને સરનામું,* બંને બદલાઈ ગયા છે.

પણ

એ રસ્તાઓ ઉપર *WRONG SIDE માં DRIVE* કરી ને પણ,

તને મળવા હું ચોક્કસ આવીશ.

કારણ કે ,

મારું *DESTINATION* તો તું જ છે, .....

મમ્મી,

મારું *DESTINATION* અને મારી *DESTINY* બંને તું જ છે.

*WORLD STARTS WITH YOU AND ENDS IN YOU.*

મમ્મી,
*સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી.*

કારણ કે,
મારી દુનિયા તો તું છે.

*લી :- મમ્મી ની દિકરી*.

બોર્ડની પરીક્ષા ટકોરા મારી રહી છે

👏 બોર્ડની પરીક્ષા ટકોરા મારી રહી છે, ખરું ને.....
આ જ બાબતને અનુલક્ષીને બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ અને તેમના પેરેન્ટ્સને ઉપયોગી થાય તે હેતુ સાથે Best of Luck વિષય હેઠળ સરળ ભાષામાં પરીક્ષાને લગતી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. આ સમગ્ર બાબત જણાવતાં પહેલાં વાલીમિત્રોને અરજ છે કે, તેઓ પોતે પણ સમજે અને પોતાના બાળકને પણ સમજાવે કે – “કોઈ પણ પરીક્ષા જિંદગીની આખરી પરીક્ષા હોતી નથી, આ પરીક્ષા પણ અન્ય પરીક્ષા જેવી જ છે અને તે પણ સારી રીતે પાર પડી જ જશે... ” આ પ્રકારનો આત્મવિશ્વાસ બાળકમાં ઉત્પન્ન કરશો અને વિદ્યાર્થીના સાચા માર્ગદર્શક કે પથદર્શક બનશો તેવી અપીલ છે....

हर कामयाबी पर आपका नाम होगा,
आपके हर कदम पर दुनिया का सलाम होगा ।
मुश्किलों का सामना हिम्मत से करना,
उम्मीद है एकदिन वक्त भी आपका गुलाम होगा ।।

👉 *વિદ્યાર્થીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો*

- ❄ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરો.
- ❄મહેનતનો બીજો કોઈ શોર્ટકટ નથી – આ બાબત સમજી અને સ્વીકારી લો.
- ❄આયોજનપૂર્વકની ચોક્કસ દિશામાં કરેલી મહેનત જ સફળતા અપાવશે.
- ❄વિનમ્ર બની તમારામાં રહેલી ઉણપોને દૂર કરો અને તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહો.
- ❄આખું વર્ષ મહેનત કરી છે, તો પરીક્ષાના દિવસો દરમિયાન ખોટા ઉજાગરા ન કરો.
- ❄અનેક પરીક્ષાઓ આપી છે, તો પરીક્ષાનો ખોટો ડર ન રાખો. પરીક્ષા આપો હસતાં... હસતાં...
-❄ છેલ્લા સમયે IMP ક્યાંથી મળશે તેમાં સમય વ્યતિત ન કરતાં પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરો.
- ❄ગોખણપટ્ટી કરવાને બદલે સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરો.
-❄ શક્ય હોય તો એકાંતમાં મોટેથી વાંચો.
- ❄પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો, જેથી વધુ યાદ રહેશે અને લખવાની ઝડપ વધશે.
- ❄રિસિપ્ટનું ક્યારેય પણ લેમિનેશન કરાવવું નહીં.
- ❄પરીક્ષામાં મોડા ન પડાય, માંદા ન પડાય, રિસિપ્ટ ખોવાઈ ન જાય તેની તકેદારી રાખો.
-❄ ટાઈમટેબલમાં ગેરસમજ ન થાય તેની કાળજી રાખો.

👉 *પરીક્ષા અગાઉ*

-☘ ભણવા માટે ટાઈમ ટેબલ બનાવો.
- નોટ્સ, ચાર્ટ, ડાયાગ્રામનું પુનરાવર્તન કરો.
- ☘પાઠયપુસ્તકના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોને સૌ પ્રથમ ન્યાય આપો.
- ☘મહત્ત્વના મુદ્દાઓને હાઈટલાઈટ કરીને રાખો અને સતત તેનું પુનરાવર્તન અને મનન કરો.
- ☘રિવીઝન કરતી વખતે દરેક બાબતને પૂરેપૂરી ન વાંચતા મહત્ત્વના મુદ્દાઓ પર નજર ફેરવો.
-☘ સવારના સમયે આછા સૂર્યપ્રકાશમાં બેસીને વાંચવું ફાયદાકારક રહેશે.
- ☘દરેક પ્રકરણને એક કલાકના સમયમાં સેટ કરો, જેમાં 45 મિનિટ વાચોં અને 10 મિનિટનો બ્રેક લો.
- ☘પરીક્ષા સમયે બધું ભૂલી જવાશે તેવો ડર મનમાંથી કાઢી નાંખો, બૅક માઈન્ડમાં બધું સ્ટોર હોય જ છે.
- ☘નજીકના દિવસોમાં નવું વાંચન કરવાને બદલે અગાઉ વાંચન કર્યું હોય તેનું પુનરાવર્તન કરો.
- ☘મોડી રાત સુધી વાંચવાને બદલે વહેલી સવારનું વાંચન યોગ્ય રહેશે.
- ☘પરીક્ષા અગાઉ અને પરીક્ષા વખતે ખાવામાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

👉 *પરીક્ષાના દિવસે...*

- 🎖પરીક્ષા આપવા જતાં પહેલાં ઈષ્ટદેવ તેમજ વડીલ સભ્યોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં.
- 🎖પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સ્થળે ઓછામાં ઓછા એક કલાક પહેલાં અને અન્ય દિવસોમાં અડધા કલાક પહેલાં પહોંચવું યોગ્ય રહેશે.
-🎖 પરીક્ષા માટે જરૂરી રિસીપ્ટ, પેન, પેન્સિલ, રબર, સ્કૅલ, પારદર્શક પૅડ, પારદર્શક પાણીની બોટલ વગેરે લેવાનું ભૂલશો નહીં.
-🎖 રિસીપ્ટની ઝેરોક્ષ કઢાવી ઘરના સભ્યોને માલુમ હોય તેવી જગ્યાએ રાખવી આકસ્મિક પરિસ્થિતિમાં મદદરૂપ બનશે.

👉 *વર્ગખંડમાં રાખવાની કાળજી*

- 👍પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા સ્થળ અને વર્ગખંડની રૂબરૂ મુલાકાત લો, જેથી પરીક્ષાના દિવસે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દોડા દોડ ન થાય.
-👍 પરીક્ષા ખંડમાં જતાં પહેલાં વૉશરૂમ જઈ આવવું, જેથી પરીક્ષા વખતે ખોટી દોડા-દોડ ન થાય.
- 👍પરીક્ષા આપતાં પહેલાં તમારી બેઠકની આજુ બાજુમાં કોઈપણ પ્રકારના પેપરના ટુકડા કે બૅન્ચ પર કોઈ પણ પ્રકારની લખાણ લખેલું નથી તે ચકાસી લેવું. આ પ્રકારની પરિસ્થિતિમાં તમે સુપરવાઈઝરને આ બાબતે જાણ કરી કરી શકો છો.
- પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં.
- 👍ઉત્તરવહીના મુખ્ય પાના પરની તેમજ OMR જવાબપત્ર પરની માહિતી ખૂબ જ કાળજી અને ચિવટપૂર્વક ભરો. તેમાં ભૂલ ન થાય કે ચેક-ચાક ન થાય તે બાબતે ચોક્કસ રહો.
- 👍પરીક્ષા દરમિયાન ખૂબ જ વિનમ્ર રહો. સુપરવાઈઝર અને અન્ય સ્ટાફ મિત્રો સાથે નમ્રતાપૂર્વકનો વ્યવહાર કરો.
- 👍ચાલુ પરિક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તુરંત જ સુપરવાઈઝરશ્રીને નિઃસંકોચપણે જણાવો.
- 👍બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવા બાબતે ચોક્કસ રહો.
- 👍વૉર્નીંગ બૅલ પહેલાં પ્રશ્નપત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરો. ત્યાર બાદના સમયમાં સપ્લીમેન્ટરી બાંધી, ઉત્તરવહી પરની વિગતો, લીધેલ સપ્લીમેન્ટરી સાથેનું ટોટલ, તમામ પ્ર.  લખાઈ ગયા છે કે કેમ તે ચકાસી લો.

👉 *પ્રશ્નપત્ર લખતી વખતે...*

- 💐ઉત્તરવહીમાં માત્ર બ્લૂ પેનનો જ ઉપયોગ કરો, જરૂર જણાય તો પેન્સિલનો ઉપયોગ કરી શકાય.
- 💐પ્રશ્નપત્ર હાથમાં આવે તે પહેલાં ઉત્તરવહી પરની તમામ વિગતો ભરવાનું કાર્ય પૂર્ણ કરો.
- 💐પ્રશ્નપત્ર જોઈને ગભરાઈ ન જવા. પ્રશ્નોની ભાષા બદલી હોઈ શકે, ધીરજપૂર્વક પ્રશ્ન વાંચો અને આવતા પ્રશ્નને સૌ પ્રથમ લખો.
- 💐પ્રશ્નપત્ર એક વાર વાંચી લો અને આવડતા પ્રશ્નના જવાબો પહેલાં લખો. જવાબ લખવામાં ટાઈમ લિમીટ બાંધો.
- 💐પ્રશ્નને યોગ્ય રીતે વાંચો અને તેને અનુરૂપ મુદ્દાસર જવાબ આપો. બિનજરૂરી અને યોગ્ય ન હોય તેવું લખાણ લખી ખોટા પાના ન ભરશો.
- 💐ઉત્તરવહીમાં યોગ્ય હાંસીયો છોડીને લખવાનું રાખો.
- 💐સવાલનો બરાબર સમજો, વિચારો અને ત્યાર બાદ મુદ્દાસર લખવાનું શરૂ કરો.
- 💐અઘરો લાગતો તેમજ ના આવડતા પ્રશ્નોના પણ જવાબ લખવા જોઈએ. કોઈ પણ સવાલ છોડવા ન જોઈએ. એક વાર લખવાનું શરૂ કરશો એટલે બધું યાદી આવવા લાગશે.
- 💐સ્વચ્છતા જાળવો. બિનજરૂરી ચેકચાક ન કરો.

👉 પેરેન્ટ્સ જરા સંભાલ કે ...

- 🌹તમારા બાળકને વાંચવા માટે યોગ્ય જગ્યા, એકાંત, શાંતિવાળું વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરો.
- 🌹સંબંધીઓ શુભેચ્છાઓ આપવા જઈને વિદ્યાર્થીનો સમય ન બગાડે તેની કાળજી રાખો.
- 🌹વધુ પડતી અપેક્ષાઓનું બિનજરૂરી ભારણ બાળક પર નાખશો નહીં.
- 🌹તમારા બાળકની ક્ષમતા તમે જાણો છે, તેથી વધુ આશા ન રાખો.
- 🌹બાળકને વારંવાર ટોક-ટોક ન કરો.
-🌹 નેગેટિવ બાબતો વારંવાર કહી તેને માનસિક ત્રાસ ન આપો.
- 🌹બાળકને ખોટા પ્રશરાઈઝ ના કરો.
- તેના માર્ગદર્શક બનો, મિત્ર બનો.

👉 *પરીક્ષા પછીનો ઍક્શન પ્લાન*

-✌🏻 ધો. 10 ના વિદ્યાર્થીઓએ વાલી સાથે વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહ લેવા બાબતે નિખાલસ ચર્ચા કરવી જોઈએ.
- ✌🏻ધો. 12 ના વિદ્યાર્થીઓએ ત્યાર બાદ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે વિચારવું જોઈએ
-✌🏻 વર્તમાનપત્રમાં આવતાં શૈક્ષણિક સમાચારો નિયમિત રીતે વાંચવા જોઈએ.
-✌🏻 જે તે અભ્યાસક્રમ બાબતે તેની માન્યતા પ્રાપ્ત વેબસાઈટ પરથી માહિતી મેળવો.
-✌🏻 જો લાગુ પડતું હોય તો શિષ્યવૃત્તિ અંગેની વિવિધ જાહેરાતો અને વેબસાઈટનો ઉપયોગ કરો.
- ✌🏻કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં હાલની પરિસ્થિતિની સાથે તે કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેની સ્થિતિ કેવી હશે તેને અનુરૂપ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
- તમારા અન્ય મિત્રોનું આંધળું અનુકરણ ન કરતાં પોતાની ક્ષમતાને આધારે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.

🙏🏻સર્વે પરીક્ષાર્થી મિત્રોને પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી શકો તે mate *વસીમ લાંડા* તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ....🙏🏻

બહેન યાદ આવી??

બહેન યાદ આવી??

ખરેખર વાંચવા જેવું !!

ઉનાળાની બળબળતી બપોરે એક
ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ
જામી હતી. તાપથી રાહત
મેળવવા બધા પોતાના મનપસંદ
ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક
ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને
વિખરાયેલા વાળ વાળી છોકરી જાત
જાતના પીણા પી રહેલા આ લોકોને
ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર
ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક
બોલાવી પણ
છોકરી ત્યાં આવવામાં સંકોચ
અનુભવતી હતી. કદાચ એના ગંદા અને
ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન
માણસો પાસે જતા અટકાવતા હશે આમ
છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ?
" છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ
ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ
સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર
આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ
છોકરીના હાથમાં આવ્યો અને એ
તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર
રહેલા કાજુબદામને જોઇ રહી. એણે
પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત
કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ
પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે."
આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ
પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ
તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે
પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને
એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક
કરી દોને. ગમે તે
કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે."
દુકાનવાળા ભાઇને છોકરી પર
થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને
કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે
અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું
કરવુ છે? "
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને
કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે
મારે નાનો ભાઇ છે એને
આવી લસ્સી કેદી પીવા મળશે ?
મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ
કરી આપોને ભાઇ ! "
છોકરીના આટલા શબ્દોએ
ત્યાં ઉભેલા દરેક
પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે
બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.
મિત્રો, પોતાના ભાગનું કે
પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન
પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે
આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું
તો આપણે કંઇક ઓળવી નથી જતાને ?
જરા તપાસજો.

સારુ લાગે અને ગમે તો શેર કરવાની કરવાની છુટ છે...!!