15 May 2015

આઇન્સ્ટાઇનની ગુરુદક્ષિણા

ભારતના ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ અને જર્મનીમાં વસતા વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન વચ્ચે ગાઢ સબંધ હતો.
સત્યેન્દ્રનાથ બોઝે પોતાના ગુરુ આઇન્સ્ટાઇનની અનુમતિ મેળવીને એમના સાપેક્ષવાદ વિશેના લેખોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક પ્રગટ કર્યું હતું.
સત્યેન્દ્રનાથે એક બ્રિટિશ સામયિકે અસ્વીકૃત કરેલો લેખ આઇન્સ્ટાઇનને મોકલી આપ્યો અને આઇન્સ્ટાઇને એ લેખને અમૂલ્ય અને સીમાચિહનરૃપ ગણાવ્યો.
૧૯૨૫-'૨૬માં સત્યેન્દ્રનાથ બોઝે તૈયાર કરેલો એક લેખ આઇન્સ્ટાઇને સ્વયં જર્મન ભાષામાં અનુવાદિત કર્યો હતો. સત્યેન્દ્રનાથ બોઝ બર્લિન ગયા, ત્યારે આઇન્સ્ટાઇને એમને ઉમળકાભેર આવકાર્યા હતા અને બર્લિનમાં પ્લાંક, શ્રોડિંજર,પાઉલી, હેઝનબર્ગ જેવા ભૌતિકવિજ્ઞાાનીઓ સાથે મુલાકાત કરાવી હતી.
આઇન્સ્ટાઇન પોતાની જિંદગીના પાછલા સમયમાં 'યૂનિફાઈડ ફિલ્ડ થિયરી' પર સંશોધન કરતા હતા.
સત્યેન્દ્રનાથ બોઝે એક સંશોધનલેખ તૈયાર કર્યો, જેમાં આઇન્સ્ટાઇનના એ સિદ્ધાંતની વિવેચના કરવાની સાથોસાથ એમણે એમની અનેક ધારણાઓનો ખુલાસો કર્યો હતો. સત્યેન્દ્રનાથ આ લેખ આઇન્સ્ટાઇનને બતાવવાના હતા અને એમની સાથે વિચારવિમર્શ કર્યા બાદ વિશ્વસમક્ષ પ્રસ્તુત કરવાના હતા, પરંતુ સત્યેન્દ્રનાથ બોઝ આઇન્સ્ટાઇનને મળે તે પહેલાં એમને જાણ થઈ કે ગુરુતુલ્ય આઇન્સ્ટાઇનનું અવસાન થયું છે.
આ સાંભળી સત્યેન્દ્રનાથ મૂર્છિત થઈ ગયા અને જ્યારે એ બેહોશીમાંથી બહાર આવ્યા, ત્યારે એ તમામ શોધપત્રો નષ્ટ કરી દીધા.
આ શોધપત્રો પોતાના ગુરુના આઇન્સ્ટાઇનના સિદ્ધાંતની વિવેચના પર હતા અને આથી એમની સહમતિ વિના એને પ્રકાશિત કરવા એ ગુરુનું અપમાન ગણાય. બૌદ્ધિક દ્રષ્ટિએ કે સંશોધનની દ્રષ્ટિએ સત્યેન્દ્રનાથનું આવું પગલું ઉચિત ન લાગે, પણ એમના મનમાં આઇન્સ્ટાઇન પ્રત્યે અપાર શ્રધ્ધા હતી. જો આ સંશોધનપત્રો આઇન્સ્ટાઇનની અનુમતિ વિના પ્રકાશિત થઈ ગયા તો સત્યેન્દ્રનાથ બોઝની કીર્તિ સવિશેષ ફેલાઈ હોત, પણ એ સંશોધનપત્રો નષ્ટ કરીને સત્યેન્દ્રનાથ બોઝે આઇન્સ્ટાઇનને અનુપમ ગુરુદક્ષિણા આપી.