7 June 2015

ઘરમાં કામ કરાવવું પતિ માટે સહજ હોવું જોઇએ.

"દીકરી મારી દોસ્ત" માં નીલમજી દોશી એમની દીકરી ઝીલને ઉદ્દેશીને લખે છે:
"બેટા, સ્ત્રી પુરુષ સમાનતાનો આ યુગ છે. એ વાત જોકે સાચી છે. આજે સ્ત્રી શિક્ષિત બની છે, ઘરની બહાર કામ કરતી થઇ છે. પણ તેથી નારીવાદનો ઝંડો લઇને ફરવાની કોઇ જરૂર નથી. સદીઓનાં ઊંડાં ઉતરેલ મૂળ અચાનક સાવ જ મૂળિયાથી ઊખડી નહીં જ શકે. એને સમય લાગશે જ. એનો સ્વીકાર કરવો જ રહ્યો. એને ચર્ચાનો કે સ્વતંત્રતાનો મુદ્દો બનાવવાથી જીવનનાવ વમળમાં ફસાઇ શકે છે. હા, પત્ની બહાર કામ કરતી હોય ત્યારે પતિ ઘરના કાર્યમાં મદદરૂપ થાય એ ઇચ્છનીય જરૂર છે. અને કરાવવું પણ જોઇએ. સ્ત્રી બહાર કામ કરે એ જેમ આજે સહજ બની ગયું છે તેમ ઘરમાં કામ કરાવવું પણ પતિ માટે સહજ હોવું જોઇએ. પણ એ સ્નેહથી થાય તો જ... ક્યારેય એનો દુરાગ્રહ રાખીશ નહીં. એ મેન્ટાલિટી પરિપક્વ થતા સમાજને... પુરુષને સમય લાગશે જ. ત્યાં સુધી વિરોધ કરવાને બદલે જરૂર પડે તો સ્નેહથી સમજાવવાનો પ્રયત્ન જરૂર કરી શકાય. હકીકતે આજે દરેક માતા જો નાનપણથી જ પુત્રને પણ ઘરના નાનામોટા કામની આદત પાડે તો ભવિષ્યમાં આ પ્રશ્ન જ ઊભો ન થાય. અને ધીમે ધીમે સમાજમાં આમૂલ પરિવર્તન આવી શકે. બાકી ત્યાં સુધી જે પરિસ્થિતિ હોય તેનો હસીને સ્વીકાર કરવો એ જ ઉત્તમ ઉપાય છે."