27 June 2015

મનરુપી ઝરણું શાંત થાય એની રાહ જોવી જોઇએ.

ભગવાન બુધ્ધ ફરતા ફરતા એક જંગલમાંથી
પસાર થયા. એક વૃક્ષ નીચે આરામ કરવા
બેઠા અને તરસ લાગી હોવાથી આનંદને
પાણી લાવવા માટે આજ્ઞા કરી. આનંદ
પાણી લેવા માટે પાત્ર લઇને બાજુમાંથી
પસાર થતા ઝરણા પાસે ગયો. એણે જોયુ કે
હમણા જ એક બળદગાડુ આ ઝરણામાંથી
પસાર થયુ અને એનાથી ઝરણાનું પાણી
સાવ ડહોળાઇ ગયું.
આનંદ પાણી લીધા વગર જ પરત ફર્યો અને
એણે બુધ્ધની માફી માંગતા કહ્યુ, “ પાણી
સાવ ગંદુ થઇ ગયુ છે હું થોડે દુર પાણી ભરવા
માટે જાવ છું.” બુધ્ધે કહ્યુ, “ ના તારે દુર
નથી જવું એ જ ઝરણાનું પાણી ભરી લાવ”
એટલે આનંદ પાછો ગયો પણ પાણી ખરાબ
હોવાથી પોતાના ગુરુદેવ માટે આવું
પાણી લઇ જવાનું એને ના ગમ્યુ એ ફરી એમ
જ પાણી લીધા વગર બુધ્ધ પાસે પરત
ફર્યો.
બુધ્ધે કહ્યુ, “જો સાંભળ મારે એ જ ઝરણાનું
પાણી પીવું છે માટે તું ફરી ત્યાં જઇ અને
પાણી ભરી લાવ.“ આનંદ ત્રણથી ચાર
વખત આવ્યો અને ગયો પણ પાણી ખરાબ
જ હતું. હવે જ્યારે આનંદ પાણી ભરવા માટે
ગયો તો આશ્વર્યથી જોઇ રહ્યો. બધો
કાદવ બેસી ગયો હતો સડી ગયેલા પાન
પણ હવે તળીયે જતા રહ્યા હતા. પાણી
કાચની જેમ નિર્મલ થઇ ગયુ હતું.
આનંદ બુધ્ધ માટે પાણી ભરીને લાવ્યો
અને બુધ્ધને આ વાત કરી. બુધ્ધે આનંદ સામે
જોઇને કહ્યુ , " બેટા , આપણા જીવનરુપી
જલને પણ કુવિચાર રુપી બળદ રોજ ગંદું કરે છે
અને ત્યારે આપણે જીવનથી દુર ભાગીએ
છીએ. પરંતું ભાગવાને બદલે મનરુપી ઝરણું
શાંત થાય એની રાહ જોવી જોઇએ. જો
ધિરજ રાખીશું તો બધુ જ સાવ ચોખ્ખુ
દેખાશે બિલકુલ પેલા ઝરણાની જેમ !"
કુવિચારોથી જીવન ડહોળાય ત્યારે
પલાયન કરવાને બદલે જો ધિરજ
રાખવામાં આવે તો ડહોળ આપોઆપ નીચે
બેસી જશે.