5 June 2015

'જાઓ' અને 'ચાલો'નું પરિણામ.


વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા ખેડૂતે પોતાના બે દીકરાઓને સરખે ભાગે જમીન વહેંચવાનું નક્કી કર્યું. બંનેને સરખાં ખેતરો આપ્યાં અને એ ખેતરોમાં કામ કરતાં મજૂરો પણ સરખે સરખા વહેંચી આપ્યાં. વૃદ્ધ
ખેડૂતનો મોટો પુત્ર આળસુ અને કામચોર હતો. એને જાતે કામ કરવું સહેજે પસંદ નહીં, આથી એ મજૂરોને ખેતરમાં જઇને કામ કરવાનો હુકમ કરતો. પોતે નિરાંતે આરામ કરતો, પણ ખેતરનું કામ બીજાના ભરોસે
હોવાથી ધીરે ધીરે એની ખેતી બગડવા માંડી. અનાજની ઉપજ ઓછી થવા લાગી અને થોડા દિવસમાં તો મોટા દીકરાની આર્થિક દશા બગડી ગઇ. એ સાવ ગરીબ થઇ ગયો.
નાનો દીકરો અત્યંત પરિશ્રમી હતો. એ પોતાના મજૂરોની સાથે ખભે હળ નાખીને ખેતી કરવા જતો. સહુની સાથે મળીને વાવણી કરે. એના મજૂરો પણ માલિકને મહેનત કરતા જોઇને કામે લાગી જતા. એના ખેતરમાં ઉપજ વધવા લાગી. ઘણું અનાજ પેદા થતાં સારી એવી આવક થઇ અને સમય જતાં એ અતિ ધનિક બની ગયો.
વૃદ્ધ ખેડૂત બંને દિકરાઓની હાલચાલ જોતો હતો. એક દિવસ બંને દીકરાઓને બોલાવીને એમના ખબર પૂછ્યા, ત્યારે મોટા દીકરાએ કહ્યું, 'પિતાજી, મારી અવળી દશાની તો કોઇ વાત પૂછશો નહીં. તમે ખેતર આપ્યું, મજૂરો આપ્યા, છતાં નસીબ એવું વાંકુ કે આજે તો સાવ ચીંથરેહાલ ગરીબ થઇ ગયો છું.'
વૃદ્ધ ખેડૂતે એના નાના દીકરાને પૂછ્યું,
'તારી શી હાલત છે?'
ત્યારે એણે કહ્યું,'પિતાજી, તમારી કૃપાને કારણે મારી આવક સતત વધતી રહી છે. આજે બધી વાતે સુખી છું.'
વૃદ્ધ ખેડૂતે કહ્યું, 'જુઓ, મેં તમને બંને દીકરાઓને સરખો ભાગ વહેંચી આપ્યો હતો. તમારો એ ભાગ જ તમારું ભાગ્ય હતું. તમારા બંનેનું ભાગ્ય સરખું હતું, પરંતુ બંને વચ્ચે 'જાઓ' અને 'ચાલો' એટલો ભેદ હતો.'
'એટલે શું? પિતાજી, તમારી વાત સમજાઇ નહીં.'
વૃદ્ધ ખેડૂતે કહ્યું, 'તેં હંમેશા તારા માણસોને કહ્યું કે, 'જાવ કામ કરો.' 'ખેતર ખેડી આવો, અનાજ લઇ આવો' અને તારા નાનાભાઇએ મજૂરોને કહ્યું કે 'ચાલો, ખેતરે જઇએ, ચાલો હળ ચલાવીએ અને ચાલો, વાવણી કરીએ.' આ 'જાઓ' અને 'ચાલો'નું પરિણામ છે, સમજ્યો?'
🌹 કુમારપાળ દેસાઇ