13 June 2015

પ્રાણાયામ કરો આ રીતે



  પ્રાણાયામનું ઘણું મહત્ત્વ છે. આપણા ઋષિ મુનિઓની તે આપણને ઉત્તમ દેણ છે. પ્રાણાયામના જુદા - જુદા પ્રકાર હોય છે અને તે કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, મન પ્રફુલ્લિત રહે છે, એકાગ્રતા વધે છે તથા પ્રાણાયામથી શરીરના પ્રત્યેક અંગમાં ઓક્સિજન પહોંચીને આપણને સ્વસ્થતા બક્ષે છે.
ધ્યાન આપવા યોગ્ય બાબતો
* પ્રાણાયામ સૂર્યોદય પહેલાં ખાલી પેેટે કરો. પ્રાતઃ ૫.૩૦ સુધીમાં પ્રાણાયામ કરવા અવશ્ય બેસી જાઓ. કારણ કે આ સમયે હવા શુદ્ધ અને નિર્મળ હોય છે.
* સવારે જલદી ઊઠીને શૌચ - સ્નાન કરીને પ્રાણાયામ કરો તો ઠીક છે નહિતર મોં, હાથ, પગ ધોઇને એક ગ્લાસ પાણી પીને પ્રાણાયામ કરવા બેસો.
* પ્રાણાયામ કરતી વખતે વસ્ત્રો ઢીલા અને આરામદાયક હોવા જોઇએ જેથી પેટ સરળતાથી ફૂલી શકે.
* પ્રાણાયામ માટે ઊનના આસન પર  વજ્રાસન, સુખાસન અથવા પદમાસનમાં બેસો. જો નીચે બેસવામાં તકલીફ હોય અથવા ડોક્ટરે ના પાડી હોય તો ખુરશીમાં આગળની તરફ બેસો. પાછળ ટેકો લઇને બેસો નહીં.
* પ્રાણાયામ માટે ઘરની છત, પાર્ક, ઘરનો બગીચો, આંગણું જ્યાં પણ સ્વચ્છ હવા આવી રહી હોય ત્યાં બેસો. ગંદા કે દૂષિત વાતાવરણમાં ક્યારેય પ્રાણાયામ કરશો નહીં. પ્રાણાયામ માટે એવી જગ્યા પસંદ કરવી જોઇએ જ્યાં ધૂળ, માટી, પ્રદૂષણ તેમજ અવાજ ન હોય.
* શક્ય હોય તો પ્રાણાયામ એકાંતમાં કરો જેથી કોઇ જુએ, બોલે કે અવાજ કરે તો તમારી એકાગ્રતા ન તૂટે.
* પ્રાણાયામ વખતે બંને હાથ આગળની તરફ ઘૂંટણ પર જ્ઞાન મુદ્રામાં રાખો. તેનાથી સ્મરણ શક્તિ તીવ્ર થાય છે. તેના માટે બંને હાથના અંગૂઠાને તર્જની આંગળીએ સ્પર્શ કરો. બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો. તેનાથી માનસિક રોગ, ચીડિયાપણું, અનિંદ્રા વગેરે દૂર થાય છે.
* પ્રાણાયામ કરતી વખતે આંખોને કોમળતાથી બંધ રાખો. શરીરના કોઇ પણ અંગને તણાવમાં ન રાખશો. હાથ, પગ, પેટ, આંખો, મસ્તિષ્ક વગેરે બધાને તણાવમુક્ત રાખો. કમર તથા કરોડરજ્જુને એકદમ સીધી રાખો. મોં સીધું અને સામેની બાજુ રાખો.
* પ્રાણાયામ કરતી વખતે મોં બંધ રાખો. પ્રાણવાયુને ખૂબ જ ધીરે - ધીરે સહજતાથી નાક દ્વારા (પેટ નહીં) ફેફસાંને ખૂબ ફૂલાવીને છાતી સુધી ભરી નાખો. તેમજ ધીરે - ધીરે શ્વાસને છોડો.
* શ્વાસ અંદર લેતી વખતે અને બહાર કાઢતી વખતે મનમાં ઓમ શબ્દનું ઉચ્ચારણ કરો. જો ગણીને પ્રાણાયામ કરવાનો હોય તો તે કામ આંગળીઓ પર છોડી દો.
* પ્રાણાયામ સુખપૂર્વક કરો. જો શરીરમાં કોઇ કષ્ટ થઇ રહ્યું હોય તો પ્રાણાયામ રોકીને શ્વાસને નિયમિત કરો. થોડીવાર આરામ કરીને ફરી પ્રાણાયામ શરૃ કરો. એક વાતનું ધ્યાન રાખો કે શરીરને કષ્ટ પડતો હોય તેવી સ્થિતિમાં પ્રાણાયામ કરવો જોઇએ નહીં.
* નિત્ય પ્રાણાયામના સમયમાં થોડો થોડો વધારો કરો અને હંમેશા સાદું, પૌષ્ટિક, ક્ષારયુક્ત ભોજન કરો. વધારે તેલ, ઘી કે મસાલો ન ખાશો.
* ધૂમ્રપાન કરવંુ જોઇએ નહીં. આ વ્યસન તમારા શરીર, પૈસા અને ઘરને વેરવિખેર કરી નાખે છે.
પ્રાણાયામ કરવાની રીત
અનુલોમ વિલોમ
ડાબા નાકથી ધીરે - ધીરે પ્રાણવાયુને ફેફસાં અને છાતીમાં ભરી લો. જમણા નાકથી ધીરે - ધીરે શ્વાસને બહાર કાઢો, ફરી ડાબા નાકથી શ્વાસ લઇને જમણા નાકથી બહાર કાઢો. આ એક રાઇન્ડ થશે. તેને કરવામાં ત્રીસ સેકન્ડ લાગશે.  એક મિનિટમાં બે રાઉન્ડ ભસ્ત્રિકા પ્રાણાયામ કરો, તેમાં પંદર સેકન્ડમાં એક વાર પ્રાણવાયુ લેવાનો તથા છોડવાનો છે. એકદમ કોમળતાથી ફેફસાંમાં શ્વાસ ભરો અને બહાર કાઢો. એક મિનિટમાં ચાર વાર આ પ્રાણાયામ કરો. કપાલભાતિને એક સેકન્ડમાં એક વાર કરો એટલે કે એક મિનિટમાં સાઇઠ વાર કરો, પરંતુ તેનાથી વધારે નહીં.
ભ્રામરી પ્રાણાયામને પંદર સેકન્ડમાં એકવાર કરો એટલે કે એક મિનિટમાં ચાર વાર કરો.
આસન પર બેસ્યા પછી સૌથી પહેલાં ભસ્ત્રિકા પ્રાણાયામ કરો ત્યાર બાદ અન્ય પ્રાણાયામ કરો. તેનાથી નાડી શુદ્ધ થાય છે.
આ પ્રમાણે અન્ય પ્રાણાયામનો અભ્યાસ ઘડિયાળ જોઇને કરો. દસથી પંદર દિવસમાં તમને તેનો અભ્યાસ થઇ જશે. ત્યારબાદ ગણવાની કે સમય જોવાની જરૃર રહેશે નહીં.
સાવચેતી
* પ્રાણાયામ કર્યા પછી અડધો કલાક કશું જ ખાશો - પીશો નહીં અને સ્નાન પણ ન કરશો.
* હવા તીવ્ર હોય ત્યારે પ્રાણાયામ કરશો નહીં.
* ભોજન કર્યા પછીના ત્રણ કલાક સુધી પ્રાણાયામ ન કરશો.
* નિર્બળ, રોગી, ગર્ભવતી મહિલા, ભૂખ્યા - તરસ્યા વ્યક્તિએ પ્રાણાયામ ન કરવો જોઇએ.
* મોં ઢાંકીને અથવા બંધ રૃમમાં પ્રાણાયામ ન કરશો.