17 July 2015

બજરંગી ભાઈજાન વાર્તા.


ભારતીય રેલવે સ્ટેશન પર એક પાંચ વર્ષની પાકિસ્તાનની બાળકી તેની માતાથી અલગ પડી જાય છે. ભૂખ અને દુઃખની સ્થિતિમાં આ બાળકી પવનકુમાર ચતુર્વેદીના ઘરમાં આશ્રય મેળવે છે. પવન, હનુમાનજીનો ભક્ત છે અને પહેલવાનોના પરિવારમાંથી આવે છે. પછી પવન આ બાળકીને કઈ રીતે તેનાં માતા-પિતા સુધી પાકિસ્તાન પહોંચાડે છે તે સંઘર્ષની વાત છે. દિલ્હીના ચાંદની ચોક, પંજાબની હરિયાળી ભૂમિ, રાજસ્થાનનું રણ અને કાશ્મીરના પહાડો વચ્ચે થઈને પાકિસ્તાન પહોંચવાનો સંઘર્ષ જોવાલાયક બની રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવાશભર્યા સંબંધો તેમાં સરહદ પાર કરવાની મથામણ ફિલ્મમાં જોવા મળે છે. એક પાકિસ્તાની બાળકીને તેના દેશમાં પહોંચાડવા એક હિન્દુસ્તાની યુવાને કરેલા સંઘર્ષની ગાથા એટલે બજરંગી ભાઈજાન.

ડિરેક્શન અને સ્ક્રિપ્ટ:
અત્યાર સુધી કહેવાતું કે સલમાનની ફિલ્મમાં સ્ક્રિપ્ટની જરૂર નથી, પણ આ ફિલ્મ તેનાંથી અલગ છે. ફિલ્મની વાર્તા ઘણી સારી છે. ઉપરથી કબીર ખાન એક કસાયેલા ડિરેક્ટર છે. ડોક્યુમેન્ટરી ફિલ્મો બાદ 'કાબુલ એક્સપ્રેસ', 'ન્યૂયોર્ક' અને 'એક થા ટાઇગર' જેવી ફિલ્મો તેમણે બનાવી છે. સ્ટોરી અને ડિરેક્શન ઉપરાંત ફિલ્મનાં ચોટદાર સંવાદ અને ફૂલઓફ ઇમોશનલ ડ્રામા તમને પસંદ પડશે.

સિનેમેટ્રોગ્રાફી:
ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીરનું સૌંદર્ય કબીરે સુંદર રીતે દેખાડ્યું છે. એક સમયે તો આપને એવું જ લાગશે કે સાચા પાકિસ્તાનમાં જઇને આ શૂટિંગ કર્યુ છે કે શું. એક દર્શક તરીકે તમે ફિલ્મનાં સીન અને લોકેશનમાં ખોવાઇ જશો.

એક્ટિંગ:
આ ફિલ્મ સલમાનની જ છે તે તમે દરેક ફ્રેમમાં જોઇ શકો છો. એટલું જ નહિ ફિલ્મમાં તે એ રીતે બજરંગબલીનો ભગત બતાવવામાં આવ્યો છે કે આવતા વર્ષે ભાજપનો બ્રાન્ડ એમ્બેસેડર બની જાય તો નવાઇ નહીં. તેમાં પણ સલમાનની એક્ટિંગ અને ફિલ્મી સ્ટોરી એટલી ચોટદાર છે કે આ ફિલ્મ તેની અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ ગણી શકાય. તેણે આ ફિલ્મમાં ઘણી જ સુંદર અને એફર્ટલેસ એક્ટિંગ કરી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી તેનાં બેસ્ટ પર્ફોર્મન્સ માટે જાણીતો છે અને તેને તે આપ્યું છે. એક પત્રકારની ભૂમિકા તેને 100 ટકા અદા કરી છે. નવાઝની ડાઇલોગ ડિલિવરી તમારા ચહેરા પર મુસ્કાન લાવી દેશે. બંને એક્ટર્સની જોડી જામે છે. કરિના કપૂર ફિલ્મમાં ખૂબ જ સુંદર લાગે છે.

ટ્રમ્પ કાર્ડ હર્ષાલી:
ફિલ્મમાં તેની ક્યૂટનેસ તમારા મનમાં વસી જશે. આટલી નાની ઉંમરે તેણે જે રીતે એક બોબડી બાળકીનો રોલ અદા કર્યો છે તે વખાણવાલાયક છે. તેની પ્રેમાળ મુસ્કાન અને બોલતી આંખો જ બધી એક્ટિંગ કરાવી લે છે.

મ્યુઝિક:
આજ રંગ હૈ... અને લે લે રે સેલ્ફી... તેમજ અદનાનની કવ્વાલી... બધા જ ગીતો મજેદાર છે અને લોકોનાં મોઢે ચઢી જાય તેવાં છે. ડિસ્કોથેકથી માંડીને ઓટોરિક્ષા સુધી બધા જ વગાડે તેવાં ગીતો છે.

કેમ જોવા જવી?
મનોરંજનથી ભરપૂર આ ફિલ્મ ભારત-પાકિસ્તાનની વાર્તા છે. સલમાનની લાંબા સમય બાદ દમદાર સ્ટોરીલાઇન સાથેની ફિલ્મ. નવાઝની મજેદાર એક્ટિંગ. અને હર્ષાલીને જોવા તમારે થિયેટર સુધી જવું જ જોઇએ.

કેમ ન જોવી?
સોરી, તેની માટે કોઈ જ કારણ નથી. જો તમારી પાસે સમય ન હોય તો ન જતાં.