11 August 2015

કોણ કહે છે કે શિયાળ લુચ્ચું પ્રાણી છે?

સરસપુર ગામમાં એક સાધુ રહેતા હતા. ગામની બહાર ઝૂંપડી બાંધીને રહેતા હતા. પ્રાણીઓ પ્રત્યે તેને ખૂબ લાગણી હતી. ઘાયલ પ્રાણી કે પક્ષીને જોવે તો પોતાની ઝૂંપડીમાં લઈ આવે અને તેમની સેવા કરે. એક વખત શિયાળાની રાત્રે તેમની ઝૂંપડીનું બારણું કોઈએ ખખડાવ્યું. સાધુએ જોયું તો સામે એક શિયાળ ઉભું હતું. શિયાળ માણસ જેવી ભાષામાં બોલતું હતું. તેણે સાધુને કહ્યું, 'મહારાજ... મને આજની રાત અહીં રહેવા દેશો? બહાર બહુ ઠંડી છે.'

સાધુ તો હતા જ દયાળુ. તેણે તરત શિયાળને ઝૂંપડીમાં લઈ લીધુ અને ત્યાં સૂવાની જગ્યા આપી. પછી તો લગભગ રોજ એ શિયાળ સાધુ પાસે આવવા લાગ્યું અને રાતે ત્યાં સૂવા લાગ્યું. બન્ને વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ.

એક દિવસ સાધુ ખૂબ બીમાર પડયા. દવા લાવવાના પૈસા તો ક્યાંથી હોય? શિયાળ ખૂબ દુઃખી થઈ ગયું તે રોજ રાત્રે સાધુ ઊંઘી જાય પછી બહાર જતું. થોડીવાર પછી પાછું આવીને સૂઈ જતું. સાધુને તો કંઈ ખબર પણ ન પડતી. થોડા દિવસ પછી સાધુ સાજા થઈ ગયા.

થોડા દિવસ પછી શિયાળ બીમાર પડયું, સાધુને ચિંતા થઈ. શિયાળે કહ્યું તમે ખૂબ દયાળુ છું. મને આટલા દિવસ તમારી સાથે રાખીને, મને તમારો દોસ્ત બનાવીને ઉપકાર કર્યાે છે. હું તમને શું આપી શકું? પણ મારાથી બનતો પ્રયત્ન કરીને તમારા માટે કંઈક ઝૂંપડીના માળિયામાં મૂકયું છે. તમારા ઘડપણમાં તમને કામ લાગશે. સાધુએ માળિયામાં જઈને જોયું તો તે આશ્ચર્યથી ચકિત થઈ ગયા. માળિયામાં સોનાના કણોનો ઢગલો પડયો હતો. સાધુએ તરત શિયાળને પૂછયું, તું આ બધુ ક્યાંથી લાવ્યો?

શિયાળ બોલ્યું, 'મહારાજ મેં તમારાથી આ વાત છૂપાવી એટલે મને માફ કરજો. પણ નદીની સામે બાજુ સોનાની ખાણ છે, ત્યાં ખાણની આજુ-બાજુ સોનાના કણો પડેલા હોય છે. હું રોજ રાત્રે તમે ઊંઘી જા પછી નદીમાં થઈને ત્યાં જતો ત્યાંની ધૂળમાં આળોટતો જેથી સોનાના કણ મારા શરીરે ચોટી જતા પછી નદીમાંથી આવવાને બદલે હું પર્વત પર ચઢીને ઉતરીને આવતો. પછી ઝૂંપડીમાં આવી, માળિયામાં ચઢીને મારા શરીરને જોર-જોરથી હલાવતો જેથી સોનાના કણ અહીં પડી જતાં. મહારાજ હવે તમારે ચિંતા કરવાની જરૃર નથી. કોઈ પાસે કંઈ માંગવાની જરૃર નથી. આ સોનામાંથી તમે ઘડપણમાં શાંતિથી જીવી શકશો.'

શિયાળનો પ્રેમ જોઈને સાધુની આંખ ભીની થઈ ગઈ. તેમણે શિયાળને ઉંચકી લીધું અને કહ્યું, માણસો વચ્ચે પણ આવી લાગણી નથી હોતી. આ પૈસા પર તારો હક્ક છે. આપણે બન્ને મિત્રો સાથે રહીશું.

સાધુ અને શિયાળ હંમેશાં સાથે જ રહ્યાં. કોણ કહે છે કે શિયાળ લુચ્ચું પ્રાણી છે?