25 August 2015

ગ્રુપ એડમિન તથા સભ્ય તરીકે મારી તો વિશેષ જવાબદારી છે.

શૈક્ષણિક ગ્રુપ અને એ પણ શિક્ષકોનું હોય, ત્યારે એમાં અમુક ધારણાઓ અપેક્ષિત જ હોય. મારા ખ્યાલ મુજબ અહીં શું ન મૂકવું,, એ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર ન પડવી જોઈએ. એ જ તરહ પર શું મૂકવું, એની સૂચના પણ ન આપવાની હોય – કેમ કે એક શિક્ષકમાં આવી વિવેકબુદ્ધિ અને સમજણ હોય જ.
વોટ્સ અપ એ એક અદભુત મંચ છે, જ્યાં માહિતી આપનારનો પાર નથી. જરૂર હોય છે, ગ્રહણકર્તાઓની. આંગળીઓના ટેરવે માહિતીનો સમુદ્ર હિલ્લોળા લેતો હોય છે. પણ આ સુવિધા નિ:શુલ્ક છે, એટલે ચાલો વોટ્સ અપ વોટ્સ અપ રમીએ, એ વલણ નુકશાનકારક છે. આપણને અલ્લાદિનનો જાદુઈ ચિરાગ મળી જાય અને આપણે ચિરાગ ઘસીને તોસ્તાન જીનને જોક્સ કે અંધશ્રદ્ધા વહેંચવાના કામ પર વળગાડી દઈએ, એવો ટ્રેજીકોમિક ઘાટ સર્જાય છે.
આવું બને ત્યારે એની આંચ અનેકને અકળાવે છે.
આપણે આ ગંદી રમતનો ભાગ કે ભોગ ન બનીએ. આ ગ્રુપમાં શું કરવું જોઈએ, એની દિશાઓ તો સાવ ખુલ્લી જ છે, તો પણ શું કરી શકાય, શું ન કરી શકાય, એની આછી પાતળી યાદી વહેંચું છું.
આ લખું છું, ત્યારે મારે એક વાત કહેવી છે કે મારો આશય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો તો નથી જ. પણ આપણા આ ઘરને ઝેરી હવાઓથી બચાવવું પણ એટલું જ જરૂરી છે. જે પણ આ ગ્રુપમાં જોડાયા છે, એમને બકવાસ કે અતાર્કિક મેસેજીસથી બચાવવાની આપણા સૌની ફરજ છે, ગ્રુપ એડમિન તરીકે મારી તો  વિશેષ જવાબદારી છે.
કોઈ પણ જાતિ કે ધર્મને નિશાન પર ચડાવનારા સંદેશાઓ કદાપિ ન મૂકવા.
‘હું આમ કહેવા નહોતો માંગતો’ કે પછી ‘મારે આ કહેવું હતું, આ નહીં’ એવી શર્મસાર ભુમિકામાં આપણને મૂકી દે, એવા કોઈ પણ લખાણથી આપણે દૂર રહીશું. 
ફોરવર્ડ મેસેજ પોસ્ટ કરતાં પહેલા શક્ય હોય તો મેસેજનું પુનરાવર્તન તો નથી થતું ને?, એ જોવાનું ચુકીશું નહીં.
આપણે સૌ શિક્ષકો છીએ, તો પણ જે પોસ્ટ મૂકીએ, એની ભાષા ગરિમાપૂર્ણ તો હોવી જ જોઈએ.
આ ગ્રુપ અહીંના સૌ મિત્રોનું છે, એટલે આપણા ઘરમાં આવકારવા જેવી વ્યક્તિઓના નંબર હોય તો અવશ્ય મોકલવા. જેથી આપણો પરિવાર વિસ્તારી શકીએ. સાથે સાથે એક વાત એ પણ કહેવી જોઈએ કે એમ જ ટોળું વધારવામાં આપણને કોઈ રસ નથી. જે પણ વ્યક્તિ ઉમેરાય, એ ઘરના રંગમાં ભળી જાય,, તો એમના આગમનનો અર્થ સરે.
ગ્રુપનું એક સન્માનનીય સ્તર કાયમ સલામત રહેવું જોઈએ, એની સાથે છેડછાડ કરવાની છૂટ કોઈને પણ ન હોય.
આ ગ્રુપ એક જ ધર્મ પાળનારા લોકોનું છે : એ ધર્મનું નામ છે :- શિક્ષકધર્મ. શિક્ષકત્વની ઓળખ  પર જ બધા મિત્રોને સાથે રાખ્યા છે. એ ઓળખથી વધીને કશું જ ન હોઈ શકે, ન જ્ઞાતિ, ન સમાજ કે ન ધર્મ.
સૂચનો હંમેશા આવકાર્ય રહેશે.
                                                               
હાલ તો આટલું જ.
                                                                     ભરતકુમાર.