7 August 2015

“મનની સેલ્ફી”

“મનની સેલ્ફી”

મને એમ કે આ મન ખૂબ જ સુંદર છે ! 
અરે તે જ તો કહ્યું તું કે “તોરા મન દર્પણ કહેલાયે ..”
એટલે જ થયું ચાલ મનની સેલ્ફી લઉં ! 
પણ આ શું મનની સેલ્ફી લીધા પછી ....! 
અરે ..અપલોડ કરતા પહેલા ચકાસી જોયું !
તો....!
મન મનસ્વીપણાથી છલોછલ હતું !
દંભના દાવાનળથી દઝાયેલુ લાગતું હતું !
ઉમળકો તો હતો પણ શુષ્ક શુષ્ક !! જે સતત ચાડી ખાતો હતો !
ગર્વ પર ઘમંડનો મેકઅપ સાફ સાફ દેખાઈ આવતો હતો !
અજાણતા કરેલા અપરાધનો ભય ઉપસેલો હોય એવો ભાસ થતો હતો !
ઋજુતાભરી સરિતાનો પટ સાવ કોરોકટ હતો !
લાગણી મોહની માયાજાળનો ભોગ બનેલી દેખાઈ !
બણબણ કરતી હતી અદેખાઈની બગઈ !
ક્રોધ સતત ઉકળી રહ્યો હતો !
ભ્રમનો ભમરો ગુંજારવ કરવાને બદલે અટ્ટ હાસ્ય કરતો હતો !
ષડયંત્રનો આતંકી મનની વાડમાં ઘૂસવાની ફિરાકમાં હતો !
ઓહ ! નો !....આટલું ઝેર ભર્યું છે આ મનમાં ?
નથી અપલોડ કરવી દોષથી ભરેલા કહેવાતા સુંદર “મનની સેલ્ફી”
ને મીચાઈ ગઈ આંખો !