5 September 2015

જીવન છે એટલે સમસ્યાઓ અને પ્રશ્નો રહેવાના જ છે.

એક શિક્ષક પીરીયડ લેવા માટે વર્ગખંડમાં દાખલ થયા. શિક્ષકને જોતા જ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા કારણકે એ શિક્ષક વિદ્યાર્થીઓના સૌથી પ્રિય શિક્ષક હતા. શિક્ષકના હાથમાં એક પાણી ભરેલો ગ્લાસ હતો. આ ગ્લાસ વિદ્યાર્થીઓને બતાવીને પુછ્યુ," આ ગ્લાસનો વજન કેટલો હશે ? "બધા વિદ્યાર્થીઓએ જુદા-જુદા જવાબો આપ્યા. શિક્ષકે બીજો પ્રશ્ન પુછ્યો, " આ ગ્લાસને હું થોડી મીનીટ મારા હાથમાં પકડી રાખુ તો શું થાય ? " એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, " સર, આટલા નાના ગ્લાસને થોડીવાર પકડી રાખવાથી કંઇ જ ન થાય."સાહેબે આગળનો સવાલ પુછ્યો, " હું આ ગ્લાસને થોડા કલાક માટે પકડી રાખુ તો ? " બીજા એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, " સર, તો પછી તમારા હાથમાં દુ:ખાવો શરુ થાય." શિક્ષકે વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ આગળ ચલાવતા કહ્યુ, " પણ, હું આ ગ્લાસને આખો દિવસ પકડી રાખુ તો ? " એક છોકરો ઉભો થઇને બોલ્યો, " સર તો પછી તમને દવાખાનેદાખલ કરવા પડે." છોકરાનો જવાબ સાંભળીને આખો ક્લાસ હસી પડ્યો.શિક્ષકે કહ્યુ, " આ સમય દરમિયાન ગ્લાસના વજનમાં કોઇ વધારો થાય ?" એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો , "ના સર, ગ્લાસનું વજન ન વધે પણ એને પકડી રાખવાથી હાથનો દુખાવો વધે.આ દુ:ખાવામાંથી મુક્ત થવુ હોય તો ગ્લાસને હાથમાં પકડી રાખવાના બદલે ટેબલ પર મુકી દેવાય"શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યુ, " દોસ્તો, જીવનમાં આવતી સમસ્યાઓ આ ગ્લાસ જેવી જ છે જો એને પકડી રાખીએ તો દુ:ખાવો સતત વધતો જાય અને જો એને નીચે મુકતા શીખીએ તો રાહત થાય."મિત્રો, જીવન છે એટલે સમસ્યાઓ અને પ્રશ્નો રહેવાના જ છે. આ સમસ્યાને થોડો સમય પકડી રાખીએ ત્યાં સુધી વાંધો નહી આવે પણ જો યોગ્ય સમયે નીચે મુકતા નહી આવડે તો દુ:ખી થવા સીવાય બીજો કોઇ ઉપાય નથી