20 December 2015

હું મારા બા-બાપુજી ભેગો રહુ છુ


એક શાળામાં શિક્ષક એમના વિદ્યાર્થીઓ સાથે કુટુંબભાવના પર વાતો કરી રહ્યા હતા. પરિવાર માટે વડીલોએ કરેલા સમર્પણની વાતો સાંભળવામાં વિદ્યાર્થીઓને પણ ખુબ મજા આવી રહી હતી.
શિક્ષકે બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પુછ્યો , " તમારામાંથી જેટલા વિદ્યાર્થીઓના દાદા-દાદી એમની સાથે રહેતા હોય એ જરા પોતાનો હાથ ઉંચો કરો. " વર્ગના એકાદ બે વિદ્યાર્થીઓને બાદ કરતા બધાના હાથ નીચે હતા. એક વિદ્યાર્થીએ શિક્ષકને ફરીયાદ કરતા કહ્યુ, " સર, આ વિજય મારી બાજુમાં જ રહે છે અને મને ખબર છે એમના દાદા-દાદી એમની સાથે જ રહે છે તો પણ એ હાથ ઉંચો નથી કરતો. "
શિક્ષકે વિજયને ઉભો કરીને પુછ્યુ, " બેટા, તારા દાદા-દાદી તમારી સાથે રહે છે ? " છોકરાએ નમ્રતાપૂર્વક કહ્યુ, " ના, સર. મારા દાદા-દાદી અમારી સાથે નથી રહેતા. " બીજા છોકરાએ કહ્યુ, " સર, વિજય ખોટું બોલે છે. હું એનો પાડોશી છું અને મને ખબર છે કે એના દાદા-દાદી એમની સાથે જ રહે છે."
શિક્ષકે વિજયને કહ્યુ, " બેટા, દાદા-દાદી સાથે રહેતા હોય એ તો સારી વાત છે તો પછી તું કેમ ના પાડે છે. " વિજયે કહ્યુ , " સર, મારા દાદા-દાદી અમારી સાથે નથી રહેતા પણ અમે બધા મારા દાદા-દાદીની સાથે રહીએ છીએ. મને ગર્વ છે કે હું અને મારો પરિવાર અમારા દાદા-દાદી સાથે રહીએ છીએ. "

  મિત્રો, બા - બાપુજી મારા ભેગા રહે છે એમ નહી પરંતું હું મારા બા-બાપુજી ભેગો રહુ છુ એમ કહેવુ જોઇએ કારણકે આપણી એવી કોઇ હેસીયત નથી હોતી કે આપણે મા-બાપને આપણી સાથે રાખી શકીએ.