29 January 2016

લાયકાત અને સ્વધર્મ પ્રમાણે કામ કરતા રહીએ તેમાં છે ગૌરવ અને આનંદ

🌸લાયકાત અને સ્વધર્મ પ્રમાણે કામ કરતા
રહીએ તેમાં છે ગૌરવ અને આનંદ🌸

નાનકડા રજવાડા પર પડોશના મોટા
સામ્રાજયે ચડાઈ કરી. રજવાડું હારી ગયું.
તેના રાજાની કતલ થઈ, પણ રાજાનાં
સંતાનોને વફાદાર નોકરોએ બચાવી
લીધાં. સંતાનોને જુદાં જુદાં સ્થળે મૂકી
આવવાની નોકરોએ વ્યવસ્થા કરી.
રાજાની સૌથી નાની દીકરીને વફાદાર
દાસી ગામડાના એક ખેડૂતને ત્યાં મૂકી
આવી. પછી તે દાસી વનમાં ચાલી ગઈ.
રાજાની દીકરી ખેડૂતને ત્યાં ખેડૂતની
દીકરી તરીકે ઊછરીને મોટી થઈ. એ
પોતાને ખેડૂતની દીકરી જ માનતી અને એ
પ્રમાણે જ કામ કરતીઃ ઘાસ વાઢતી,
નીંદામણ કરતી, ધાન લણતી, શાકભાજી-
પાલો અને ફળફૂલ ચૂંટતી.
વર્ષો પછી પેલી દાસી વનમાંથી પાછી
ખેડૂતને ત્યાં આવી તેણે જોયું કે રાજાની
દીકરી પોતાને ખેડૂતની દીકરી માની
ખેતીનાં કામો કરે છે. વૃધ્ધ થઈ ગયેલી
દાસીએ છોકરીને પૂછયું, ‘‘બહેન, તું જાણે છે કે તું
કોણ છે?’’
છોકરીએ જવાબ આપ્યો, ‘‘હું ખેડુતની છોકરી
છું અને ખેતીનાં બધાં કામ કરું છું.’’
વૃધ્ધા બોલીઃ ‘‘ નહીં, નહીં, એ સાચું નથી.
તું ખેડૂતની દીકરી નથી. તું તો રાજાની
કુંવરી છે.’’ વૃધ્ધાએ છોકરીને માંડીને બધી
વાત કરી. તે પછી વૃધ્ધા પાછી વનમાં
ચાલી ગઈ.
આ ઘટના પછી છોકરી કામ તો એનું એ જ
કરતી રહી, પણ એના કામમાં હવે નવા
પ્રકારનું ડહાપણ હતું. પોતે રાજાની કુંવરી
છે એ જાણ્યા પછી એ ગૌરવપૂર્વક કામ
કરતી થઈ હતી. તેનું માથું ઉન્નત રહેતું અને
એની આંખમાં નવી ચમક આવી.
પોતાનો સાચો મોભો જાણ્યા પછી
કામ ભલે એને એ જ કરતા રહીએ, પણ એ
કામમાં આનંદનો અનુભવ થાય છે. આપણે
વેઠિયા છીએ એમ સમજી કામ કરતા રહીએ
ત્યારે કામનો ભાર લાગે છે, કામમાં આનંદ
મળતો નથી. જયારે જ્ઞાન થાય કે આપણે
સૌ ઈશ્વરનાં સંતાન છીએ, રાજાઓના
રાજાની પ્રજા છીએ ત્યારે આપણી અને
આપણા કામની કિંમત સમજાય છે. કોઈ કામ
મોટું નથી ને કોઈ નાનું નથી. ઈશ્વરે જે
સામાજિક સ્થાન અને મોભો આપ્યો છે તે
પ્રમાણે કામ કરવાનું છે. આપણી લાયકાત
અને સ્વધર્મ પ્રમાણે કામ કરતાં રહીએ એમાં
ગૌરવ અને આનંદ છે.