〰〰〰〰〰〰〰
🌷શિક્ષણ સેતુ🌷
〰〰〰〰〰〰〰
🌷પ્રેરક પ્રસંગ વાર્તા🌷
ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીને જેટલો પ્રેમ એના રાજ્યની પ્રજા પર હતો એટલો જ પ્રેમ પર્યાવરણ પ્રત્યે પણ હતો. મહારાજા સાહેબે ગોંડલમાં 'કૈલાસબાગ' નામનો એક વિશાળ બગીચો બનાવેલો જેમા તમામ પ્રકારના ઔષધિય વૃક્ષો અને ફળ-ફુલ વાવેલા. ભગવતસિંહજી આ બગીચાની ખુબ માવજત કરાવતા અને રોજ બગીચાની મુલાકાત લેતા.
એકવખત ભગવતસિંહજીના સૌથી નાના કુંવર નટવરસિંહ બગીચામાં રમવા માટે આવેલા. કેળાની એક સરસ લુમ જોઇને નટવરસિંહે બગીચાના માળીને કહ્યુ કે મને આ લુમ ઉતારી આપો મારે જોઇએ છે. બગીચાના માળીએ કુંવરને સમજાવતા કહ્યુ, " કુંવર સાહેબ, મહારાજાની આજ્ઞા છે કે એમની મંજૂરી વગર કોઇ ફળ ફુલ તોડવા નહી માટે મને માફ કરજો હું આપને એ કેળાની લુમ નહી આપી શકુ. એકવખત મહારાજા સાહેબની મંજૂરી મળી જાય એટલે હું આપને આ કેળાની લુમ ચોક્કસ આપીશ."
રાજકુમાર ના સાંભળવા માટે ટેવાયેલા નહી આથી ખુબ ગુસ્સે ભરાયા અને માળીના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. એણે માળીને કહ્યુ, " તું જેની મંજૂરી લેવાની વાત કરે છે એ તારા મહારાજા મારા બાપુ છે અને હું કહુ છું કે મને કેળાની લુમ આપ. માળીએ કેળાની લુમ કાપીને કુંવરને આપી."
સાંજે જ્યારે મહારાજા ભગવતસિંહજી ફરવા માટે બગીચામાં આવ્યા ત્યારે એની ચકોર નજર પારખી ગઇ કે બગીચામાંથી કેળાની એક લુમ ગાયબ છે. એણે આ બાબતે માળીને પુછ્યુ ત્યારે માળીએ સવારે બનેલી બધી જ વાત વિગતે મહારાજા સાહેબને કહી સંભળાવી. મહારાજે માળીની વાત સાંભળ્યા પછી તુરંત જ માળીને કહ્યુ, " હું માત્ર નટવરસિંહનો જ નહી ગોંડલ રાજયની તમામ પ્રજાનો બાપુ છું. હું તમારો પણ બાપુ છું અને તમને તમાચો મારીને કુંવરે ભૂલ કરી છે. જો તમે ઇચ્છો તો કુંવર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી શકો છો એને ચોક્કસપણે સજા કરવામાં આવશે."
માળી પોતાના મહારાજાનો આ પ્રેમ જોઇને ભાવવિભોર થઇ ગયો.
🌺 બોધ-
આજની આ લોકશાહીમાં પ્રજાનું લોહી ચુસનારા રાજકારણીઓને જોઇએ છીએ( માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ આમાં અપવાદ હોય છે ) ત્યારે એમ થાય છે કે આવી લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી શું ખોટી જ્યાં રાજકુવરને પણ એક સામાન્ય નાગરિક ગણવામાં આવતો હોય.
💲🔚🔚🔚🔚🔚💲