8 May 2016

હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું.

દીકરી દાંપત્યનો દીવડો,
ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.

હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે
પ્રેમ કરું છું.

જાણો છો કેમ ?

એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું
અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું :

પપ્પા, તમે રડો નહીં...
તમે રડો છો તેથી મને
પણ રડુ આવે છે .

આજે પણ હું બીમાર હોઉં અને
એ સાસરેથી મળવા આવે છે
ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે
પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે.
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી.
દીકરી વીસ-બાવીસની થાય
ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય
પ્રેમની આદત પડી જાય છે. દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની
રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે.
અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.
જોતજોતામાં દીકરી મોટી થઈ
જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળ નેત્રે એ કહે છે :

"પપ્પા, હું જાઉં છું... મારી ચિંતા કરશો નહીં.. તમારી દવા બરાબર લેજો.."

અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી.

કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે :
સંસાર છોડીને સંન્યાસી બનેલા
અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?

એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં.
દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું
હતું :

આજપર્યંત મેં કદી ભગવાનને
પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના
સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ
કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે.

ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ
મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !

એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને
રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન
થયા હોય !.

હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી :

અગર તમારા ઘરમાં
દીકરી ના હોય તો પિતા - પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.

દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે
પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી..