18 June 2016

ફરી ગુરુ થા... આજે તુ ભાગીશ તો કાલે તારા વર્ગખંડના વિદ્યાર્થીને મારી જેમ ભાગવું પડશે...


ચોરઃ અલા માણસ આમ કાં ભાગે છે? જો મારી પાછળ બે ગામની પોલીસ પડી છે. તો પણ હું કેવો શાંતીથી ચા પીઊ છુ.... માણસઃ અરે તારી પાછળ ખાલી બે ગામની પોલીસ પડી છે... મારી પાછળ આખેઆખા રાજયના IAS અધિકારીઓ.. આરોગ્ય અધિકારીઓ.. મામલતદાર.. નેતાઓ..મંત્રીઓ... અને બીજા કેટલાય પાછળ પડ્યા છે... તું પકડાતો હોઇશ તો તને ખબર હશે કે શેની સજા થઇ છે? અમને તો એ પણ ખબર નથી કે અમને કઇ વાતની સજા મળે છે? દર વરસે અમને ન્યાયના દરબારમાં કઠેડામાં ઊભા કરે છે... દર વરસે અમે નિર્દોષ હોવાના પુરાવા રજૂ કરીએ છીએ... પરંતુ ન્યાય મળે એ પહેલા તો બીજા મુકદમા અમારા પર ઠોકી દેવાય છે... અને અમે આખુ વરસ ફરી નિર્દોષ હોવાના પુરાવા શોધતા રહીએ છીએ... તું ચોરી કરતો હોઇશ તો તને એકને જ સજા મળતી હશે.. અમારા તો 40- 50,000 માંથી થોડાક આળસુ છે..કામચોર છે... તો પણ સજા માત્ર એ થોડાક નહી આખી નાત ભોગવે છે.. આખીયે દુનિયાની નજર એ 240 દિવસ પર નથી પડતી જ્યારે અમે વફાદાર પશુની જેમ કામ કરીએ છીએ.. પણ "મામા વેકેશન" નું મ્હેણું સાસુની જેમ આખો સમાજ અમને માર્યા કરે છે... જાણે અમે વેકેશન નથી ભોગવી રહ્યા ચોરીછુપીથી કોઈ ખોટુ કામ કરી રહ્યા હોય... અરે એક વાર અમારી વાત રજૂ કરવાની તક મળે તો અમને ખબર જ છે અમારા શબ્દોની ધારદાર તરવાલથી કોઇ બચી શકે એમ નથી... પણ મૌન છીએ કારણકે હજુ અમે અમારા હોદાનો મલાજો જાળવીએ છીએ....અમે મહાન છીએ એવા દાવા અમે નથી કરતા પણ અમારા પર વિશ્વાસ ન કરવો એવી વાત કરીને તમે ખરેખર અમારી નિષ્ઠાને ઠેસ પહોચાડી છે.. જો પાયા પર વિશ્વાસ નહી રાખો તો ઈમારત કેમ ચણશો?
ચોર: અરે માણસ.. તું તો ગળગળો થઇ ગયો.. તું કોણ છે? તારું કામ શું છે?
માણસઃ હું? હું પહેલા ગુરુ હતો.. એમાંથી મને શિક્ષક કર્યો.. એમાંથી સહાયક કર્યો.. એમાંથી પ્રવાસી કર્યો.. હવે ભટકુ છું દિશા વિહીન... મારુ કામ?? મારુ કામ પહેલા વિદ્યા આપવાનું હતુ.. પછી શિક્ષણ આપવાનું થયુ.. પછી ગોખાવવાનું... હવે મારા વિદ્યાર્થીઓ મને વર્ગખંડમાં શોધે છે.. પણ હું તો હવે પ્રવાસી થયો... કયાં મળીશ હું ખુદ નથી જાણતો...
ચોર:ભલા માણસ... તું એક કામ કર... તું તારા આદર્શ એક બાજુ મુક.. ને તને આપે એ કામ કર્યા કર..
માણસ: એ જ તો અમને નથી ખબર કોને શું જોઇએ છે??
કોઇ કહે વાંચન..
કોઇ કહે લેખન..
કોઇ કહે ગણન...
કોઇ જુએ પેપર..
કોઇ જુએ કસરતના દાવ..
કોઇ રમતને આપે માન..
કોઇ મેદાનમાં રમતા જોઇ ચડાવે નાક..
કોઇ તો વળી મંડપ વિના આવે નહી ને કુલર વિના બેસે નહી...
ને આઇસક્રીમ આરોગ્યા વીના જાય નહી...
કયારેક તો એમ થાય અમે પ્રવેશોત્સવ ઊજવીએ છીએ કે કોઇનો લગ્નોત્સવ... ગુણોત્સવ ઊજવીએ છીએ કે ગુણગાન ગાવાનો ઊત્સવ....
આ બધુ નથી સમજાતુ એટલે ભાગુ છું... ભાગુ છું....
ચોર: અરે પોલીસની જીપ આવી.. ચાલ હું પણ તારી સાથે ભાગું...
માણસ: મારી સાથે?? ના.. ના.. તારું ને મારું ભાગવાનું કારણ જૂદું .. હું તારી સાથે ન ભાગુ...
ચોર: કારણ.?? કારણ એક જ સરખુ છે... વિશ્વાસ મારા ઊપર પણ નથી... વિશ્વાસ તારા ઊપર પણ નથી... છે????? ચલ ચોર છુ પણ એક સલાહ આપુ છુ... ભાગવાનું બંધ કર નહીતર અવિશ્વાસી ની જેમ તને ચોર કહેતા પણ નહી ખચકાય આ લોકો... અહીં જ ઊભો રહે ને પાછો વળ... સામનો કર... ને ફરી ગુરુ થા... આજે તુ ભાગીશ તો કાલે તારા
વર્ગખંડના વિદ્યાર્થીને મારી જેમ ભાગવું પડશે... શંકરની જેમ ઝેર પીવુ પડે તો પીજે.. પણ તું અડીખમ રહેજે... તું પાયો હતો ને રહેવાનો આ સમાજનો... કોઇ વિશ્વાસ કરે કે ન કરે.. તું તારામાં વિશ્વાસ રાખજે...