20 July 2016

અનિતીથી પેદા થયેલા અન્નનો દાણો જ્યારે શરિરમાં જશે ત્યારે અંદર રહેલા માણસને મારી નાંખશે એ નક્કી છે.

મહાભારતનું ભિષણ યુધ્ધ ચાલી રહ્યુ હતુ. અર્જુને પોતાના બાણોથી ભિષ્મપિતાને ઘાયલ કર્યા હતા અને પિતામહ બાણશૈયા પર ઘાયલ થઇને પડ્યા હતા. પિતામહને મળવા માટે પાંડવ અને કૌરવ બંને પક્ષના લોકો જતા હતા અને પિતામહ પાસેથી એમના અનુભવનું જ્ઞાન લેતા હતા.

એકદિવસ પાંચ પાંડવોની સાથે દ્વૌપદી પણ પિતામહને મળવા માટે ગઇ. બધા ઉભા-ઉભા ભિષ્મની વાતો સાંભળી રહ્યા હતા. પિતામહ બધાને જીવન મૂલ્યો અંગે વાતો કરી રહ્યા હતા. બધા જ એકચિતે આ વાતો સાંભળી રહ્યા હતા એવામા દ્વૌપદી ખડખડાટ હસી પડી. જીવનમૂલ્યોની ગંભીર વાતો ચાલતી હતી અને દ્રૌપદી હતી એટલે બધાને આશ્વર્ય થયુ.

પિતામહે દ્રૌપદીને પુછ્યુ, " બેટા, તું સંસ્કારી કૂળની પુત્રવધુ છો આમ અકારણ હસવુ કેમ આવ્યુ ? " દ્વૌપદીએ કહ્યુ, " માફ કરજો પિતામહ પણ મને મારા વસ્ત્રાહરણનો એ દિવસ યાદ આવી ગયો. આજે આપ કેવી ડાહીડાહી વાતો કરો છો પણ તે દિવસે તમારી જીભ ક્યાં ચાલી ગઇ હતી જ્યારે તમારી આ દિકરીની આબરુ ભરસભામાં લૂંટાઇ રહી હતી? "

ભિષ્મએ કહ્યુ, " બેટી, હું ત્યારે દુર્યોધનનું અન્ન ખાતો હતો. અનેક લોકોને દુ:ખી કરીને, રંજાડીને અનિતીથી એકઠુ કરેલુ એ અન્ન ખાઇને મારા વિચારો પણ ભ્રષ્ટ થઇ ગયા હતા. મારી અંદરનો માણસ મરી ગયો હતો."

દ્રૌપદીએ તરત જ કહ્યુ, " પિતામહ, તો પછી આ મરી ગયેલો માણસ આજે અચાનક કેમ જીવતો થઇ ગયો." ભિષ્મએ ચહેરા પર સ્મિત સાથે કહ્યુ, " બેટા, અનિતીથી ભેગા કરેલા અનાજના એક એક ટુકડામાંથી બનેલુ લોહી આ બાણશૈયા પર સુતા પછી ટીપે ટીપે વહી ગયુ છે અને એટલે જ મારામાં રહેલો માણસ ફરીથી જીવતો થયો છે."

મિત્રો, અનિતીથી પેદા થયેલા અન્નનો દાણો જ્યારે શરિરમાં જશે ત્યારે અંદર રહેલા માણસને મારી નાંખશે એ નક્કી છે.