મેચિંગની જિદ 👱👱૩.૧૧ વર્ષની જિનાઃ....
ગઇકાલે જિનાનું હાફપેન્ટ ભૂલથી ધોવામાં નાખ્યું. અને હાફપેન્ટ ભીનું થયેલું જોઇ એ કજિયે ચઢી.
તું મમ્મી, પૂરું સાંભળતી નથી.
ઘણું સમજાવી પણ એક જ રટ, મારે ટી-શર્ટના મેચિંગનું એ જ હાફપેન્ટ પહેરવું છે.
એને સમજાવવું લોઢાના ચણા જેવું થઇ પડ્યું.
એની નક્કામી જિદથી મિલન પણ થાક્યો. ઘરનું વાતાવરણ તંગ થઇ ગયું.
આખરે મેં નમતું જોખ્યું, એ હાફ પેન્ટને પહેલાં સૂકવીને એને પહેરાવ્યું તો તત્કાળ મિલનને પણ ખરાબ લાગ્યું.
રાત્રે જિનાને વાર્તા દ્વારા સમજાવ્યું અને એ માની પણ ગઇ.
મિલન સાથે જિનાની ગેરહાજરીમાં વિગતે વાત કરી કે મેં જિદ માની કારણકે ભૂલ આપણી હતી.
મિલનઃ ‘આપણી ભૂલ?, આપણે એને આવી ખોટી જિદ કરતાં શીખવ્યું છે?’,
અને આપણી વાત થઇ છે કે એની કોઇ ખોટી જિદ સામે નમતું નહિં જોખવાનું.
મેં કીધું. બધી વાત સાચી.
આપણી એ ભૂલ છે કે આપણે એને
૧) ‘મેચિંગ’ જ પહેરાય.
૨) કોઇ આવે તો ટીપ-ટોપ જ દેખાવું એવું શીખવ્યું છે.
૩) નાઇટ ડ્રેસમાં શાળાએ ના જ જવાય.
(હજુ યુનિફોર્મનું બંધન નથી તોય આપણાં ઘણાં બંધનો છે.)
૪)રવિવારે ગેસ્ટ આવવાના હતાં. એનો મૂડ રમતનો હતો તોય આપણે બેઉએ એને ધરાર નવા કપડાં પહેરાવેલાં.
જે વાક્યો આપણે એને આવા પ્રસંગોએ કહીએ છીએ એજ બધું એ ગઇકાલની જિદમાં બોલી રહેલી.
ટીપ ટોપ રહેવાનું, મેચિંગ પહેરવાનું વગેરે એ શાળાએ જતી થશે અને જેટલું વધુ બહારની દુનિયાના સંપર્કમાં આવશે એટલે પોતાની મેળે જ શીખી જ જશે.
આપણે એનાં કપડાં સ્વચ્છ હોય એની પૂરતી કાળજી રાખવાની. એને જે પહેરવું હોય એની પાસે છે એમાંથી જાતે પસંદ કરીને પહેરે.
આપણે બીજા સામે આપણી દીકરીનો વટ પાડવામાં ગર્વ અનુભવીએ છીએ પણ એ ખોટું છે.
બીજાની સામે વટ પાડવામાં આપણે એનો મૂડ કે એની ઇચ્છા કશાનું માન નથી રાખતાં.
ભવિષ્યમાં એ પણ આપણી સાથે એવું જ કરશે. બીજાની સામે એનો વટ પડે એવા મમ્મી-પપ્પા આપણામાં શોધશે અને આપણું દિલ અજાણતાં દુભાશે. જેમ આપણે એને દુનિયાદારી શીખવીએ છીએ. એમ એ આપણને શીખવશે.
દેખાદેખી આપણે અજાણતાં જ શીખવી રહ્યાં છીએ.
અને નક્કી થયું કે પાંચ-સાત વરસની થશે પછી આવી બહારી વાતો પર જરુર જણાશે તો ફોકસ કરીશું.