12 October 2016

ચમચાગીરી કે દાદાગીરી કરનાર ક્યારેય આચાર્યગીરી ન કરી શકે.

ખરી આચાર્યગીરી કોને કહીશું? આચાર્ય પાસે સત્તા છે, તો સામર્થ્ય પણ હોવું જોઈએ. સત્તા અને સામર્થ્યનો સુમેળ શૈક્ષણિક સિદ્ધિ સરળતાથી હાંસલ કરાવી શકશે. શાળાનું વાતાવરણ કૌટુંબિક બનાવવાની જવાબદારી અને આવડત આચાર્યગીરીના મહત્ત્વનાં લક્ષણ ગણી શકાય. શાળાસંકુલમાં લોકશાહીભર્યું વાતાવરણ જ શિક્ષકોને તન-મનથી કામ કરવા પ્રેરશે. કોઈપણ નિર્ણયમાં શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીની સહભાગિદારિતા કામની સફળતાનો આંક ઊંચે લઈ જશે. તેવી માત્ર માન્યતા જ નહીં પણ વિશ્વાસ અપાવે તે આચાર્યગીરી છે. પોતાના નિર્ણયમાં વિશ્વાસ રાખવો અને રખાવવો તે આચાર્યગીરી છે. અહીં મક્કમતા અને ધીરજ પણ ઉપયોગી થઈ પડશે. નિયમથી નિરાધાર બનાવ્યા કરતાં પ્રેરણાથી પ્રોત્સાહિત કરવાથી પરિણામ મળશે. શિક્ષકો શું નથી કરતાં તેના બદલે શું કરે છે તેની નોંધ લઈ વધારે પ્રોત્સાહિત કરી માર્ગ ચીંધનાર આચાર્ય-આચાર્યગીરી કરી રહ્યો છે તેમ કહેવાય.

આચાર્યની જવાબદારી માત્ર વહીવટની જ હોત તો સરકાર આચાર્યના બદલે સી.એ. થયેલ કે એમ.બી.એ. થયેલ વ્યક્તિની વહીવટદાર તરીકે નિમણૂક કરી શકી હોત. પણ તેમ ન કરતાં દસ વર્ષના શૈક્ષણિક કાર્યના અનુભવ પછી જ આચાર્યની જવાબદારી સોંપવામાં આવે છે તેની પાછળનો હેતુ સમજીએ એ આચાર્યગીરીનું લક્ષણ છે. શાળા સંચાલકોની ચમચાગીરી કરતો આચાર્ય ક્યારેય આચાર્યગીરી કરી ન શકે. ચમચાગીરીએ આચાર્યગીરીની શોક્ય છે. વર્ગમાં વિદ્યાર્થી સાથે ચર્ચા કરતો આચાર્ય જેટલો શોભે છે તેટલો ઓફિસમાં બેસીને શિક્ષકોને તતડાવતો નથી શોભતો. આચાર્યગીરી કરતા આચાર્યને ખબર હોય છે કે શાળા પાસે શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીની શી અપેક્ષા છે. શાળામાં લેવાતા નિર્ણયો પોતાને પસંદ આવે તેવા નહીં, પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીને પસંદ આવે તેવા લેવાતા હોય છે. શાળામાં ક્યારે રજા રાખવી, કયો સમય રાખવો, કઈ પ્રવૃત્તિ કરવી વગેરે બાબતો આચાર્ય નહીં, પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ નક્કી કરે અને તેનો અમલ આચાર્ય કરાવે તે ખરી આચાર્યગીરી છે. શાળા આચાર્ય દ્વારા ચાલે છે, પણ આચાર્યને કારણે નથી ચાલતી. કોઈ પણ શાળાના વિકાસનો આધાર જે તે શાળાના કર્મચારીગણ, વિદ્યાર્થી અને વાલી પર અવલંબે છે. શાળા માટે શિક્ષકો અને વાલી પાસેથી ધાર્યું કામ પ્રેમ અને નિષ્ઠાથી કરાવવું તે આચાર્યગીરી છે. શિક્ષકોને ‘તમે આમ કરો’ એમ નહીં પણ ‘આપણે આમ કરીએ’ કહેનાર આચાર્યપદને ખરું શોભાયમાન કરે છે. શિક્ષકો માટે શૈક્ષણિક સગવડતાઓ ઊભી કરી વર્ગ અને શાળામાં શૈક્ષણિક વાતાવરણ સર્જનાર વ્યક્તિ જ આચાર્ય પદ માટે લાયક છે. તમે કેમ મોડા આવ્યા? તમે વર્ગમાં સમયસર કેમ ન ગયા? પગારબિલ કેમ મોડું મોકલાવ્યું? ઘંટ સમયસર કેમ ના વગાડયો? તિજોરીની ચાવી અહીં કેમ નથી? વગેરે બાબતો જોવા અને કરાવવા આચાર્ય નથી. આવી નોંધ તો ગ્રેજ્યુએટ થયેલ કોઈ પણ વ્યક્તિ સારી રીતે કરી શકે. તે માટે એક શિક્ષકને મિટાવીને આચાર્યનું સર્જન કરવાની જરૂર નથી. મોટાભાગે એવું જોવા મળે છે કે, શિક્ષક તરીકેના અનુભવને કારણે જ આચાર્ય બનેલ વ્યક્તિ આચાર્ય બન્યા પછી શિક્ષક મટી જતો હોય છે. જ્યાં જ્યાં આવું થાય છે ત્યાં ત્યાં સ્વાર્થ, કિન્નાખોરી, આળસ, કામચોરી, ઈર્ષ્યા જેવી અનેક બહેનપણીઓ રાજ કરવા લાગે છે. જેમાં માનવસંબંધો કથળે છે, આચાર્ય હાંફે છે, સંચાલકો ડરે છે અંતે શાળા મરે છે. સાચી આચાર્યગીરી કહેવામાં નહીં પણ કરવામાં છે. કહી બતાવે તે નહીં, પણ કરી બતાવે તે સાચી આચાર્યગીરી. શિક્ષકો કે વિદ્યાર્થીને વાંચવાની સલાહ આપનાર આચાર્ય સારા લેખ કે પુસ્તકો વાંચીને તેની નકલ કે રેખાંકિત વાક્યો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપે તે આચાર્યગીરી છે.

ગાંધીજી બીજા પાસે જે અપેક્ષા રાખતા હતા તેનો અમલ તેઓ પોતે પહેલા કરતા હતા. માટે જ ગાંધીગીરી સફળ થઈ. તો આચાર્યએ પણ શિક્ષકો કે વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખતા પૂર્વે તેનો અમલ કરી બતાવવો જોઈએ. તો જ તેની આચાર્યગીરી સફળ થશે. ચમચાગીરી કે દાદાગીર કરનાર ક્યારેય આચાર્યગીરી ન કરી શકે. ગાંધીજીની જેમ આચાર્યએ પણ લોકશાહી-સ્વતંત્રતામાં વિશ્વાસ રાખીને શાળાના માનવસમૂહને એક કરી ટીમવર્કથી કામ લેવું પડશે. ભાગલા પાડો અને રાજ કરો જેવી અંગ્રેજ નીતિ શાળામાં ક્યારેય સફળ થઈ નથી અને થશે નહીં. પટાવાળા પાસે ચા મંગાવવી તે આચાર્યગીરી નથી. પણ પોતાના કપમાંથી અડધી ચા પટાવાળાને પીવડાવવી તે આચાર્યગીરી છે. શાળા માટે દરેક વ્યક્તિનું અને તેના કામનું મહત્ત્વ અને ગૌરવ છે, તે સ્વીકારીને પ્રોત્સાહિત કરનાર આચાર્ય આચાર્યગીરી કરી શકે. કાયદા અને કારસ્તાનમાં માનનાર આચાર્યગીરીનો સ્પર્શ ક્યારેય ના કરી શકે. જેના દિલ અને દિમાગમાં શિક્ષણ, શાળા, શિક્ષકો, સમાજ હોય તે જ આચાર્યગીરીની સાચી સુગંધ માણી શકશે. રડાવે-ડરાવે તે નહીં પણ જમાડે તે આચાર્યગીરી છે. અંતે ફરીથી એકવાર ચમચાગીરી કે દાદાગીરી કરનાર ક્યારેય આચાર્યગીરી ન કરી શકે.