22 October 2017

અભણ અને ગામડીયા લોકોની વાત પણ માનવા જેવી હોય છે.

એક તળાવમાં એક ખુબ બુધ્ધિશાળી માછલી રહેતી હતી. એની બુધ્ધિ પ્રતિભાને કારણે તળાવના બધા જ જળચરો આ માછલીની આજ્ઞા મુજબ વર્તતા હતા. એક દિવસ બે માછીમારો આ તળાવ પાસેથી પસાર થયા. તેઓ વાત કરી રહ્યા હતા કે આ તળાવમાં ઘણી બધી માછલીઓ છે અને તળાવ બહું ઉંડું પણ નથી તો આપણે કાલે અહિંયા માછલીઓ પકડવા માટે આવીશું.

આ સમાચાર વાયુ વેગે આખાય તળાવમાં ફેલાઇ ગયા. બધા ચિંતામાં ફફડવા લાગ્યા અને પેલી બુધ્ધિશાળી માછલીની સલાહ લેવા માટે એકઠા થયા. બુધ્ધિશાળી માછલીએ તો એટલું જ કહ્યુ કે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી હું બેઠી છું. હું અનુભવી છું અને મને ખ્યાલ છે કે આ માછીમાર માત્ર વાતો જ કરશે કાલે અહિંયા નહી આવે.

એક સામાન્ય દેડકાએ બુધ્ધિશાળી માછલીની આ વાતનો વિરોધ કરતા કહ્યુ કે આપણે આવનારી મુશ્કેલી સામે લડવા માટે તૈયાર રહેવું જોઇએ. હું તો કહુ છું કે થોડા સમય માટે નદીના નાના પ્રવાહમાંથી આપણે બીજા તળાવમાં જતા રહીએ. અમુક દિવસ પછી પાછા આવી જઇશું.

બુધ્ધિશાળી માછલીએ દેડકાનું અપમાન કરીને નીચે જ બેસાડી દીધો. બાકીના બધા જલચરોએ પણ માછલીની વાત સાંભળી. દેડકો તો સાવ એકલો થઇ ગયો પણ વધું દલીલ કરવાને બદલે એ તો પોતાના પરિવારના સભ્યો સાથે બીજા તળાવમાં જતો રહ્યો.

બીજા દિવસે પેલા માછીમારો આવ્યા. જાળ પાણીમાં નાંખી અને બુધ્ધિશાળી માછલીની સાથે સાથે ઘણા બધા નાના-મોટા જલચરો જાળમાં ફસાઇ ગયા. માછીમારો આ જાળ લઇને દેડકો જે તળાવમાં સ્થળાંતર કરી ગયો હતો ત્યાંથી પસાર થયા. દેડકાએ આ જોયું ત્યારે દુખી થતા થતા એટલું જ કહ્યુ , " કાશ , મારા જેવા નાના પ્રાણીની વાત માની હોત " 

જેની પાસે વ્યવહારુ જ્ઞાન હોય એવા અભણ અને ગામડીયા લોકોની વાત પણ માનવા જેવી હોય છે. કેટલીકવાર વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી મેળવેલી ડોકટરેટની પદવી આવા અનુભવીઓ પાસે વામણી પુરવાર થાય છે કારણ કે તેઓ ઓછુ ભણેલા હોવા છતા વધુ ગણેલા હોય છે.