28 December 2017

ઝંડુ ભટ્ટે રાજ્યમાં આવેલા બરડાના ડુંગરના ખૂબ વખાણ કરતાં કહ્યું

એકવાર દરબારમાં ઝંડુ ભટ્ટે રાજ્યમાં આવેલા બરડાના ડુંગરના ખૂબ વખાણ કરતાં કહ્યું, જો આ ડુંગર પર થતી વનસ્પતિઓનો યોગ્ય ઉપયોગ અને વ્યવસ્થા થાય તો રાજ્યને ઓછામાં ઓછી વાર્ષિક પચીસ હજાર રૂપિયાની આવક થાય. બીજા દરબારીઓ સંમત ન થયા.પણ જામસાહેબને ભટ્ટજીમાં ભારે વિશ્વાસ હતો. તેથી તેમણે બરડા ડુંગરનો વહીવટ તેમને સોંપી દીધો. ભટ્ટજીએ જંગલખાતું શરૂ કર્યું. પોતાની યોજના મુજબ ધમધોકાર કામ શરૂ કર્યું. પરિણામે જામનગર રાજ્યને વાર્ષિક પચાસ હજાર રૂપિયાથીય વધુ આવક થવા લાગી. જામસાહેબે ખુશ થઇનેતેમનો પગાર પાંચસો કોરીનો કરી આપ્યો. થોડોક વખત બાદ જામસાહેબને એક ગૂમડું થયું. પહેલાં તો તેમણે તાત્કાલિક રાહત માટે દાક્તરી સારવાર લીધી. પરંતુ ફેર ન પડ્તાં ઝંડુ ભટ્ટને બોલાવ્યા. તેમણે પોતે બનાવેલી ખાસ દવા લગાડી.બે ત્રણ દિવસમાં જ જામસાહેબને રાહત થઇ ગઇ. રાજ્યના ખાસ દાક્તર માધવરાવે પણ ઝંડુ ભટ્ટની પ્રશંસા કરી ને ભટ્ટજીનો પગાર સાતસો કોરીનો થઇ ગયો. આમ છતાં ભટ્ટજી દાક્તરી-એલોપથી વિદ્યાનો હંમેશ આદર કરતા હતા. તેમણે કદી એ વિદ્યાને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો નથી. એ જમાનામાં પ્રજામાં રાજાની ભારે ધાક હતી. રાજાનો ખોફ લેવાની હિંમત કોઇ કરતું નહિ. પરંતુ ઝંડુ ભટ્ટજી જામસાહેબની નોકરી સ્વમાનપૂર્વક કરતા. પોતાના વૈદકના કામમાં જામસાહેબની કૃપા-અવકૃપાની તેઓ પરવા ન કરતા. સાચી વાત તે નીડરતાપૂર્વક કહી દેતા. ભટ્ટજીનું વર્ચસ્વ જેમ જેમ વધતું ગયું, તેમ દર્દી પ્રત્યેની તેમની કરૂણા પણ વધતી ગઇ.કાળજી પણ વધતી ગઇ. ગંભીર દર્દીને તેઓ આપમેળે જોઇ આવતા. દર્દીને દૂધ પર રાખતા અને દૂધનો ખર્ચ પોતે આપતા. ક્યારેક જરૂર પડે તો દર્દીને પોતાને ત્યાં તેડી લાવીને રાખતા. મફત સારવાર ઉપરાંત તેને જમાડતા પણ ખરા ! ઇ.સ. 1898માં પ્રભાશંકર પટ્ટણી બિમાર હતા,તેથી ભાવનગરના મહારાજાસાહેબે તેમને તેડાવેલા. તે વખતે ભટ્ટજી બંગલાની બહાર તંબૂ નખાવીને તેમાં રહેતા. કારણ કે અન્ય દર્દીઓ વિના સંકોચે તેમની પાસે આવી શકે. પ્રભાશંકર પટ્ટણીની સારવાર કરતાં બાકીના સમયમાં બેસી ન રહેતાં બની શકે તેટલા વધુ ને વધુ લોકોને પોતાનો લાભ આપતા. ઝંડુ ભટ્ટજીએ તેમના આયુષ્યકાળ દરમ્યાન સેંકડો-હજારો લોકોને સાજા કર્યા. પ્રજાની ખૂબ સેવા કરી. રાજ્યની અને રાજકુટુંબની પણ ખૂબ સેવા કરી. તેમણે જે ચિરસ્મરણીય કામ કર્યું તે રસશાળાની સ્થાપનાનું છે. જે જમાનામાં ઔષધ બનાવવા માટેની ફાર્મસીઓ હતી જ નહિ તે સમયે તેમણે આવી પહેલ કરી. વ્યાપારી ધોરણે દવાઓને બજારમાં મૂકીને તેનો પ્રજાને વ્યાપક લાભ આપ્યો. તેમની એ રસશાળા વિકસીને આગળ જતાં ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસ બન્યું, જે માત્ર દેશમાં જ નહિ પણ પરદેશમાં પણ આયુરવિજ્ઞાનના પ્રતિનિધિ તરીકે પહોંચ્યું,તેમની પાસે તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પણ વિદ્યાર્થીઓ તૈયાર થતાં સમગ્ર ગુજરાતમાં ફેલાયા અને આયુર્વેદ વિજ્ઞાનનો પ્રચાર થતો રહ્યો. ઝંડુ ભટ્ટજી જામનગર સુધરાઇ ના પ્રમુખપદે રહ્યા હતા. શહેરની સ્વચ્છતા, લોકોના આરોગ્યનાં અનેક કાર્યો કરતાં. જન્મમરણની નોંધનો રિવાજ દાખલ કર્યો. પોતે શુધ્ધ ભાર્તીય પ્રણાલિકાના આગ્રહી હોવા છતાં પશ્ચિમની સંસ્કૃતિનાં શુભતત્વોને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્વીકારવાની એમની તૈયારી હતી. આયુરવેદની પરંપરા જાળવવામાં તેમનું પ્રદાન ચિરસ્મરણીય રહેશે.