29 March 2018

ખાનગી અને સરકારી શાળાનું મૂલ્યાંકન ન કરશો.

વિદ્યાર્થી  પરીક્ષા અને  આત્મહત્યા  એ બે  વિકલ્પમાંથી  બીજો વિકલ્પ પસંદ કરે  તો  શિક્ષણ નિષ્ફળ  છે.


કેટલાય  પાણી વગરના કૂવા બધે  કહેતા ફરે  છે કે,  "હાલ શિક્ષણનો ઘણો  વિકાસ થયો  છે..... " મને  ગળું ફાળીને બોલવા દો  કે, "શિક્ષણનો  નહીં  કિંતુ   શિક્ષણ સંસ્થાઓનો વિકાસ થયો  છે."

          જયાં ત્યાં  જાહેરમાં  સરકારી પ્રાથમિક શાળાઓ અને ખાનગી પ્રાથમિક શાળાઓ વચ્ચે  સરખામણીઓ કરવામાં આવે છે. એક અર્ધ સત્ય વારંવાર ઉચ્ચારવામાં આવે છે... "સરકારી કરતાં ખાનગી શાળાઓનું શિક્ષણ ઘણું સારું છે." ચાલો,  એક સર્વે હાથ ધરીએ. તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં બેઠા -બેઠા જ સર્વે થઈ જશે. સર્વે માટેના વિધાનો નીચે મુજબ છે. આપણે સરખી રજીસ્ટર સંખ્યા ધરાવતી એક સરકારી શાળા અને એક ખાનગી શાળા લેવાની  છે.

1. બંને શાળામાં ભણતાં વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકની સરાસરી કાઢો.
2. બંને શાળામાં ભણતાં વિદ્યાર્થીઓના સામાજિક સ્ટેટસની સરાસરી મૂલવો.
3. બંને શાળામાં ભણતાં બાળકોના માતા -પિતાની શૈક્ષણિક લાયકાતની એવરેજ શોધી નાંખો.
4. બંને શાળાના અભ્યાસ કરતાં બાળકોના રહેઠાણના વિસ્તારોને મૂલવો.
5. બંને શાળાના બાળકો ઘરેથી કેટલી કેલેરીનું  ફૂડ ખાઈને આવે છે તેની સચોટ સરખામણી કરો.
6. બંને શાળામાંથી કઈ શાળાના, કેટલા બાળકો ઘરે આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ છે તે શોધો
7. બંને શાળામાંથી  કઈ શાળામાં, કેટલાં વિદ્યાર્થીઓ ચંપલ પહેર્યા વગર આવે છે તે પ્રામાણિકતાથી નક્કી  કરો.
8. બંને શાળામાં ભણતાં બાળકોની આજુબાજુ રહેતાં પાડોશીઓ મૂલવો. (ઉપર મુજબ )
9. બંને શાળામાં ભણતાં બાળકોના વાલીઓના વ્યસન બાબતે જાણકારી મેળવી મૂલયાંકન કરો.
10. બંને શાળામાં ભણતાં બાળકોના વાલીઓને સરેરાસ કેટલાં બાળકો છે ? તે ખોળો.
11. બન્ને શાળાના વિદ્યાર્થીઓમાં બિમાર પડવાની ટકાવારી સરખાવો.
12. બન્ને શાળાના બાળકોમાં માતા-પિતા દ્વારા વધારાનું શિક્ષણ પ્રાપ્ત કરતાં અને ટ્યુશન દ્વારા વધારાનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સરખામણી કરો.
13. બન્ને શાળામાંથી કઈ શાળાના શિક્ષકો બાળકો સાથે વધુ વિતાવી શકે છે? તેનું કારણ જાણો.

         સમાજને અને અધિકારીશ્રીઓને કહેવા દો કે, “ ઔડી અને સાઈકલની રેસ રાખીને પછી પાછળ રહી જતી સાઈકલને ગાળો ભાંડો છો, જો તમારે સ્પર્ધા જ કરવી છે તો બે ઔડી કાર વચ્ચે સ્પર્ધા કરાવો અથવા બે સાઈકલ વચ્ચે સ્પર્ધા કરાવો. થઈ જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી....”

           ગોખણપટ્ટી અને અનુભવજન્ય શિક્ષણ શું છે તે પણ જાણી લઈએ. નીચે દર્શાવેલ એક માત્ર પ્રશ્ન શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પૂછી જોજો.

* નાની/પીળી સક્કરટેટી ક્યાં થાય છે ?
એ. છોડ પર
બી. વેલ પર
સી. ક્ષુપ પર
ડી. ઝાડ પર

           સરકારી શાળાનું બાળક અનેક મુશ્કેલીઓ, દુ:ખો, ઝંઝાવાતો વચ્ચે શિક્ષણ પ્રાપ્ત કરે છે. ગુણોત્સવમાં આવનારનું સ્વાગત છે પરંતુ ઘેટા દૃષ્ટીથી ખાનગી અને સરકારી શાળાનું મૂલ્યાંકન ન કરશો.