13 May 2018

*પૈસા વાપરતા પહેલા કમાતા શીખો – આખી વાર્તા વાંચજો*

*પૈસા વાપરતા પહેલા કમાતા શીખો – આખી વાર્તા વાંચજો*
એક શેઠને ત્યાં લગ્નજીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો. શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા. શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા. દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો. પૈસાને પાણીની જેમ વાપરે. શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું મૂલ્ય તો સમજાવવું પડશે નહીતર ભવિષ્યમાં છોકરો બધી જ સંપતિ ખતમ કરી દેશે.

એકદિવસ શેઠે દિકરાને પોતાની પાસે બેસાડીને કહ્યુ, “બેટા, હું જે કંઇ કમાયો છું એ બધી જ સંપતિ તારી છે અને મારે એ તને જ સોંપવાની છે. પરંતું મારી એક શરત છે કે આ માટે તારે લાયક બનવું પડશે. તું તારી મહેનતથી એક રૂપિયો કમાઇને બતાવ તો મારી સંપતિ તને મળશે નહીતર હું બધી જ સંપતિ સદકાર્યો માટે કોઇ સંસ્થાને દાનમાં આપી દઇશ.”

બીજા દિવસે છોકરાએ એક રૂપિયાનો સિક્કો પિતાના હાથમાં મુક્યો અને કહ્યુ, “લો આ મારો કમાયેલો રૂપિયો”. શેઠે રૂપિયાને બારીમાંથી બહાર ફેંકી દીધો અને કહ્યુ, “મને ખબર છે કે આ રૂપિયો તું તારી મમ્મી પાસેથી લાવ્યો છે. આ રૂપિયો તારો નહી મારો કમાયેલો છે. મારે તો તારો પોતાનો કમાયેલો રૂપિયો જોઇએ છે.” ત્રીજા દિવસે છોકરાએ એની બહેન પાસેથી રૂપિયો લઇને શેઠને આપ્યો. શેઠે એ રૂપિયો પણ બહાર ફેંકી દીધો. ચોથા દિવસે છોકરાએ એના મિત્ર પાસેથી એક રૂપિયો ઉછીનો લઇને શેઠને આપ્યો તો શેઠે એ રૂપિયો પણ તારો કમાયેલો નથી એમ કહીને બારીમાંથી બહાર ફેંકી દીધો.

છોકરાને લાગ્યુ કે હું જ્યાં સુધી મારી મહેનતથી રૂપિયો નહી કમાવ ત્યાં સુધી પિતાજી મારો પીછો છોડવાના નથી એટલે પાંચમાં દિવસે સવારે વહેલો જાગીને તૈયાર થઇ કામની શોધમાં નીકળી પડ્યો. એક હોટલમાં એને સામાન્ય કામ મળ્યુ. આખો દિવસ કામ કર્યુ ત્યારે સાંજે હોટલના માલિકે છોકરાને મહેનતાણા તરીકે એક રૂપિયો આપ્યો.

ઘરે આવીને એણે હરખાતા હરખાતા એક રૂપિયાનો સિક્કો શેઠના હાથમાં મુક્યો. શેઠે તો રોજની જેમ સિક્કો બારીમાંથી બહાર ફેંકી દીધો. છોકરો તો લાલ પીળો થઇ ગયો. રોજ શેઠ સિક્કો બહાર ફેંકતા અને છોકરો જોયા કરતો પણ આજે તો એ બહાર જઇને સિક્કો પાછો લઇ આવ્યો. ગુસ્સા સાથે એણે શેઠને કહ્યુ, “આ રૂપિયો મારી જાત મહેનતનો છે. રૂપિયો કમાવા માટે મને કેવી તકલીફ પડી એની તમને શું ખબર પડે તમે તો સહજતાથી રૂપિયાને ફેંકી દીધો પણ આ રૂપિયો કમાવા માટે મેં આજે આખો દિવસ પરસેવો પાડ્યો છે.”

પિતાએ દિકરાના માથા પર પ્રેમથી હાથ પસવારતા કહ્યુ, “બેટા, તારો કમાયેલો એક રૂપિયો મેં બહાર ફેંકી દીધો તો તને કેટલુ દુ:ખ થયુ! તું મારી કાળી મજૂરીની કમાણી રોજ બહાર ફેંકી દે છે તો મને દુ:ખ નહી થતું હોય ?” છોકરાને પિતાની વાત હદય સોંસરવી ઉતરી ગઇ.

મિત્રો, પિતાજી પાસે સંપતિ હોય તો એ એની કમાયેલી છે. એની કમાયેલી સંપતિ જરૂરિયાત વગર વાપરવાનો આપણને સંતાન તરીકે પણ કોઇ અધિકાર નથી. પિતાજીએ રાત-દિવસના ઉજાગરા કરીને ભેળી કરેલી સંપતિ આપણે વગર જરૂરીયાતે પાણીની જેમ વાપરીએ તો એમનું હદય કેવું દુ:ખી થતું હશે ! પૈસા વાપરતા પહેલા કમાતા શીખીએ.