ચાલુ પ્રાર્થના એ બધાજ સ્ટાફની વચ્ચે બેય વાલી ને બે બે ખેંચી કાઢી ગાલ પર અને પછી કહ્યું..
વાર્તા :- “ વાત રમણીકલાલની”
લેખક :- મુકેશ સોજીત્રા
શનિવાર હોય તો સાત વાગ્યામાં અને બાકીના દિવસોમાં દસ વાગ્યે બીજા કોઈ નિશાળમાં આવે કે ના આવે બાકી રમણીકલાલ હાજર હોય!! નિશાળની તમામ ચાવીઓનો એક જુડો રમણીકલાલ પાસે હોય!! આવીને રમણીકલાલ આગવી ઢબે બાળકોને સુચના આપવા માંડે...!! સફાઈ કરાવવા માંડે!! સાવરણી કે સાવરણો ઘટતો હોય તો ગામમાંથી મંગાવી લે જોકે પછી એ આચાર્ય પાસેથી લઇ પણ લે!! પણ શાળામાં એ અચૂક હાજર જ હોય!! તમને એમ થશે કે રમણીકલાલ એ આ શાળામાં નોકરી કરતાં કોઈ કર્મઠ શિક્ષક્નુ નામ હશે!!! ના એવું નથી રમણીકલાલ આ શાળામાં મધ્યાહ્ન ભોજન સંચાલક છે.. શાળામાં ભણતા બાળકોને જમાડવા એ એનું મુખ્ય કાર્ય!! નિશાળની બાજુમાં જ અને નિશાળને અડીને જ એનો પાન મસાલાનો ધમધોકાર ચાલતો ગલ્લો.. ગલ્લાની સામે જ એનું મકાન!! મકાનની સામે નિશાળ!!
આચાર્ય અને એનો સ્ટાફ તો અગિયાર વાગ્યે આવી રહે ત્યાં સુધીમાં નિશાળ ચોખ્ખી ચણાક થઇ ગઈ હોય!! બધો સ્ટાફ આવી જાય એટલે રમણીકલાલ ઘરેથી ચા બનાવીને લાવે!! સ્ટાફને ચા પાય!! બે બહેનોને કોફી પણ પાય!! આચાર્ય અને બીજા બેને ૧૩૫ના મસાલાના એકેક ભીનો અને બેબે પાર્સલ એમ સાંજ સુધી ની વ્યવસ્થા કરી આપે.. અને પછી રમણીકલાલ પોતાના પાનના ગલ્લે જાય અને શિક્ષકો પોત પોતાના વર્ગખંડમાં જાય!! વર્ગખંડમાં સાહેબ પર અખંડ વિશ્વાસ ધરાવતા નિર્દોષ ફૂલડાં જેવા ભૂલકાઓ એમની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે!!
રમણલાલ તો શાળાના શિક્ષકો જ કહેતા બાકી આખું ગામ એને લગભગ રમણીયો જ કહેતું. બારમાં ધોરણમાં ત્રણ વાર ફેઈલ થવાથી નાછૂટકે ભણવાનું છોડી દીધેલ. તોય ગામ આખામાં સહુથી વધુ ભણેલ આ રમણીયો જ હતો એટલે પાનનો ગલ્લો કરેલ અને એમાં ગામમાં આવતા એક બે અધિકારી સાથે ઓળખાણ થઇ અને પછી મધ્યાહ્ન ભોજનમાં ઝંપલાવ્યું અને એને જામી ગયું.. ગામમાં શિક્ષકોને અને આચાર્યને સાચવી લે અને તાલુકામાં અધિકારીઓને એટલે રમણલાલને પ્રગતિમાં કોઈ જ વાંધો ના આવ્યો. અને વળી રમણલાલ સહુનો સાથ સહુનો વિકાસ એ સૂત્રમાં જ મૂળભૂત રીતે માનનારો હતો ને!!
કોઈ નવો શિક્ષક કે શિક્ષિકા આવે રમણલાલ એને તમામ પ્રકારની મદદ કરે!! ગામમાં મકાન ગોતી દે , ભાડું નક્કી કરી દે , તાલુકામાંથી ગેસ સીલીન્ડર નું ગોઠવી દે, રેશન કાર્ડ નું ગોઠવી દે, ગેસ સીલીન્ડર જો તાલુકા માં અવેઈલેબલ ના હોય તો મધ્યાહ્ન ભોજનમાંથી ઘરનું સીલીન્ડર કાઢીને પણ આપી દે આવો પરગજુ અને પરોપકારી આત્મા એટલે રમણલાલ!! સેવાની વૃતિ તો એની રગેરગમાં દોડતી જ હોય!!
શાળાના આચાર્ય બેચરભાઈ સાથે એનો ખરો જીવ મળી ગયેલો!! ગામમાં આ બેયની દોસ્તીના મોફાટ વખાણ પણ થાતા!! લોકો રમણલાલ અને બેચરભાઈને કૃષ્ણ અને સુદામાની જોડી કહેતા હતા!! બેય ભેગાને ભેગા હોય!! આ પ્રાથમિક શાળાના આચાર્ય બેચર ભાઈ જો નિશાળમાં ના હોય તો એ નક્કી રમણલાલ ના ગલ્લે જ હોય અને જો રમણલાલ ગલ્લે ના હોય તો નક્કી એ આચાર્યની સાથે આચાર્ય ઓફિસમાં જ હોય !! એવી ગામલોકો અને સ્ટાફ ને ગળા સુધી ખાતરી!! એમાં કાઈ જ ના ઘટે!!
શાળામાં કોઈ અધિકારી તપાસ કરવા આવવાના હોય!! હવે તો નત નવા અધિકારીઓ આવે છે શાળામાં!! શાળામાં ફક્ત શિક્ષણ ના જ અધિકારી આવે છે એવો કોઈને વહેમ હોય તો ઈ સત્વરે કાઢી નાંખવા જેવો ખરો!! આ બધા જ અધિકારીની આગતા સ્વાગતા આ રમણલાલ પોતાના શિરે લઇ જ લે!! ચા કોફી થી માંડીને જમવા કારવવાની તમામ અફલાતુન વ્યવસ્થા રમણલાલ ના ઘરે થતી. અને ગામ આખામાં રમણલાલની આબરૂ પર ચાર ચાંદ લાગી જતા..!! ગામ લોકો કહેતા!!
“આ રમણીયો છે ને ઈની ઓળખાણ ઠેઠ દિલ્લી લગણ છે દિલ્લી લગણ” ત્યાં વળી બીજો બોલી ઉઠે..
“ ઈ તો એનો રોટલો મોટો ને એટલે... મહિનામાં કેટલાય લોકો ને એ ઘરે જમાડે છે.. અધિકારી બધાય એને જોઇને ઉભા રહી જાય ભાઈ પછી તો ઓળખાણ દિલ્હી લગણ જ નહિ અમેરિકા લગણ પણ થઇ જ જાય ને.. આને માટે બધાને ઘરે ખવરાવવું પડે.. ઘસારો ખમવો પડે તો નામના મળે!! કરો સેવા તો મળે મેવા નકર નહિ લેવા કે નહિ દેવા” ત્યાં કોઈક હૈયા બળ્યો તરત જ ધગી જાય અને બોલે!!
“ તે ઈ ક્યાં ઉપકાર કરે છે ખવરાવવામાં!! મધ્યાહ્ન ભોજનમાંથી ગળચી ગળચી ને બીજાને ધરવે છે.. બાકી એના બાપને ક્યાં એક વીઘો જમીન હતી તે બધાને ખવરાવે.. તમારે આંખ્યું છે??? અઠવાડિયામાં ચાર દિવસ છોકરા ઘરે જમવા આવે છે..અને શનિવારે તો એ કાયમ મધ્યાહ્ન ભોજન બંધ જ રાખે છે ને!! અઠવાડિયે માંડ એકાદ બે દિવસ જમાડતો હોય તો.. બાકી બધું જ ઓળવી જાય છે ને જ્યાં જમાડવાનું છે ત્યાં નથી જમાડતો અને નથી જમાડવા જેવા એને ઉભા ગળે ગળચાવે છે બોલો” પણ એની વાત કોઈ કાને ધરતું નહિ.. બધા જ એને ખોટો માનસ કહેતા.. દરેક ગામમાં આવું સાચું જાણતા ખોટા માણસો બહુ જ ઓછી સંખ્યામાં હોય છે!!
પ્રવેશોત્સવ આવે તો તમામ જવાબદારી રમણલાલ ની!! ગુણોત્સવ આવે તો પણ તમામ જવાબદારી રમણલાલ ની!! કૃષિ મહોત્સવ ની તમામ જવાબદારી અને આરોગ્યોત્સ્વની તમામ જવાબદારીઓ પણ આ રમણલાલ સુપેરે જ નિભાવી જાણતા!! અરે કોઈ બીએલઓને રવિવારે નિશાળે મતદારયાદી નોંધણી કરવાની હોય ને તો પણ રમણલાલ શનિવારે આવીને કહી જાય!!
“સાબ તમે કાલ ટીફીન ન લાવતા હો આપણા ઘરે વ્યવસ્થા થઇ જાશે હો .. તમે તમારી રજા બગાડીને ચૂંટણીનું કામ કરો છો અને અમે એક દિવસ તમને જમાડી પણ નાં શકીએ તો આ જીવતરમાં ધૂળ પડે ધૂળ!! લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભા કે તાલુકા જીલ્લા પંચાયતની!! ગામમાં જે લોકો મતદાનના દિવસે નિશાળમાં આવે એની રમણલાલ એવી આગતા સ્વાગતા કરે કે વાત જ ના પૂછો.
બસ રમણલાલ માં બધા જ ગુણ સારા પણ એક જ અવગુણ અને એ કે નિશાળમાં એ મહિનામાં ચાર કે પાંચ જ વાર રાંધે અને એ પણ પરાણે પરાણે અને જેવું તેવું.. બાકી બેચરભાઈ સાથે સંબંધો સારા અને શિક્ષકો સાથે પણ એટલે સંખ્યા માં તો લગભગ કોઈ વાંધો ના આવે હાજર એટલા બધા જ જમે!!! પેલી તારીખ થી આઠ તારીખ સુધી એમ જ હાલે ગામમાં કે પુરવઠો નથી આવ્યો..!! અને પછી થોડા દિવસ મધ્યાહન ભોજન ચાલે અને પછી દસેક દિવસ એમ હાલે કે પુરવઠો ખૂટી ગયો છે!! ગામ આખું શાંત અને સોજુ એટલે રમણલાલ ને બીજો કોઈ વાંધો ના આવતો..અને જેને વાંધો આવતો હતો ને એય નહોતા બોલતા કારણ કે તાલુકામાં કાંઇક કામ હોય તો આ રમણલાલ પાસે જ જવું પડતું!! એ વગર કામ પતે પણ નહિ!! એટલે રમણલાલ ને એ યને ટેસથી વરસ ઉપર વરસ માંડ્યા નીકળવા!!
પણ છેલ્લા ત્રણ વરસથી રમણલાલ ને લોઢા ના પાયે કઠણાઈ બેસી ગઈ છે. જોકે તેમ છતાં પણ એણે મધ્યાહ્ન ભોજન સંચાલક તરીકે શરુ જ છે પણ હવે બધું નિયમસર કરવું પડે છે. રોજ રોજ રાંધવું પડે છે અને એ પણ ગુણવતા વાળું!! એમાં વાત એમ બનેલી કે શાળામાં એક નવા આચાર્ય મુકાયેલા.સાવ ફ્રેશ અને સીધી જ ભરતી!! શરૂઆતમાં જ બેચરભાઈ એ કીધેલું કે હું એને સાચવી લઈશ રમણલાલ તમે જલસા કરો!! આ તો નવી વહુની જેમ નવ દહાડા નખરા કરશે પછી આપણે કહીશું એમ નહિ કરે તો જાશે ક્યાં???????!!!
પણ એક જ મહિનામાં આચાર્યે બધું જ રેગ્યુલર કરી દીધું.. પ્રવેશોત્સવ ઉપર એ નવા આચાર્યે બધાજ અધિકારીને ગામમાં એક બીજા ઘેર જમાડવા લઇ ગયા. રમણલાલ ને આગલે દિવસે બોલાવીને જ કહી દીધું.
“ભઈ રમણભાઈ તમારે રસોડામાં જ રહેવાનું છે.. બીજા કોઈ શિક્ષક્ના રૂમમાં કે ઓફિસમાં આવીને બેસવાનું નથી.. મધ્યાહ્ન ભોજનનું કામ પતે એટલે સીધું જ જતું રહેવાનું.. સ્ટાફ સાથે ગપ્પા મારવા બેસવાનું નથી.. શાળામાં કોઈ અધિકારી કે જીપ આવે એટલે ગબ દઈ ને દોડ્યા આવો છો એ આજથી બંધ!! તમારું કામ હશે તો હું કોઈ છોકરાને બોલાવવા મોકલીશ!! નિશાળમાં ક્યારેય કોઈ શિક્ષકો માટે મસાલા કે પાન કે ઠંડા પીણા લઈને તમારે તો નથી જ આવવાનું.. હા સ્ટાફ પર બહુ હેત હોય તો શાળા છૂટયા બાદ તમે એને તમારા ગલ્લે ઉભા રાખીને સરભરા કરી શકો છો..પણ નિશાળમાં હવે થી કામ સિવાય નો એન્ટ્રી”
અને બધું જ જડબેસલાક ગોઠવાઈ ગયું. સ્ટાફ ના શિક્ષકોને રોજે રોજ મધ્યાહ્ન ભોજનમાં પીરસાય ત્યારે ધ્યાન રાખવાનું અને ચાખવાનું કહેવાઈ ગયું. આચાર્ય જ લગભગ રોજ આવીને એકાદ ડીશ ખાવા લાગ્યા.!! ભોજન ની ગુણવતા ધીમે ધીમે રાગે પડવા લાગી. હા સંખ્યા એ પૂરે પૂરી લખી આપતા.પણ મધ્યાહ્ન ભોજન બંધ તો ના જ રહે!! એકાદ મહિના પછી ગામના બે ચાર વાલીઓ આવીને બીજી જ ફરિયાદ કરવા લાગ્યા. છોકરાને આવડતું નથી ..આચાર્ય ધ્યાન નથી દેતા..આવીને જરાક મૂછો પણ મરડી અને થોડું ના બોલવાનું પણ બોલી ગયા!!!
આચાર્યે એને પ્રેમથી સમજાવ્યા પણ.
“એક તો તમારો છોકરો સાતમાં માં આવ્યો . મહિનામાં ચાર કે પાંચ દિવસ નિશાળે આવે.. એમાં સહેજ કાચો હશે તો અમે હવે ધ્યાન રાખીશું... પણ નવાઈની વાત એ છે કે સાત વરહ થી તમારા છોકરાને નથી આવડતું ને તમે આજ પેલી વાર ફરિયાદ લઈને આવ્યા એની નવાઈ લાગે છે” અને પેલા બે વાલી આડા અવળા બોલ્યા કે આચાર્યનો બાટલો ફાટ્યો.
ચાલુ પ્રાર્થના એ બધાજ સ્ટાફની વચ્ચે બેય વાલી ને બે બે ખેંચી કાઢી ગાલ પર અને પછી કહ્યું..
“ આચાર્ય તો બે મહિનાથી જ થયો છું.. બાકી રાજપૂત તો હું જન્મથી જ છું હો.. એટલે હવે પછી ગામમાંથી જો કોઈનો ટાંગો આ નિશાળમાં પડ્યોને તો એને પૂરો જ કરી દઈશ.. તમે કોની ચડામણી એ આવ્યા છો એ મને ખબર છે.. અને આ બેઠેલા માંથી કોઈ તમારો સગલો હોય તો એ પણ જાણી લે કે નોકરી તો હું શોખની કરું છું.. બાપાને સો વીઘા જમીન છે એય ને રોડ ટચ.. પોલીસમાં ય બે વર્ષ હતો..ઈ મુકીને શિક્ષણમાં આવ્યો છું. પોલીસવાળું ભુલાઈ નથી ગયું એ બધાય સમજી લે” આચાર્યનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો અને બધા જ ફાટી આંખે જોઈ રહ્યા.. ગામ આખામાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ. અને આમેય નકામાંને વાયડા વાળીને નિશાળમાં પેલી વાર આવે અને ઘચકાવી નાંખો તો પછી લગભગ કોઈ નિશાળમાં ક્યારેય આવતું જ નથી. સાંજે શાળા છૂટીને આચાર્ય રમણલાલ ને ઘરે ગયા અને સોઈ ઝાટકીને કઈ દીધું કે ભાઈ હવે માપમાં રેજે..ને ત્યારબાદ બધું જ માપે થઇ ગયેલું!!
આમ ને આમ ત્રણ વરસ વીતી ગયા . મધ્યાહ્ન ભોજનની સાથે સાથે સ્ટાફ અને શિક્ષણ બેય સુધરી ગયા.. સ્ટાફ સુધરે ત્યાં આપોઆપ શિક્ષણ સુધરે જ આ વૈશ્વિક સત્ય છે!! અને રમણલાલ પણ હવે મધ્યાહ્ન ભોજન પૂરતા જ આવે છે.
એક વખત આચાર્ય તાલુકાની તાલીમમાં ગયેલા ને એક ફોર વ્હીલ આવી શાળાના કમ્પાઉન્ડમાં આચાર્ય વિષે વાત કરી . એ લોકો આચાર્યનો સંબંધ જોવા આવ્યા હતા. કારમાં એક ભાઈ હતા એની દીકરી બીજા તાલુકામાં શિક્ષિકા હતી અને આ શાળાના આચાર્ય હજુ કુંવારા હતા એટલે સંબંધ બાબત વાતચીત કરવા આવ્યા હતા.નસીબજોગે એને બેચરભાઈ જ ભટકાઈ ગયા. બેચરભાઈ એ બધી વાત સંભાળીને કહ્યું.
“આમ તો આચાર્ય સારા છે તેમ છતાં આ પેલા દુકાન વાળા છે ને રમણલાલ એને બધી જ ખબર હોય .. આચાર્ય આ ગામમાં જ રહે છે .. અમે બહારથી આવીએ છીએ.. વળી એ આ શાળાના મધ્યાહ્ન ભોજન સંચાલક છે એટલે આચાર્ય વિષે એને રજેરજની ખબર હોય” બેચરભાઈ એ મામલો રમણલાલ પર છોડ્યો. પેલા માણસો રમણલાલ પાસે ગયા. રમણલાલે વાત સાંભળી અને બધાને ઘરે લઇ ગયા.ઠંડુ પાયું અને પછી બોલ્યા.
“ બેચરભાઈ એ તમને મારી પાસે મોકલ્યા એટલે હું આખી વાત સમજી ગયો છું . પણ તમને હું એક જ સલાહ આપીશ.. આજ સબંધ થતો હોયને તો કાલ ના કરતા!! ગોઠવી જ દ્યો!! આવો સાચો અને પ્રમાણિક નીડર માણસ મેં જીવનમાં જોયો નથી. ત્રણ વરસથી હુંએની નીચે મધ્યાહ્ન ભોજન સંચાલક તરીકે કામ કરું છું. મારા ઘરે પગાર સિવાય કઈ એણે વધવા નથી દીધું. જેટલું આવે એટલુ બાળકોને ખવરાવી દે છે. પેલા મારે મહીને ઘણા બધા રૂપિયા વધતા. પણ હવે નથી વધતા.. એમ મને અનેમારા ઘરના સભ્યોને રોગ પણ નથી થતા.. બાળકોના મોઢામાંથી ઝૂંટવેલ અનાજ એનું પ્રમાણ બતાવીને જ રહે છે. બીપી અને ચક્કર ને આવા કૈંક રોગ મને અને મારી પત્નીને હતા. હવે કશું નથી.. રાતે નિરાંતે ઊંઘ આવે છે..!! છોકરાઓ પણ અભ્યાસ સારો કરે છે.. પ્રમાણિકતાનો આનંદ અનહદ ખુશી આપે છે. તમને સાચું કહું તમારા માટે આવો જમાઈ મળવો મુશ્કેલ છે આ યુગમાં!! તમારી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય એની ગેરંટી છે!! મને સાચો માર્ગ બતાવી દીધો છે.. ખાતી વખતે બાળકોના હસતાં ચહેરા જોઉને ત્યારે બધી જ ચિંતા દૂર થઇ જાય છે ... ભગવાન બધીય શાળાઓમાં બધાને જમાડી ના શકે એટલે જ કદાચ આ મધ્યાહ્ન ભોજન સંચાલકનું સર્જન કર્યું હશે એમ મને લાગે છે....પછી તો મે પણ આજુબાજુની સાત નિશાળના સંચાલકોને સમજાવ્યા કે એક વખત જે આવે એ ખવડાવતા શીખો.. ઈશ્વર તમને ક્યારેય ભૂખ્યા નહિ રાખે!! બાળકોને ખવડાવનાર ભગવાનને સહુથી વધુ વ્હાલા હોય છે!! એટલે મારો મત તો એ છે કે આંખો મીંચીને તમે નક્કી જ કરી નાંખો!!”
રમણલાલે વાત કરી. મહેમાનો ઉભા થઇ ને જવા તૈયાર થયા. રમણલાલનો એણે આભાર માન્યો અને દસ દિવસમાં એ સગાઇ ગોઠવાઈ ગઈ અને એ ખુશીમાં રમણલાલે મધ્યાહ્ન ભોજનમાં સ્વ ખર્ચે ચોખ્ખા ઘીની લાપશી બાળકોને ખવડાવી એ પણ કોઈ જાહેરાત વગર!!
એક વાત ચોક્કસ છે બાળકોને રોજે રોજ જમાડવાનો લહાવો એ જેવો તેવો નથી . ભલે તમે એને તમારા પૈસાનું ના જમાડતા હો પણ તમે એમાં નિમિત માત્ર છો તો પણ તમે એક દિવસ તમારા હાથે મધ્યાહ્ન ભોજનમાં બાળકોને પીરસો અને તેના મોઢા સામું જુઓ. ઈ બાળક આખો દિવસ કોટામાં રહેશે કે મને મારા સાહેબે કે બેને પીરસ્યું.સાંજે પણ ઘરે જઈને વાત કરશે કે મને સાહેબે પીરસ્યું છે. દરેક શિક્ષક મિત્રોએ આ કરવા જેવું કામ તો છે જ!! આવા પરિપત્ર વગરના કાર્ય કરી જુઓ, પરમાનંદ પ્રાપ્ત થશે!! સહુ શિક્ષક મિત્રો વિચારજો!!
લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , હાશ , શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ ,
ઢસા ગામ તા ગઢડા જી, બોટાદ પીન ૩૬૪૭૩૦