28 October 2018

જાણીજોઈને આંખ આડા કાન કરી સમાજ અને જનતાને છેતરી રહ્યા છે....

શિક્ષકે તપાસેલા પેપર અન્ય શાળાના શિક્ષકે 25 ટકા તપાસવાના.. શિક્ષકોના કાર્ય પર સવાલો કરનારા બુદ્ધિજીવીઓ ખાસ મીડિયાવાળા માટે,  આજે વિચાર આવતો હતો એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 60 થી 70 ટકા આપ્યા હોય એવા પેપરો પણ તપાસી જોવા જોઈએ.... ફિલ્મની વાર્તાઓ લખી આવનારાય ત્યાં પાસિંગ માર્ક્સ મેળવી પાસ થાય છે.....
         ખાનગી બી એડ કોલેજ માં એક દિવસ પણ હાજર ન રહેનારા બી એડ પૂરું કરી દે છે...... એક નજર ત્યાં પણ નાખવી રહી....
                   સરકારી શાળાના બાળકો પાછળ શિક્ષક સિવાય કોઈ મહેનત કરતું નથી હોતું. વાલીને તો એ જ નથી યાદ હોતું કે પોતાના સંતાનો ક્યાં ધોરણમાં ભણે છે. શિક્ષક વર્ગમાં જે ભણાવે એ જ... એમાંય એમના દિવસો હવે તો ઉત્સવો ઉજવવામાં જ જાણી જોઈને પસાર કરાવવામાં આવી રહ્યા છે.
                 છતાંય, એ થોડા સમયમાં ભણાવ્યું હોય એ જ બાળકો સમજીને પેપર માં જવાબ રૂપે લખતા હોય છે. ઘરે જઈને વાંચવાનું તો બહુ ઓછા બાળકો માટે શક્ય બનતું હોય છે.
                 ખાનગી શાળામાં શિક્ષક ફક્ત ટોપિક સમજાવે, એકના એક પ્રશ્ન જવાબ વારંવાર લખવા લેશનમાં આપે. આખું વર્ષ ગોખણપટ્ટી કરાવવાની, તોય વર્ષના અંતે તો એક ફરફરીયું આપી દે, એ વાંચી જવાનું. બસ એ જ એમનું પેપર.. વળી, વાલીઓ બે કલાક આજ ફરફરીયું લઈ બેસે, બધું ગોખાવે...
                100 માંથી 99 ટકા આવે તો પણ શું મહત્વ?? મને ખાનગી શાળા ના 99 ટકા કરતા સરકારી શાળાના બાળકોના 60 ટકા વધુ મહત્વપૂર્ણ લાગે છે..
            બે દિવસ પહેલા જ એક હાઇસ્કૂલ ના કર્મચારીએ કહેલું, એક વાલી સ્કૂલમાં એમના દીકરાને બોલાવવા આવ્યા. એકેય ધોરણમાં મળ્યો નહિ. પછી, એમને રજીસ્ટરમાં નામ ચેક કર્યા. એવું કોઈ નામ જ નહોતું.. છેલ્લે વર્ગમાં જઈને બાળકોને પૂછ્યું, એમને કહ્યું એ તો પ્રાથમિક માં ... std માં ભણે છે.. આ થોડા દિવસ પહેલા ની જ ઘટના છે.
                ખાનગી શાળા ના સ્ટુડન્ટસ ઘરે પાણીની જગ્યાએ દૂધ પીવાવાળા છે. એમને એક ગ્લાસ પણ આઘો મુકવાનું કામ ઘરે કરવું પડતું નથી.
               સરકારી શાળામાં ભણતા બાળકો,
-સવારે 5 વાગે ઉઠી બાપા ભેગા ખેતર વાડીએ જાય,
-ઢોરા માટે ઘાસ લાવે, ખેતરમાં નીંદવા, કાપવા ના તમામ કામ કરાવે,
- ઢોરા ચરાવવા જાય, દૂધ ભરવા જાય,
- વાસીદા વાળે,
- તળાવે કપડાં ધોવા જાય,
- ઘરે વાસણ, કચરાપોતા, રસોઈ જેવા કામ કરે.
- નાના ભાઇ બહેન ને રાખે,
- વાડીએ ભાત દેવા જાય.
- વાડીએ રાતે પાણી વાળવા જાય.
- વગડામાં છાણાં, બળતણ વીણવા જાય.
- સ્કૂલમાં આવી પાછા, સ્કૂલના ઝાડવા ને પાણી પીવડાવે, 
- મેદાન અને વર્ગ સફાઈ કરે.
....... મજૂરી કરતા વાલીઓ ના બાળકો રજાના દિવસે મજૂરી કરવા પણ જાય.

           ..સરકારી શાળાના શિક્ષકો અને બાળકોની કોઈ સંજોગોમાં તુલના ખાનગી શાળા સાથે કરવી ન જોઈએ... જે કરે છે એ તમામ  મૂર્ખ છે અથવા વધુ પડતા હોશિયાર છે... મૂર્ખ હોય તો જતું પણ કરીએ, પણ એ મૂર્ખ તો નથી જ..... એ જાણીજોઈને આંખ આડા કાન કરી સમાજ અને જનતાને છેતરી રહ્યા છે....

      ...... કુસુમડાભી...28/10/2018