30 October 2018

વેકેશનનો’ય પગાર ખાવાનો???

વેકેશનનો’ય પગાર ખાવાનો???

ઉનાળુ વેકેશનના બીજા જ દિવસે સવારે મેં સ્વખર્ચે બંધાવેલું છાપાનું હેડિંગ જોઉં તે પહેલાં જ પડોશી મેગીઅંકલ પર પડી.(મેગીઅંકલ એટલે ‘મે’ ઉર્ફ મેઘજી અને ‘ગી’ ઉર્ફ ગિરધર. અને કાકાનું કાકા જ થાય લ્યાં..!)

“કાં.. માસ્તર..ર...ર...!”

માસ્તર બોલવાના બે પ્રકારના ટોન હોય છે. પહેલો ટોન જે ગમે. અને બીજો ટોન ખૂંચે.. આ બીજા પ્રકારનો ટોન હતો..

“હવે તો તમારે વેકેશન એમ ને?”
“સાવ નવરાં એમ ને?”
“તમારે સારું હો, વેકેશનનો પગાર ખાવાનો...!!??” “દે તાલ્લી માસ્તર...” (ટોન બીજો)

ભગવાને દરેકને એક દિલ આપેલું હોય છે. મેગીઅંકલ જેવાં આવા દિલડાને ચીરીને તેનાં પર મીઠું મરચું ભભરાવવા તલપાપડ હોય છે. મારા દિલડાંનો ‘મશાલા પાપડ’ બનાવીને મને જ પીરસ્યો. “દે.. તાલ્લી કહીને...!!”

આટલી ઉંમરે શીખેલો  “પહેલો સગો પડોશી” પડોશી સાથે સંબંધ સાચવવા જોઈએ..
સંબંધ જાય તેલ લેવા. આજે તો થયું કે કહી જ દવ, નહીંતર મારા મગજની નસ આંખું વેકેશન ખેંચશે.

તેની ત્રણ પેઢી યાદ રાખે તેવાં શબ્દોથી વધાવી દવ.
કહી દવ કે “તારા પૂજય પિતાજીના ભૂંગળા-બટેકા.”

“માસ્તર બનવું એટલે? વંડી કૂદીને નિશાળે નથી જવાતું..”

“તારી સગલી ઘરે તારો કીકલો (પુત્ર)  tet માં બે વખતથી દાંડિયા ગુલ કરીને આવી જાય છે.  બીજાના દિમાગના ગુમડાં ખોતર્યા વિના ઘરે ધ્યાન આપને..” 

“માસ્તર બનવું એટલે? જવા દો ને આવી નવરી બજારને માસ્તર એટલે સમજાવીને મને શું ડુંગળી મળવાની છે?” માટે હું મોઢામાં મગ ભરીને બેઠો..

સાંજે ફરી આ નંબર વિનાની નોટ એના સુપુત્રને લઈને મારા ઘરે પધારી. ફરીવાર સવાર વાળી વાત યાદ આવી કે “તારા પૂજય પિતાશ્રીની ભાજીપાઉ..” પણ ફરી મોમાં મગ ભરીને બેઠો..

“આ મારો બાબલો (૨૮ વર્ષનો ઢગલાને એ બાબલો કહે છે.) કહે છે કે “આપડી સામે સાહેબ રહે છે તેમને તાલીમનાં મોડ્યુંઅલ માંથી tet  મા સવાલો આવે છે. તમારી પાસે હોય તો આપશો? આ ટેટ ફેટમાં બાબલો પાસ થઇ જાય..!!”

“મેં કહ્યું અંકલ શા માટે તમારા પુત્રને માસ્તર..ર..ર.. (ટોન નંબર બે) બનાવો છો? બે બે વેકેશનનો મફતનો પગાર ખાવા? સાવ નવરાં નવરાં..??”

મેગીઅંકલ પાસે ભો ખોતરવા સિવાય કોઈ ઉત્તર નહોતો.

“મેં કહ્યું કે મોડ્યુંઅલતો પસ્તીમાં અપાય ગયા છે..” અને બંનેને મફતનું શરબત પીવડાવીને રવાના કર્યા.. ધોયેલાં મૂળા જેમ રજીસ્ટર એડી કરી ને..!!

ભગવાને દરેકને એક દિલ આપેલું હોય છે. જે મને કહી રહ્યું હતું કે “વાંક મેગીઅંકલનો છે. તેનાં પુત્રનો નહી. પાડાને વાંકે પલાખીને ડામ? યોગ્ય નથી.”

તમામ મોડ્યુઅલ ભેગાં કરી તેના ઘરે આપીને આવ્યો. પાછો ફર્યો મફતનું શરબત પીધા વિના...

કારણ...!!

માસ્તર આખરે માસ્તર હોય છે. (ટોન પહેલો)