3 December 2018

તે પુરુષ બહુ કમનસીબ હોય છે જેને દીકરી નથી.!

સ્ત્રી  કેમ સમજાય...?

હંમેશથી પુરુષની એક ફરિયાદ રહી છે કે સ્ત્રીને સમજવી બહુ અઘરી....! કોશિશ ઘણી કરીએ તોય સમજાય નહિ. નવાઈ લાગે છે મને કે ભલભલા કોયડા ઉકેલી નાખતા પુરુષો બુદ્ધિશાળી તો છે જ, અને છતાંય એકદમ પ્રેમાળ અને સરળ સ્ત્રીને સમજવામાં ગોથાં ખાય છે..?
    
હવે એક વાત કહીશ કે એક નાનું સરખું તાળું પણ જો ખોલવું હોય, અને ચાવી હાથમાં હોય, તો પણ એની ટેકનીક જાણવી પડે કે ચાવીને કઈ બાજુ ફેરવવાથી તાળું ખુલશે! સમજીશું નહિ, તો ખૂલેલું તાળું પણ વસાઈ જશે.

શું સ્ત્રીને ફક્ત દાગીના, ઘરેણા કે ગીફ્ટનો જ મોહ હોય..? જો એમ જ હોય તો-તો એને કોઈ પણ આપે, તે હર્ષભેર વધાવી જ લે ને! કદાચ કોઈ આપવાની કોશિશ કરે, તો કોઈવાર મીઠાશ થી અને કોઈવાર થોડુંક કડક વલણ અપનાવી તે ભેટ સ્વીકારવાની મનાઈ કેમ કરે છે..?
    
હા, પોતાના પતિ કે પ્રેમીની પાસેથી શૃંગારની વસ્તુઓ માંગતાં સ્ત્રીઓનાં ઘણા ગીત છે. એને કદાચ તેમની પાસેથી એવી અપેક્ષા હોય, કારણ તેને પોતાના પતિ કે પ્રિયતમ પર ખૂબ પ્રેમ છે અને એટલે જ તે પોતાના દરેક અંગનું આભૂષણ એટલેકે બંધન તેની જ પાસેથી ઈચ્છે છે..તેને માંગ-ટીકાથી લઈ પગના પાયલ સુંધી પોતાના પ્રિયતમના પ્રેમથી બંધાવું છે. અને પતિ તરફથી મળેલી બધી જ વસ્તુ તેના માટે એક જ્વેલરી થી કમ નથી.

અને પૂરૂષ? કેટલો સ્વાર્થી છે!તે એમ સમજે કે સ્ત્રીને આ બધાનો મોહ છે એટલે પોતાની ભૂલ છુપાવવા કે કામ કઢાવવા એકાદી ગીફ્ટ આપી દે! તેને કોણ સમજાવે કે હવે આ તારામાં સમાઈ ગઈ છે..એની લાગણીઓ કચડાય નહિ,એનું ધ્યાન તારે જ રાખવાનું છે. અને લગ્નદીવસ કે જન્મદિવસ આ બે દિવસ સિવાયના ૩૬૩ દિવસ પણ એ તારા જ પ્રેમની ભૂખી છે..!

એક વાત સ્ત્રીની ખાસિયત છે કે તે પોતાની જીંદગીમાં બે પુરુષને ભરપુર પ્રેમ કરે છે..એક પતિ અને બીજા પિતા..! પોતાના પિતા સાથે ગાળેલી એક એક ક્ષણ તેના માનસપટ પરથી ક્યારેય ભૂંસાતી નથી. એના દિલનો એક ખૂણો પિતા માટે રીઝર્વ રહે છે, ત્યાં બીજું કોઈ જઈ શકતું નથી. એ રીતે એમ પણ કહેવાય કે તે પુરુષ બહુ કમનસીબ હોય છે જેને દીકરી નથી.! અને એનાથી વધારે કમનસીબ હોય છે એ કે જેની જીંદગીમાં કોઈ સ્વરૂપે એટલેકે માતા,બહેન,પત્ની,પ્રિયતમા કે દીકરી રૂપે કોઈ જ સ્ત્રી નથી...!