3 January 2019

દીકરીની સમજણને નતમસ્તકે મનોમન વંદી રહ્યા.

ભઈલો ભલે જાય !
             નાનકડા ગામની ભાગોળે આવેલી પ્રાથમિક શાળામાં પ્રાર્થના પૂરી થઈ. સાહેબ સૂચના આપવા ઊભા થયા. બાળકો એક નજરે નવી કોઈ સૂચના મળશે એની રાહ જોતા એક ધ્યાન થયા. સાહેબે બોલવાનું ચાલુ કર્યું. "વ્હાલા, બાળકો ! પ્રવાસ એ શિક્ષણનો ભાગ છે. જીવ્યા થી જોયું ભલું. આપણી શાળામાંથી અઠવાડિયા પછી પ્રવાસનું આયોજન કર્યું છે. પ્રવાસ જવું છે..... ને ?" સાહેબના આટલા શબ્દો જ્યાં પૂરા થયા ત્યાં તો બાળકોમાં આનંદની લહેરખી છવાઈ ગઈ. પ્રવાસમાં જવું કોને ના ગમે ? બાળકો એકી અવાજે બોલી ઊઠ્યા હા... હા...સાહેબ કયા- કયા સ્થળોએ જવાનું છે ? જરા વાત કરો ને....! "હા, તો બાળકો સાંભળો" સાહેબે શાંતિ થી બોલવાનું ચાલુ કર્યું. "વ્હાલા બાળકો, આ વખતે આપણે સૌરાષ્ટ્રના પ્રવાસે જવાનું  છે. જેમાં જૂનાગઢ,સાસણગીર, દિવ, પોરબંદર અને દ્વારકા જેવા સ્થળોનો સમાવેશ કર્યો છે." પ્રવાસની ફી અને બીજી જરૂરી સુચના આપી સાહેબે વાત પૂરી કરી. સૌ બાળકો પોતપોતાનાં વર્ગમાં ગોઠવાયાં.   
                 સોનલ છઠ્ઠા ધોરણમાં ભણે.ભણવામાં ખૂબ હોશિયાર. નાનોભાઈ ત્રીજા ધોરણમાં ભણે. પ્રવાસની વાત સાંભળી ત્યારથી સોનલના હૈયામાં આનંદ સમાતો નથી. સોનલ વર્ગમાં પોતાની સખીઓ સાથે હોંશભેર વાત કરે છે. "મને દરિયા કિનારો ખૂબ ગમે. દરિયાની રેતમાં રમવાની ખૂબ મજા પડે. વળી,સાસણ તો સાવજનું વતન. છુટા સિંહ જોવાનો અને પ્રકૃતિને માણવાનો મોકો પછી ક્યારે મળે ? હું તો આજે જ મારી ફી જમા કરાવી દઈશ. તમે પણ લઈ આવજો.સાથે મળીને આપણે ખૂબ આનંદ કરીશું." ઘરેથી લઈ જવાના સામાન અને નાસ્તામાં થેપલાં ને...મરચાં....  સાથે કોણ.. કોણ..શું... શું.. લાવશે અને કોને શું ભાવે છે ? એની પણ ચર્ચા સખીઓ સાથે કરી, મનમાં પ્રવાસમાં જવાના કંઈ કેટલાય ઘોડા દોડાવતી દોડાવતી સોનલ રીસેસમાં ઘરે આવી.
                        જમતાં-જમતાં બાપુને વાત કરે છે કે, "બાપુ, અમારી શાળામાંથી પ્રવાસ ગોઠવાયો છે." સોનલની વાતમાં નાનાભાઈ મેહુલે પણ ટાપસી પૂરી. "બાપુ, આ વખતે હું પણ જઈશ...હો..."
                  બાપુ શાંતિથી બંનેની વાત સાંભળી ધીરેથી બોલ્યા: "બેટા, આ વખતે વરસ જરા... નબળું છે,   બેમાંથી એક જાય તો કેવું ?"
                પિતાની વેદના અને સંવેદના જાણનાર ડાહી દીકરી સોનલના મોઢામાંથી તરત જ શબ્દો નીકળ્યા "તો, બાપુ, ભઇલો ભલે જાય ! હું તો પછી જઈશ અને આમેય બાપુ મને બસ ક્યાં સાદે છે ? હમણાં મારી તબિયત પણ નરમ છે. ભૈલો ભલે જાય !" સોનલથી બોલી જવાયું.
                     સોનલની વાત સાંભળી બાપુ એક પણ શબ્દ ન બોલી શક્યા.આંખોના ખૂણા ભીના થયા.
દીકરીની સમજણને નતમસ્તકે મનોમન વંદી રહ્યા.

#ભગવતદાન ગઢવી મ.શિક્ષક ઝાડિયાણા પ્રા. શાળા
#લોકસાહિત્યકાર