9 February 2019

જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે.

એક વ્યક્તિ ઓટોથી ક્યાંક જઈ રહ્યો હતો. ઓટોવાળો ખૂબ આરામથી ઓટો ચલાવી રહ્યો હતો. ત્યારે એક કાર અચાનક જ પાર્કિંગમાંથી રોડ ઉપર આવી ગઈ. ઓટોવાળાએ ઝડપથી બ્રેક મારી અને કાર ઓટો સાથે અથડાતા-અથડાતા રહી ગઈ. કાર ડ્રાઇવર ગુસ્સામાં ઓટોવાળાને જ ખરી-ખોટી સંભળાવા લાગ્યો જ્યારે વાંક કાર ડ્રાઇવરનો જ હતો.
ઓટોવાળાએ કાર ડ્રાઇવર પર ગુસ્સો ન કર્યો અને સૉરી બોલીને આગળ વધી ગયો. ઓટોમાં બેઠેલા વ્યક્તિને કાર ડ્રાઇવરના વ્યવહાર ઉપર ગુસ્સો આવી રહ્યો હતો અને તેણે ઓટોવાળાને પૂછ્યુ - તે કાર ડ્રાઇવરને કંઈ કહ્યા વિના જ કેમ જવા દીધો? તેણે તને ખરી ખોટી સંભળાવી જ્યારે વાંક તો તેનો હતો. આપણું નસીબ સારું છે, નહીં તો એના કારણે આપણે અત્યારે હોસ્પિટલ ભેગા થઈ ગયા હોત.
ઓટો ડ્રાઇવરે કહ્યુ - સાહેબ, ઘણા લોકો ગાર્બેજ ટ્રક (કચરાની વેન)ની જેમ હોય છે. તે ઘણો બધો કચરો પોતાના મગજમાં ભરી રાખે છે. જે વસ્તુઓ જીવનમાં કોઈ કામની નથી હોતી, તેને મહેનત કરીને ભેગા કરતા રહે છે જેમ કે ગુસ્સો, નફરત, ચિંતા. નિરાશા વગેરે.

જ્યારે તેમના મગજમાં કચરો ખૂબ વધુ થઈ જાય છે તો તે પોતાનો ભાર હળવો કરવા માટે તેને બીજા ઉપર ફેંકવાનો મોકો શોધવા લાગે છે. એટલે હું આવા લોકો સાથે અંતર બનાવીને રાખું છું અને તેમને દૂરથી જ હસીને અલવિદા કહી દઉં છું.
કારણ કે જો એના જેવા લોકો દ્વારા ફેંકેલો કચરો મેં સ્વીકાર કરી લીધો તો હું પણ એક ગાર્બેજ ટ્રક બની જઇશ અને પોતાની સાથે-સાથે આજુબાજુના લોકો ઉપર પણ કચરો ફેંકતો રહીશ.

મારું માનવું છે કે જીવન ખૂબ સુંદર છે એટલે જે આપણી સાથે સારો વ્યવહાર કરે તેમનો આભાર માનો અને જે આપણી સાથે સારો વ્યવહાર ન કરે તેને હસીને માફ કરી દો. આપણે કાયમ એ યાદ રાખવું જોઈએ કે બધા માનસિક રોગી માત્ર હોસ્પિટલમાં જ નથી રહેતા. કેટલાક આપણી આજુબાજુ ખુલ્લામાં પણ ફરતા રહે છે.

લાઇફ મેનેજમેન્ટ

જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે. એવી જ રીતે જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે. બીજો નિયમ છે કે જેની પાસે જે હોય છે તે એ જ વેંચે છે. સુખી સુખ, દુઃખી દુઃખ અને જ્ઞાની જ્ઞાન, ભ્રમિત ભ્રમ અને ભયભીત ભય જ વેંચે છે.