21 May 2015

દાનવીર કર્ણ



એક દિવસ ધર્મરાજ યુધિષ્ઠિરે હિંમત કરીને શ્રીકૃષ્ણને પૂછ્યું, ''હે સર્વજ્ઞ! તમે તો જાણો છો કે મારા મનમાં જરાય ઇર્ષાભાવ નથી,છતાં મનમાં કેટલાય દિવસથી એક સવાલ સતાવ્યા કરે છે કે તમે કર્ણને જ સૌથી મોટો દાનવીર શા માટે કહો છો,મે પણ આજ સુધી ક્યારેય કોઇને ખાલી હાથે જવા દીધો નથી.''
શ્રીકૃષ્ણ સહેજ હસ્યા,વિચાર્યુ અને આકાશ તરફ જોતાં કહ્યુ, ''અત્યારે હું ઉતાવળમાં છું, પછી જવાબ આપીશ.''
વરસાદની ઋતુ હતી.બારેમેઘ ખાંગા થયાં હતા.સતત સાત દિવસથી વરસાદ પડી રહ્યો હતો.ચાલું વરસાદમાં જ લીલાધર શ્રીકૃષ્ણ પાંડવોના ઘરે ગયાં.પાંડવો એમની આગતા - સ્વાગતામાં લાગી ગયાં.પોતે આવા વરસાદમાં અહી શા માટે આવ્યા છે તેનું પ્રયોજન જણાવતાં તેમણે કહ્યું કે,''મારે યજ્ઞ માટે સો મણ લાકડાની જરૂર છે.''
ભારે થઇ.આવા ભીષણ વરસાદમાં સૂકા લાકડા લાવવાં ક્યાંથી, અને એ પણ ચંદનના? છતાં યુધિષ્ઠિરે દૂતો દોડાવ્યા.ઘણી દોડાદોડ પછી માંડ બે મણ લાકડા મળ્યાં. યુધિષ્ઠિર સહિત બધાએ રાહતનો શ્વાસ લીધો.હાશ!ચાલો,આવા વરસાદમાંય પરમાત્માંની થોડીક માંગણી તો સંતોષાઇ.
ત્યાંથી શ્રીકૃષ્ણ સીધા કર્ણના ઘેર ગયાં.એમણે દોડીને પુરુષોતમનું સ્વાગત કર્યું.હાલ ચાલ પૂછ્યાં પછી શ્રીકૃષ્ણે કહ્યું, ''ભાઇ! આજ તો તારા ઘેર કંઇક માંગવા આવ્યો છું.એક યજ્ઞ માટે સો મણ સૂકાં લાકડાની જરૂર.... ''
શ્રીકૃષ્ણનું આ વાક્ય પૂરું થાય એ પહેલાં તો કર્ણે પોતાનાં શસ્ત્ર ઉઠાવ્યાં,મહેલના દ્વાર,છજા,પલંગ,સિંહાસન વગેરે તોડી નાંખ્યાં.શ્રીકૃષ્ણે દોડીને તેનો હાથ પકડી લીધો.એને રોકતાં તેઓ બોલ્યાં,''બસ,મારો યજ્ઞ પૂરો થઇ ગયો.''
મહારાજ યુધિષ્ઠિર સુધી આ વાત પહોંચતાં વાર ન લાગી.તે શ્રીકૃષ્ણ આગળ નતમસ્તક થઇ ગયાં. શ્રીકૃષ્ણ આવી રીતે જવાબ વાળશે.એવી તેમણે કલ્પના પણ કરી નહોતી.