2 June 2015

ભગવાન દેવદૂતનું નામ મા છે

સ્વર્ગમાંથી એક બાળક ધરતી પર જન્મ લેવા માટે જઇ રહ્યું હતું. એના ચહેરા પર ચિંતા હતી. તેણે ભગવાન પાસે ફરિયાદ કરી, ‘આવડી મોટી ધરતી અને નિ:સહાય હું કઇ રીતે જીવી શકીશ?’ ભગવાને કહ્યું, ‘તુ કોઇ ચિંતા ન કર. તારા માટે પૃથ્વીમાં એક દેવદૂત રાખ્યો છે. અત્યારે તે તારી રાહ જ જોઇ રહ્યો હશે. તે પૃથ્વી પર તારી કાળજી રાખશે.’ બાળકે કહ્યું, ‘પણ ભગવાન, હું સ્વર્ગમાં ખુશ છું. તો પછી મને પૃથ્વી પર શું કામ મોકલો છો?’ ભગવાને કહ્યું, ‘ત્યાં મારો દેવદૂત તને સુખી રાખવાના બધા જ પ્રયત્નો કરશે.’ બાળકે પ્રશ્ન પૂછ્યો, ‘પરંતુ દેવદૂતને મારી વાતચીતની ભાષા પણ નહીં આવડતી હોય.’ ભગવાને કહ્યું, ‘તુ જરાય ચિંતા કર મા. દેવદૂત ખૂબ જ પ્રેમથી મીઠા મીઠા શબ્દો બોલશે અને એ લોકોની ભાષા સમજતા શીખવાડશે.’ બાળકે ભગવાનને કહ્યું, ‘મારે તમારી સાથે વાત કરવી હોય તો હું કેવી રીતે કરીશ?’ ભગવાને કહ્યું, ‘મારો દેવદૂત તને બે હાથ જોડી મારી સાથે વાત કરતાં શીખવશે. તે લોકો તેમને પાર્થના કહે છે.’ બાળકને ખબર પડી ગઇ કે હવે પૃથ્વી પર જવાનો સમય આવી ગયો છે. તેણે ભગવાનના આશીર્વાદ લીધાં. હવે બાળકના મનમાં કોઇ ચિંતા ન હતી. બાળકને ભગવાનને એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ‘પણ ભગવાન, તમારા દેવદૂતનું નામ હું નથી જાણતો’ ભગવાને કહ્યું કે તુ એ દેવદૂતને ‘મા’ કહેજે. મારા એ દેવદૂતનું નામ મા છે.’ બાળકે ખૂબ આનંદથી પૃથ્વી તરફ પ્રયાણ કર્યુ.