3 June 2015

મોહ-માયાને કારણે આપણે ઈશ્વરના દર્શન નથી કરી શકતા.

એક નદી કિનારે એક મહાત્મા રહેતા હતા. તેમની પાસે દૂર-દૂરથી લોકો પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા આવતા હતા. એક વખતે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને બોલ્યો, ‘મહારાજ, હું લાંબા સમયથી ઈશ્વરની ભક્તિ કરી રહ્યો છું, તેમ છતાં મને ઈશ્વરનાં દર્શન નથી થતાં. કૃપા કરીને મને તેનાં દર્શન કરાવો.’
મહાત્મા બોલ્યા, ‘તને આ સંસારમાં કઈ ચીજો સૌથી વધારે પ્રિય છે?’
વ્યક્તિ બોલ્યો, ‘મહારાજ, મને આ સંસારમાં સૌથી વધુ પ્રિય મારો પરિવાર છે અને ત્યાર બાદ ધનદોલત.’
મહાત્માએ પૂછ્યું, ‘શું આ સમયે પણ તારી પાસે કોઈ પ્રિય વસ્તુ છે?’
વ્યક્તિ બોલ્યો, ‘મારી પાસે એક સોનાનો સિક્કો જ પ્રિય વસ્તુ છે.’ મહાત્માએ એક કાગળ પર કંઈક લખ્યું અને તેને વાંચવાનું કહ્યું. કાગળ જોઈને વ્યક્તિ બોલ્યો, ‘મહારાજ, આના પર તો ઈશ્વર લખ્યું છે.’
મહાત્માએ કહ્યું, ‘હવે તમારો સોનાનો સિક્કો આ કાગળ ઉપર લખેલ ઈશ્વર પર મૂકી દો.’ વ્યક્તિએ એવું કર્યું. પછી મહાત્મા બોલ્યા, ‘હવે તમને શું દેખાય છે?’ તે બોલ્યો, ‘અત્યારે તો મને આ કાગળ પર ફક્ત સોનાનો સિક્કો મૂકેલો દેખાય છે.’
મહાત્માએ કહ્યું, ‘ઈશ્વરના પણ આ જ હાલ છે. તે આપણી અંદર જ છે, પરંતુ મોહ-માયાને કારણે આપણે ઈશ્વરના દર્શન નથી કરી શકતા. જ્યારે આપણે તેને જોવાની કોશિશ કરીએ છીએ તો મોહમાયા આગળ આવી જાય છે. ધન-સંપત્તિ, ઘર-પરિવાર સામે ઈશ્વરને જોવાનો સમય જ નથી હોતો. જો સમય હોય પણ છે તો એ સમયે, જ્યારે આફતમાં હો. એવામાં ઈશ્વરનાં દર્શન કઈ રીતે થાય?’ મહાત્માની વાત સાંભળીને વ્યક્તિ સમજી ગયો કે તેણે મોહ-માયામાંથી નીકળવું પડશે, તો જ ઈશ્વરનાં દર્શન સંભવ છે.