7 June 2015

દીકરી’ ઘડપણમાં મા-બાપની લાઠી બની.

મોહનભાઇને તો વિશ્વાસ હતો પોતાના દીકરા પર કે એણે મકાનનો દસ્તાવેજ પોતાની માતાના નામે જ કરાવ્યો હશે, પરંતુ દીપકના કારસ્તાનની જ્યારે જાણ થઇ, ત્યારે એમના માથે આભ તૂટી પડ્યું. ભલું થાય એમની દીકરી પૂજાનું, જે સમયસર આવી પહોંચી અને સલીમભાઇએ એણે કરેલા કાર્યની જે પ્રશંસા કરી તેનાથી સૌના ચહેરા પર ખુશી છવાઇ ગઇ....
‘આવો આવો મોહનલાલ, આજે તો કંઇ ઘણા દિવસે દર્શન દીધાં!’ સલીમભાઇએ કહ્યું. ‘હા સલીમભાઇ, આજે થોડું તમારા જેવું કામ પડ્યું છે તેથી આવવું પડ્યું.’ મોહનલાલે કહ્યું.‘હા તો બોલો, મોહનલાલ, આ બંદા આપની શું ખીદમત કરી શકે છે?’ સલીમભાઇએ પૂછ્યું. ‘સલીમભાઇ, મારો દીકરો દીપક અત્યારે પટાવાળાની નોકરી કરે છે અને મારે નાનીસરખી દુકાન છે. તે બંનેની આવક મળીને ઘરનું ગાડું ચાલે છે અને મકાન લોન પર લીધેલ છે. તેથી તેના પર હપ્તા ભરવા પડે છે. તેથી થોડી નાણાંભીડ છે. તમારી પાસેથી પચાસેક હજાર રૂપિયાની મદદની આશા લઇને આવ્યો છું.’ મોહનલાલે કહ્યું.
‘અરે! તેમાં આટલા બધાં કોચવાવ છો કેમ, મોહનલાલ? સંકટ સમયે મિત્ર કામ ન આવે, તો બીજું કોણ આવે? આપણે ભલે નાત-જાતનાં અલગ હોઇએ, પણ દિલ તો બંનેનાં એક જ છે ને! હું આ નાત-જાતમં કંઇ માનતો નથી. મારે મન તો મઝહબ સિર્ફ એક જ છે, તે છે - ઇન્સાનિયત. તમતમારે ગમે ત્યારે પચાસ હજાર લઇ જશો તે વિનાસંકોચે.’ સલીમભાઇએ કહ્યું. પછી તો રંગેચંગે દીપકના લગ્ન કરી મોહનલાલ થોડા હળવા થઇ ગયાં અને થોડા દિવસ પછી દીકરાને કહ્યું, ‘બેટા દીપક, સલીમભાઇની મદદથી તારા લગ્ન તો કરી નાખ્યા. પરંતુ બેટા, હવે થોડી બચત કરતો રહેજે કે જેથી તારી નાની બહેન પૂજાનાં પણ સારી રીતે લગ્ન કરી શકીએ અને તે પણ કોઇની પાસે હાથ લાંબો કર્યા વિના.’ ‘ભલે બાપુજી.’ દીપકે કહ્યું.
દીપકના લગ્ન પછી થોડો સમય તો બધું હેમખેમ ચાલ્યું, પણ થોડા સમય પછી દીપકની પત્ની ઉર્વશીએ પોતાનું પોત પ્રકાશવા માંડ્યું. નાની-નાની વાતોમાં દીપકનાં મમ્મી સવિતાબહેન તથા નણંદ પૂજા સાથે ઝઘડા કરવા લાગી. જાણે ઘરની શાંતિ જ ડહોળાઇ ગઇ. તેમાંય ખાસ કરીને નણંદ પૂજાને તો વાતવાતમાં કંઇનું કંઇ સંભળાવતી. વળી પાછું થોડો સમય બધું વ્યવસ્થિત ચાલે ત્યાં ફરી પાછા એ જ લડાઇ-ઝઘડા.એક રાતે મોહનલાલે સવિતાબહેનને કહ્યું, ‘અરે, સાંભળે છે? આ વહુનો ત્રાસ તો દિવસે ને દિવસે વઘતો જાય છે.
તેમાં આપણે તો સહન કરી લઇશું, પણ આપણી પારેવાં જેવી પૂજાનો શો વાંક?’ ‘તે બિચારી વગર વાંકે કેટલું સહન કરે? આપણે તેને સારું ઠેકાણું જોઇ વહેલાસર પરણાવી દઇએ જેથી તે વહુના ત્રાસમાંથી તો છુટે.’ સવિતાબહેને કહ્યું. પછી તો પૂજાનાં પણ સાધારણ રીતે લગ્ન કરીને મોહનલાલ તેમ જ તેમનાં ધર્મપત્ની સવિતાબહેને નિરાંતનો શ્વાસ લીધો.એક દિવસે મોહનલાલે કહ્યું, ‘બેટા દીપક, આ લે ફાઇલ અને વકીલ પાસે જઇને આ મકાનના દસ્તાવેજ તારાં મમ્મીનાં નામ પર કરાવી લેજે. આમેય આ મકાનનાં લોને પરનો છેલ્લો હપ્તો ભરાઇ ગયો.’ ‘ભલે બાપુજી.’ કહી દીપક ફાઇલ લઇ ગયો.
થોડો સમય જતાં ઉર્વશીનો ત્રાસ ખૂબ વધી ગયો. ઘરનું તમામ કામકાજ ઉર્વશીએ સવિતાબહેન પર નાખી, પોતે મન ફાવે તેમ કરવા લાગી. જેમ કે, આડોશપાડોશની સહેલીઓ સાથે બજાર જવું, પિકચર જોવા જવું. જાણે તેણે સાસુ-સસરાની તમામ મર્યાદાઓ તોડી નાખી અને મન ફાવે તેમ વર્તન કરવા લાગી. સવિતાબહેન મૂંગા મોઢે બધું સહન કરવા લાગ્યાં કે મનમાં જાણે. અમારે તો પોતાનાં પેટના જણ્યાની વહુ છે ને! દીપક સામે તો જોવું જોઇએ ને, મારો ભગવાન જતે દહાડે સૌ સારાં વાનાં કરશે. એવી મનમાં ને હૈયે ધારણા બાંધી બધું સહન કરવા લાગ્યાં. સવિતાબહેનને આવા દહાડા જોવાનો વારો આવશે એવી આ વાતની ક્યાં ખબર હતી કે કોઇક એક દિવસ ઘરમાં મોટા પાયે ઝઘડો થઇ ગયો.
ઉર્વશીએ ન બોલવાના ઘણા વેણ સવિતાબહેનને બોલવા લાગી. જેથી મોહનલાલથી છેલ્લે રહેવાયું નહીં અને છેવટે દીપકને કહી દીધું, ‘જો બેટા દીપક, આ રોજના ઝઘડાથી હું અને તારી બા બંને કંટાળી ગયા છીએ અને આમેય તારી નોકરી સારી છે ને તમારા બંનેનું તમે જાતે ગુજરાન કરી લો એમ છો. તેથી તમે અલગ મકાન ભાડે રાખીને અલગ રહેવા ચાલ્યા જાવ. અમે બંને મારી નાનીસરખી એવી દુકાનની આવકમાંથી જીવનનિવૉહ કરી લેશું. માટે જેમ બને તેમ જલદીથી આ મકાન ખાલી કરી બીજે રહેવા જતાં રહો જેથી તમને પણ શાંતિ અને અમને પણ શાંતિ.’ મોહનલાલે કહ્યું.
‘વાહ... વાહ... વાહ...!’ તાળીઓ પાડતી ઉર્વશી બોલી, ‘મિ. મોહનલાલ તેમ જ શ્રીમતી સાસુજી સવિતાબહેન, કેવી હળવાશથી કહી દીધું કે ઘર છોડી ચાલ્યા જાવ! આ ઘર તો અમારે નહીં, પણ તમારે છોડવું પડશે. સમજ્યાં, મિ. સસરાજી?’ ‘શું? શું બકવાસ કરે છે તું? દીપક બેટા, જો તો આ તારી પત્ની શું બોલી રહી છે?’ ‘હા, મિ. મોહનલાલ, આ મકાન મારા નામનું છે, હોં અને ઘર છોડીને કાલે સવારે જ તમારા બોરીયા-બિસ્તરાં સંકેલી લેજો.’ ‘બેટા દીપક, મકાન તો તારા મમ્મીના નામનું છે ને, તો પછી આના નામે કેવી રીતે થઇ ગયું?’ ‘એમાં એવું છે ને બાપુજી, તમે મને જે ફાઇલ આપેલી મકાનની તેના દસ્તાવેજ મેં ઉર્વશીના નામે કરી દીધા છે કેમ કે તમે રહ્યા ખર્યું પાન અને આમેય તમારા બંનેના ગયા પછી તો આ મકાન અમારું જ તો છે. તેથી મેં પહેલાં આ મકાન ઉર્વશીના નામે કર્યું. અને હા! તમને અમે જબરદસ્તીથી ઘર છોડીને જવાનું નથી કહેતા. આ તો શું છે કે ઉર્વશી રહી નવા જમાનાની અને થોડી હઠીલી છે. તેથી તે કહે તેમ તમે બંને રહો તો પછી કંઇ પ્રોબ્લેમ નહીં રહે...’ દીપકે કહ્યું.
‘એટલે તારા કહેવાનો અર્થ એટલો જ કે અમારે તેનાં (ઉર્વશીના) શરણે થઇ જવું એમ જ ને? તે કહે તેટલું જ પાણી પીવું અને તે કહે તેમ રહેવું એમ?’ મોહનલાલ ધ્રૂજતાં ધ્રૂજતાં બોલ્યાં.‘શાબાશ દીકરા શાબાશ! ખૂબ કોખ ઉજાળી તેં તારી માની.’ સવિતાબહેન રડતાં અવાજે બોલ્યાં. ‘તારું નામ તો જો દીપક! દીપકનો અર્થ થાય બીજાને પ્રકાશ આપવો અને તેં તારા જ મા-બાપને અંધારામાં ધકેલી દીધા. અરે! તારા કરતાં તો મારી કૂખે પાણો પાક્યો હોત તો સારું થાત. ક્યાંક ચણતરમાં તો ઉપયોગ આવત. ધિક્કાર છે, તને ધિક્કાર છે.’ કહી સવિતાબહેન રડવા લાગ્યા. ‘જુઓ, મારે તમારું કંઇ ભાષણ-બાષણ સાંભળવું નથી. ઉર્વશી કહે તેમ રહેવું હોય તો રહી શકો છો, નહીંતર તમે તમારી અલગ વ્યવસ્થા કરી લેજો.’
દીપકે કટાક્ષમાં કહ્યું.આખી રાત મોહનલાલ તેમ જ સવિતાબહેને રડી-રડીને કાઢી અને પોતાની જાતને કોસતાં રહ્યાં કે, ‘આવો નાલાયક અને કપાતર પુત્ર પાકયો કે જે ઘડપણની લાઠી બનવાને લાયક હતો, તે આજે વૃદ્ધ મા-બાપનાં પગ ભાંગી રહ્યો છે. હે પ્રભુ, તું અમારી આ કેવી કસોટી કરી રહ્યો છે. હવે આપણે ક્યાં જઇશું?’ સવિતાબહેને કહ્યું, ‘આ વહુનો ત્રાસ તો હવે સહન થાય એમ નથી.’ ‘ચિંતા ન કર, દીપકની મા. મારો ભગવાન કંઇ રસ્તો જરૂર કાઢશે. આ ઘરમાં હવે રહેવું જ નથી.’
સવાર થતાંની સાથે જ મોહનલાલ અને સવિતાબહેન પોતાનાં સામાનની બેગ ભરીને ધીમે ધીમે ચાલતાં થયાં અને દીપક તથા ઉર્વશીને કહ્યું, ‘અમે જઇ રહ્યાં છીએ.’ ‘તમારું ઘર તમને મુબારક.’ ‘અરે, આમ ડુગડુગી શું બજાવો છો?’ એમ કહી ઉર્વશીએ સાસુને જોશથી ધક્કો મારી બંનેને બહાર ધકેલી દીધાં. બિચારા મોહનલાલ અને સવિતાબહેન લથડિયાં ખાતાં નીચે પડી ગયાં. આ ર્દશ્ય જોઇ આખો મહોલ્લો સ્તબ્ધ થઇ ગયો. ત્યાં જ સલીમભાઇ આવી પહોંચ્યા. બધું જોઇ સમજી ગયાં કે મામલો શું છે.
‘મિ. દીપક,’ સલીમભાઇએ કહ્યું, ‘મારા જીગરજાન મિત્રનો શો વાંક છે કે તેને આમ ધક્કા મારીને કાઢી મૂકે છે? તને ખબર છે ને કે તારા લગ્ન વખતે મારી પાસેથી રૂપિયા પચાસ હજાર રોકડા ઉછીના લઇ ગયેલા. તે રૂપિયા હજી મને પરત મળેલ નથી. માટે મારી એક શરત છે કે કાં તો મોહનલાલ તેમ જ સવિતાબહેનને માનભેર ઘરની અંદર લઇ જા અથવા મારા રૂપિયા મને અત્યારે જ પરત કરી દે.’ ‘ઊભા રહો, બે મિનિટ.’ કહી ઉર્વશી અંદર જઇ રૂપિયા પચાસ હજારનું બંડલ સલીમભાઇના મોં પર ફેંકતાં બોલી, ‘આ રહ્યા તમારા રૂપિયા ને અહીંથી ચાલતા થાવ.
આ રૂપિયા હું મારા પિયરથી લાવી છું. બાકી રહી વાત આ ડોસા-ડોશીની તો તે કોઇ પણ ભોગે મારા ઘરમાં ન જ જોઇએ.’ સલીમભાઇ તેમ જ આખો મહોલ્લો આ ર્દશ્ય જોઇ સ્તબ્ધ થઇ ગયો કે કેવા હલકા સંસ્કારવાળી આ બાઇ છે. બિચારા મોહનભાઇ! હજી તો સવિતાબહેન અને મોહનભાઇ બેએક ડગલાં આગળ ચાલતાં થયાં, ત્યાં જ એક મોટરકાર સાથે ટકરાઇ નીચે પડ્યાં. કારમાંથી એક સ્ત્રી અને પુરુષ નીચે ઊતયાઁ કે મોહનભાઇએ જરા ઊંચે જોયું કે મુખમાંથી શબ્દ નીકળી પડ્યાં, ‘અરે! પૂજા, તું?’ ‘મારી દીકરી... મારી દીકરી...’ કરતાં પૂજાને ભેટી પડ્યા અને મોહનલાલ ધ્રૂસકેધ્રૂસકે રડવા લાગ્યાં. ‘પ્લીઝ પપ્પા, શાંત થાવ.’ પૂજા બોલી, ‘ભાઇ દીપક, આ તેં શું માંડ્યું છે? સલીમચાચા, આ બધું શું છે?’ સલીમભાઇએ વિસ્તારથી આખી વાત કહી. ‘દીપક, તને તો ભાઇ કહેતાં મને શરમ આવે છે. આવો ન હોય મારો ભાઇ.’ કહેતાં પૂજા ક્રોધિત થઇ ઊઠી.
‘પ્લીઝ પપ્પા, હવે રડો નહીં. આ તમારી દીકરી હજી જીવે છે અને તમારી સારસંભાળ લઇ શકે તેમ છે. તમે બંને મારી સાથે ચાલો અને ત્યાં શાંતિથી રહો. પ્રકાશ, તમને વાંધો ન હોય તો મમ્મી-પપ્પાને આપણી સાથે લઇ જઇશું.’ પૂજાએ કહ્યું. ‘અરે! મને શો વાંધો હોય? શું તારા મમ્મી-પપ્પા એ મારા મમ્મી-પપ્પા જ કહેવાય. આપણે તેમને આપણી સાથે જ લઇ જઇશું.’ પ્રકાશે કહ્યું. ‘વાહ પ્રકાશકુમાર વાહ. ખરેખર! તમે તમારું નામ સાર્થક કરી બતાવ્યું. અમારા દીકરા દીપક નામથી વિરુદ્ધ તેણે અંધારું જ કર્યું અને તમે? તમે તો તમારા નામ પ્રમાણે જ પ્રકાશ પાથરી દીધો.’ સવિતાબહેન બોલ્યાં. ટોળામાં તાળીઓનો ગડગડાટ થઇ ગયો.
મહોલ્લાના લોકોને સંબોધીને સલીમભાઇએ કહ્યું, ‘જોયું? આને કહેવાય ‘દીકરી’ કે ઘડપણમાં મા-બાપની લાઠી બનીને તેમની વહારે આવી છે. ધન્ય છે પૂજા બેટી, ધન્ય છે...’ ‘અરે! હું એમ કહું છું કે આજે આ જગતનાં લોકો શા માટે પુત્રઝંખના માટે માનતા-બાધા અને આખડીઓ રાખે છે? અરે! માનતા-બાધા રાખવી હોય તો પૂજા જેવી પુત્રી પ્રાપ્ત થાય તેની રાખો, નહીં કે દીપક જેવા નાલાયક પુત્ર માટે.
દોસ્તો, આજે આપણે અહીં એક જ પ્રતિજ્ઞા લઇએ કે ‘બેટી બચાવો’ અભિયાનમાં પૂરેપૂરો સાથ અને સહકાર આપી તે પંક્તિને સાર્થક કરીએ અને દરેક ઘરેઘરમાં અને જગતના ખૂણેખૂણામાં પૂજા જેવી ‘દીકરી’ જન્મે અને જે ઘડપણમાં દીકરા સમાન માવતરની લાઠી બનીને ઊભી રહે તે માટે ઇશ્વરને પ્રાર્થના કરીએ.’ સલીમભાઇએ કહ્યું. તાળીઓના ગડગડાટથી આખા મહોલ્લાએ સલીમચાચાને વધાવી લીધા અને પૂજા પણ પોતાના મમ્મી-પપ્પાને ગર્વભેર કારમાં બેસાડી ત્યાંથી રવાના થઇ. ત્યારે સૌના મુખ પર ખુશીની લહેર છવાઇ ગઇ