7 June 2015

જે ગર્ભપરીક્ષણ કરાવે તેના મગજનું જ પરીક્ષણ ન કરાવવું જોઇએ ?

દસમાં ધોરણમાં ભણતી મીના ઘરે આવતાંવેંત હાથમાં રહેલ ટ્રોફી તથા પ્રમાણપત્ર હરખભેર ઊંચા કરીબોલી ઊઠી, ‘પપ્પા, મમ્મી, જુઓ તો ખરાં, હું “બેટી બચાવો” વાર્તાસ્પર્ધામાં પ્રથમ આવી ! બાપ-દીકરી ભેટી પડે છે. ઊંચાઇ બાપની લગોલગ, મમ્મી કહે, ‘દીકરી મીના, તું તો ખાસ્સી મોટી થઇ ગઇ. થોડીવારમાં એવડી મોટી થઇ જઇશ કે લગ્નની શરણાઇ….’
 ‘અરે, હજી તો ઘણી વાર છે એને, વિદાયની ઘડી અત્યારમાં યાદ કરાવીને શું કામ….?’ પત્નીની ભીની આંખ જોઇ પતિએ પણ આર્દ્ર સ્વરે આમ કહ્યું. મીનાએ હોંશભેર વાત આગળ ચલાવી. ‘અરે, તમે સાંભળો તો ખરાં ! મારી વાર્તા કંઇક એવી હતી કે… માબાપને એક દીકરી. તેઓ, ખાસ કરીને મા એમ નથી ઇચ્છતી કે બીજીયે દીકરી જ જન્મે, એટલે આ વખતે તે ગર્ભપરીક્ષણ કરાવે છે.’
મીના ત્યાં થોડીવાર વાર્તાને વિરામ આપતી બળાપો ઠાલવી રહી, ‘પપ્પા, ખરેખર તો જે ગર્ભપરીક્ષણ કરાવે તેના મગજનું જ પરીક્ષણ ન કરાવવું જોઇએ ? નિદાનમાં આવા માણસો સો ટકા પાગલ જ નીકળે. હા, તોહવે આગળ… પેલા મા-બાપ દુનિયામાંઆવવા થનગનતા આવા જીવને આવવા જ નથી દેતાં. ક્રૂર બની નવા જન્મી રહેલા જીવને ! દુનિયાને એમ ઠસાવવાનું નાટક કરે છે કે આ બધુંતો કુદરતી જ થયું ને બે વરસ પછી એક રોગમાં એની હયાત દીકરી પણ મરણપામે છે. માની કુખ હવે સાવ સૂની, એકનું મોત કુદરતી ને બીજાનું માનવસર્જિત. બંનેને પછી ખોટું કર્યાનું ભાન અને પસ્તાવો થાય છે. બેય દૂર દૂર બહારગામ ચાલ્યા જાય છે, ને ત્યાં અનાથાશ્રમમાંથી એક બાળકીને દત્તક લઇ તેને જીવની જેમ ઉછેરે છે. તે દીકરી પપ્પાની પડતી વખતે મદદરૂપ થાય છે, હિંમત રાખવાનું પ્રોત્સાહન પૂરું પાડી નવજીવન બક્ષે છે. ઘરના બધા કામ કુશળતાપૂર્વક તેમજ પ્રેમથી કરે છે.
આ બધું જોઇને મા-બાપને પોતાની બંને દીકરી યાદ આવે છે. આ દીકરીને તેઓ ફૂલની જેમ રાખે છે, દિલ ફાડીને પ્યાર કરે છે, વહાલ વરસાવે છે. દત્તક પુત્રીને ખબર પણ નથી પડવા દેતા કે પોતે એના સગા માબાપ નથી. બધાના જીવનમાં આનંદ આનંદ પ્રસરી જાય છે….’
મીનાની વાર્તા સાંભળી મા-બાપની આંખ ભીની થઇ ગઇ. આ જોઇ મીના બોલી, ‘કેમ બાકી ? મારી વાર્તા રચનાત્મક સંદેશવાળી ને હ્રદયસ્પર્શી છે ને? મારે આ વાર્તા પર નાટક લખી તેને ભજવવું છે. તમે બેય એમાં મા-બાપની ભૂમિકા ભજવશો?’
ને બેય મૂંગામંતર ! ‘ના’ ‘ના’ એમ હાથેથી ઇશારો કહી રહ્યાં કે “હવે બીજીવાર અભિનય નથી કરવો.” ને પછી માબાપે પ્રેમવશ દીકરી મીનાને ચૂમીઓથી નવડાવી દીધી.
……મીનાએ અજાણતા જ બેયની વાસ્તવિકતા ખુલ્લી કરી દીધી હતી!
- દુર્ગેશ ઓઝા