13 June 2015

તમાકુનું વ્યસન છોડવા ઉપયોગી થશે યોગાસન.




યોગ ભગાવે રોગ -
પ્રાચીનકાળથી જ મનુષ્ય આનંદ,શાંતિ, તણાવથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતો આવ્યો છે. પણ આ બધું સરળ રીતે મેળવી ન શકવાને કારણે બીજી અનેક પદ્ધતિએ વિભિન્ન માદક દ્રવ્યોનો ઉપયોગ કરતો રહ્યો છે. જેમકે, ધતૂરાનાં બી, સોમરસ,ભાંગ, ગાંજો વગેરે... આધુનિક સમયમાં તેની સાથે સાથે બીજા પદાર્થો પણ તેમાં ભળી રહ્યા છે, જેમકે હેરોઈન, ચરસ, કોકેઇન,અફીણ વિભિન્ન પ્રકારની ઊંઘની ગોળીઓ તથા તમાકુ, સિગારેટ, ગુટકા, જર્દા વગેરે...
આ બધામાં તમાકુ સૌથી વધુ અસરકારક માદક અને ઝેરીલો પદાર્થ છે. જે વ્યક્તિને આ બધા નશા કરતાં પણ વધુ હાનિ પહોંચાડે છે.
આ એક એવું વ્યસન છે, જેને સામાજિક માન્યતા મળેલી છે. વ્યક્તિ અન્ય નશાનો ઉપયોગ કરતી વખતે સમય અને સ્થાનનું ભાન રાખે છે, પરંતુ તે તમાકુનો ઘર-બહાર, રાત-દિવસ બધી જ જગ્યાએ સંકોચ વિના ઉપયોગ કરે છે.
તમાકુને મુખ્યરૃપે ત્રણ પ્રકારે વાપરવામાં આવે છે.
* ખાવાના રૃપે જેમ કે-ગુટકા, જર્દા, ખૈની વગેરે.
* નાક દ્વારા સૂંઘવાના રૃપે - છીંકણી વગેરે.
* ફૂંકીને પીવાના રૃપે - ધૂમ્રપાન દ્વારા જેમ કે, બીડી, સિગારેટ હુક્કો વગેરે...
પ્રભાવ : ત્રણેય પ્રકારે વપરાતી તમાકુ શરીરની અંદર નિકોટીન નામનું ઝેર લોહીમાં ઘોળે છે, જે થોડા જ વખતમાં આપણા શરીરમાં ફેલાઈ જાય છે. તથા કૃત્રિમ ઉત્તેજના પેદા કરે છે. જેથી પીનારાઓને નકલી તાજગીનો અહેસાસ થાય છે. ધીરે ધીરે શરીર આની માત્રાને વધારવા માંડે છે અને આ ઝેરીલા નશામાં એકદમ જકડાઈ જાય છે.
તમાકુની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો : તમાકુમાં લગભગ ચાર હજાર પ્રકારના ગલનશીલ જ્વલનશીલ ઝેરીલા રસાયણ પદાર્થ છે, જે માનવ શરીરમાં કેન્સર અને બીજા અસાધ્ય રોગ માટે જવાબદાર છે. જેમ કે કૈડમિયમ આર્સેનિક, પારો, કાર્બન મોનોકસાઇડ, નિકોટિન, ડીડીટી,સીસુ, એસીટોન, હાઈડ્રોજન સાઈનાઈસ, યૂરેથીન, ફિનાઈલ, ફારમલ્ડડાઈટ, બ્યૂટેન, ફિનોલ,નિકામ, નાઈટ્રોજન, સલ્ફેટ, પોલોનિયમ, બેન્જીન, આઈસોથ્રીન, જે શરીરમાં એકદમ ઘાતક બીમારીઓ સાથે કેન્સર ઉત્પન્ન કરે છે.
આપણે ધૂમ્રપાન કરીએ તો?
* ૧૦ સેકન્ડમાં જ ધુમાડો મગજમાં પહોંચી જાય છે.
* તમાકુથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, જેથી ચેપી બીમારીઓનો ભય વધી જાય છે.
* તમાકુના ઝેરીલા પદાર્થ શરીરના દરેક ભાગમાં પહોંચી જાય છે.
* ધુમ્રપાનથી શરીરની કોશિકાઓને પૂરતો ઓક્સિજન મળતો નથી.
* ધૂમ્રપાન શરીરના દરેક ભાગને પ્રભાવિત કરે છે. રોગપ્રતિકારક શક્તિ ન હોવાને કારણે ફેફસાંના રોગ, દમ, અસ્થમા, મોઢાનું કેન્સર, ફેફસાંનું કેન્સર, ટીબી વિશે તો પહેલેથી જ ખબર છે પણ નવું સંશોધન કહે છે કે તેનાથી દાંતના રોગ પણ થાય છે. અમેરિકાનો લશ્કરી અહેવાલ કહે છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને ઓપરેશન દરમિયાન વધુ ખતરો રહે છે.
* ૯૦ ટકા પુરુષોને ફેફસાંનું કેન્સર તથા ૮૦ ટકા મહિલાઓમાં કેવળ ધૂમ્રપાનથી જ ફેફસાંનું કેન્સર થાય છે. ધૂમ્રપાન કરનારાને પોતાને તો નુકસાન થાય છે જ સાથે પત્ની, બાળકો અને નજીક બેસનારાઓ (પેસિવ સ્મોકિંગ)ને પણ એટલું જ નુકસાન થાય છે.
તમાકુ છોડયાના ૨૦ મિનિટ પછી જ
* હૃદયની ગતિ થોડી સામાન્ય થઈ જાય છે.
* ૧૨ કલાક પછી લોહીમાં કાર્બન મોનોક્સાઈડનું સ્તર ઓછું થઈ જાય છે.
* બે મહિના પછી હૃદય પરનો હુમલો થવાનો ભય ઓછો થઈ જાય છે. ફેફસાંની કામ કરવાની ક્ષમતા વધી જાય છે.
* ૩ મહિના પછી ઉધરસ ઓછી થઈ જાય છે. તથા શ્વાસ સારી રીતે ચાલે છે અને નિસરણી ચઢતી વખતે શ્વાસ ઓછો ફૂલે છે.
* હૃદયની બીમારીનો ખતરો ઘટી જાય છે.
(અડધો થઈ જાય છે)
* પાંચ વર્ષ પછી બ્રેઇન હેમરેજ તથા હૃદય પર હુમલો થવાનો ખતરો ઓછો થઈ જાય છે. ૧૦-૧૫ વર્ષ પછી ખતરો ન પીનારા સમાન થઈ જાય છે.
* ૧૦ વર્ષ પછી ફેફસાંના કેન્સરનો ખતરો અડધો થઈ જાય છે. ગળું, મોં, જીભ, કિડની,પિત્તાશયના કેન્સરનો ખતરો ઘટી જાય છે.
* ૧૫ વર્ષ પછી શરીરમાં બીમારીઓનો ખતરો ન પીનારાની માફક થઈ જાય છે.
ધૂમ્રપાન કેવી રીતે છોડવું?
ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓમાંથી ૭૫થી ૮૫ ટકા વ્યક્તિ આને છોડવા ઇચ્છે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને ઇચ્છાશક્તિના અભાવે તેઓ છોડી શકતા નથી.
તમાકુ છોડવાનો એકમાત્ર ઉપાય આપણી ઇચ્છાશક્તિ પર નિર્ભર કરે છે. ચિકિત્સા વિજ્ઞાન એવી કોઈ દવા નથી બનાવી શક્યું કે જે વ્યક્તિને એકદમ ધૂમ્રપાનથી છુટકારો અપાવી શકે. ફક્ત દૃઢ ઇચ્છાશક્તિથી જ તેને છોડી શકાય છે. બીજી બાજુ આપણે ધુમ્રપાન છોડવા માટે નિકોટિન ચ્યૂઇંગમ, તથા થોડી ટેબલેટ જે તમાકુની લતને ઓછી તો કરે છે. ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરી શકાય છે.
તમાકુ છોડતી વખતે ગભરામણ, બેચેની, કબજિયાત, ભૂખ ન લાગવી, ચીડિયાપણું, કામમાં મન ન લાગવું વગેરે લક્ષણ ઉત્પન્ન થાય છે. જેને આપણે સામાન્ય દવાઓ, વ્યાયામ અને યોગ દ્વારા ઓછી કરી શકીએ છીએ. તમાકુ છોડવાની રીત ધીરે ધીરે છોડવા કરતાં એકદમ છોડવું અસરકારક છે.
યોગ-પ્રાણાયામ કરશે મદદ
* યોગાસન અને પ્રાણાયામ દ્વારા આપણે આપણી ઇચ્છાશક્તિને મજબૂત કરી, તમાકુ છોડતી વખતે ઉત્પન્ન થતી નાની નાની સમસ્યાઓ પર નિયંત્રણ રાખી શકીએ છીએ.
* ભસ્ત્રિકા પ્રાણાયામ-ફેફસાંની ક્ષમતા વધારવા માટે.
* કપાલભાતિ પ્રાણાયામ-કબજિયાત, ગેસને દૂર કરવા માટે.
* અનુલોમ-વિલોમ પ્રાણાયામ- તણાવ, ચીડિયાપણું, બેચેની ઓછી કરવામાં મદદરૃપ બને છે.
* ભ્રામરી - માથાનો દુખાવો, અનિંદ્રાથી મુક્તિ મેળવવા.
* ઉપરાંત યોગનિંદ્રા ઉદ્ગીથ પ્રાણાયામ તથા હાથ, પગ, કમરની સૂક્ષ્મ ક્રિયાઓ, ભુજંગાસન,મર્કટાસન, શલભાસન, મકરાસન, બાલશયનાસન, સૂર્ય નમસ્કાર વગેરે શરીરને ઊર્જાવાન બનાવવા તથા ખાસ કરીને ધૂમ્રપાનને છોડવા માટે લાભદાયક છે.