13 June 2015

વરસાદમાં થતા રોગ અને તેના યૌગિક ઉપાય



વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજ હોય છે. શરીરની સ્વચ્છતા સારી રીતે ન થાય તો ત્વચાના રોગ થાય છે. ત્વચા રોગમાં ઘણા રોગ એવા હોય છે કે જેના પ્રત્યે કાળજી ન રખાય તો તે જીવનભર પીછો છોડતા નથી. શારીરિક સૌંદર્યનો સંબંધ પણ ત્વચાથી છે.ત્વચાની સ્વચ્છતાનું ધ્યાન ન રખાય,ત્વચા સ્વસ્થ ન હોય તો ત્વચા રોગ થવા માંડે છે. આ રોગોમાં એક્ઝિમા, ખસ-ખંજવાળ, પિત્ત થવું (શીત-પિત્ત), ફોડા-ફોલ્લી,ઘા થવો, શરીર પર સોજો, ખીલ વગેરે સામેલ છે. વરસાદની ઋતુમાં આ રોગમાં વધારો થાય છે.
એક્ઝિમા
આ રોગ પગ, મોં, કોણી, ગરદન, પેટ વગેરે ક્યાંય પણ થઈ શકે છે. લૂ લાગવાથી,માસિકચક્રમાં ગરબડી, લોહીની બીમારી, સાબુ, ચૂનો, સોડા, ક્ષાર વગેરેનો પ્રયોગ વધુ પ્રમાણમાં કરવાથી, ટાઈટ કપડા પહેરવાથી, ખોટો આહાર, વધુપડતો દારૂ પીવાથી એક્ઝિમાની ફરિયાદ થઈ શકે છે.
લક્ષણ : આ રોગમાં શરીર પર લાલ દાણા દેખાય છે. જેમાં બળતરા થાય છે. ઘણી વાર ચકામા પડી જાય છે. ઘા પણ થઈ જાય છે. ઘામાંથી થોડું ઘાટું અને પીળા રંગનું પ્રવાહી નીકળે છે. ઘણી વાર આ રોગને કારણે સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. એક્ઝિમા જૂનો થઈ જાય તો મહામુશ્કેલીએ મટે છે.
પ્રાકૃતિક નિદાન :
* તીવ્ર મરીમસાલા, ખાંડ, મીઠાઈ, ગોળ, તેલ તથા કાચાં ફળ ખાવાં બંધ કરી દો. આ ખાદ્યપદાર્થ રોગને વધારે છે.
* પેટ સાફ રાખો. કબજિયાત થાય ત્યારે ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફળા લેવાથી કબજિયાત મટે છે.
* મગફળીનું તેલ ગરમ કરી થોડી વારે ત્વચા પર લગાવો.
* વરસાદની ઋતુમાં (ચોમાસામાં) પાણીમાં થોડાં લીમડાનાં પાન નાંખી ઉકાળો પછી તેનાથી સ્નાન કરો. લીમડાનાં પાંદડાંના રસને એક્ઝિમા પર પણ લગાવો.
* મૂળાનાં પાન અને બીજ બંનેને વાટી એક્ઝિમા પર લગાવો.
* દિવસમાં પાંચ-છ વાર ફટકડીના પાણીને એક્ઝિમા પર લગાડો.
* દરરોજ બે કપ ગાજરનો રસ પીઓ આનો રસ એક્ઝિમા પર પણ લગાડો.
* સરસિયાના તેલમાં વાટેલી હળદર મેળવી લગાવવાથી પણ એક્ઝિમા મટી જાય છે.
* શેરડીનો રસ તથા મધ બંનેને મેળવી એક્ઝિમા પર લગાવો.
* ડુંગળીનો રસ તથા લસણના રસને મેળવી એક્ઝિમા પર લગાવો. આનાથી ઘણો લાભ થાય છે.
યોગથી ઉપચાર :
* લોહી શુદ્ધ થાય તથા પેટનું આરોગ્ય વધે તેવાં આસનોનો અભ્યાસ કરો.
* તાડાસન, કટિચક્રાસન, ઉત્તાનપાદાસન, સુપ્ત પવનમુક્તાસન, ગોમુખાસન તથા અર્ધમત્સ્યેંદ્રાસનની સાથે પ્રાતઃ કાળે સૂર્ય નમસ્કારનો પણ અભ્યાસ કરો.
* પ્રાણાયામોમાં નાડીશોધન, શીતલી તથા સીત્કારી પ્રાણાયામનો અભ્યાસ કરો.
* સૂક્ષ્મ વ્યાયામની પહેલી પાંચ ક્રિયાઓ તથા પેટને શક્તિ મળે તેવી ક્રિયાઓનો અભ્યાસ દરરોજ કરો. સ્થાયી લાભ થશે.
ખસ-ખંજવાળ
ત્વચા શુષ્ક થઈ તેના પર ડાઘ પડે છે પછી દાણા નીકળે છે તેમાં ખંજવાળ થાય છે. ત્વચા છોલાઈ જાય છે. આવા રોગીનાં કપડાં પહેરવાથી બીજાને પણ આ રોગ થાય છે. ત્વચા ખરબચડી થઈ જાય છે. સતત ખંજવાળતાં બળતરા પીડા થાય છે. રાતના સમયે તકલીફ વધી જાય છે.
એવું માનવામાં આવે છે કે આહાર-વિહારની ગરબડી અને લોહીને દુષિત કરનારા ખાદ્ય પદાર્થો,ખાટા મસાલાવાળા તથા વધુપડતો ગોળ કે ખાંડવાળો પદાર્થ વધુ ખાવાથી ભોજનથી બનેલા રસમાં પણ વિકાર આવી લોહીમાં વિકાર ઉત્પન્ન થાય છે. સતત કબજિયાત રહે તે પણ રક્તવિકારનું કારણ છે. રક્તની આ દુષિત વિકારયુક્ત અમ્લીય અવસ્થા જ જાતજાતના ચર્મ રોગોનાં કારણ હોય છે.
પ્રાકૃતિક ચિકિત્સા :
* એનિમા લઈ પેટ સાફ રાખો.
* ઉપવાસ આના માટે એક કારગર ઉપાય છે. રોગ અને રોગીની સ્થિતિ પ્રમાણે નાના અને લાંબા ઉપવાસ કરાવી શકાય છે. થોડા દિવસ સુધી રસાહાર, જેમાં વિટામિન-સી યુક્ત રસોને ભરપૂર પ્રમાણમાં લેવાથી ઘણો લાભ થાય છે.
* ખાટા, તીખા, મરી મસાલાવાળા તળેલા-ભુંજેલા પદાર્થોનો તરત જ ત્યાગ કરો. અન્ન સિવાય ફળાહાર અને રસાહારનો ઉપયોગ કરો. ફળાહાર અને રસાહાર રક્તની દુષિત અવસ્થા અને અમ્લીયતાને ધીરે ધીરે નાશ કરી તેને ફરીથી સામાન્ય સ્વાસ્થ્ય બનાવવામાં સહાયક હોય છે.
* જૂના ત્વચા રોગમાં માત્ર પાણી પર રહી ઉપવાસ કરવો જોઈએ. જ્યારે શરીર શુદ્ધ થઈ જાય ત્યારે સામાન્ય ભોજન શરૂ કરો. જેમાં ચોકરવાળી જાડા લોટની રોટલી અને લીલાં શાક ભરપૂર લેવાં. ઘઉંની થૂલી અને શાક પણ લઈ શકાય છે.
* દરરોજ સવારમાં કશું ખાધા વિના એક ગ્લાસ તાજા પાણીમાં અડધું લીંબૂ નિચોવી પીઓ.
* કાળી માટીમાં થોડું મીઠું અને બાવળનો ગુંદર (વાટેલો) મેળવી ખંજવાળ ખસ, દાદર પર લગાવો. માટીને વારંવાર ભીની કરતાં રહો.
* પાણીમાં પીપળનાં પાંદડાંનો રસ નાખી તેનાથી ખસ - ખંજવાળને સવાર-બપોર-સાંજ ધૂઓ.
* વધુ ગરમ કે વધુ ઠંડા પદાર્થ ખાવા નહીં.
* પાણીમાં અડધું લીંબૂ નિચોવી સ્નાન કરો. માથામાં નાળિયેરનું તેલ લગાવો.
યૌગિક ઉપચાર :
* આ રોગમાં યૌગિક શુદ્ધિ ક્રિયાઓ જેમ કે કુંજલ, જલનેતિ તથા વસ્ત્રધૌતિનો દરરોજ અભ્યાસ કરવો જોઈએ. શંખપ્રક્ષાલન તથા બાહ્યક્રિયાનો અભ્યાસ મહિનામાં એક વાર કરવો.
* તાડાસન, કટિચક્રાસન, ઉત્તાનપાદાસન, સુપ્ત, પવનમુક્તાસન, સર્વાંગાસન, ચક્રાસન,હલાસન, ભુજંગાસન, ધનુરાસન, પશ્ચિમોત્તાનાસન, ગોમુખાસન તથા અર્ધમત્સ્યેંદ્રાસનની સાથે પ્રાતઃ કાળે સૂર્ય નમસ્કારનો પણ અભ્યાસ કરવો.
* પ્રાણાયામમાં નાડી શોધન, શીતલી તથા સીત્કારી પ્રાણાયામનો અભ્યાસ કરો.