2 August 2015

મિત્ર કોઇ દિવસ કાંઈ ખરાબ કરશે નહિ

મિત્રભાવ

રાજાનો કુંવર અને પ્રધાનનો કુંવર શિકાર કરવા ગયેલા . બન્ને ભૂખ અને ઉજાગરાથી થાકી ગયેલા , એટલે ઝાડ નીચે સૂઇ ગયા. રાજાનો કુંવર સૂતો હતો ત્યાંરે પ્રધાનનો કુંવર તેનું રક્ષણ કરવા માટે જાગતો બેસી રહ્યો. થોડીવાર થૈ ત્યાં એક સાપ ફૂંફાડા માર્તો રાજાના કુંવરને દંશ દેવા આવ્યો. આ સાપ પૂર્વજન્મનો આ કુંવરનો વેરી હતો . પ્રધાનના કુંવરે સાપને જોયો એટલે તેને મારવા માટે તલવાર ઉગામી . સાપે કહ્યું ; ‘ આ મારો પૂર્વનો વેરી છે , મારે તેના ગળાનું લોહી પીવું છે , માટે તું મને મારતો નહિ.
પ્રધાનપુત્ર કહે ઃ “ હું તને એના ગળાનું લોહી આપું પણ તારે એને મારવો નહિ .”
સાપ માની ગયો . તેણે કહ્યું ઃ “મને એના ગળાનું લોહી મળશે ઍટલે હું ચાલ્યો જઇશ .”
પ્રધાનપુત્રે એક પાનનો પડીયો બનાવી છરી લઇને રાજકુંવરની છાતી પર ચડી બેઠો અને તેના ગળે નાનો કાપો મુક્યો . રાજકુંવરે ચમકીને આંખ ખોલીને જોયું તો તેની છાતી ઉપર પ્રધાનપૂત્ર બેઠો હતો . તેથી તેણે તરત જ આંખ બંધ કરી દીધી એટલે પ્રધાનપુત્રે તેના ગળાનું લોહી પડીયામાં ભરીને સાપને પાયું.
રાજકુંવરના ગળાનું લોહી પીને સાપ તો સડસડાટ કરતો ત્યાંથી ચાલતો થઇ ગયો . પ્રધાનપુત્રે રાજકુંવરના ગળે વનસ્પતિ લગાડીને પાટો બાંધી દીધો. થોડીવાર પછી રાજકુંવર જાગ્યો છતાં પણ જાણે કાંઇ બન્યું જ ન હોય તેમ વર્તી તેઓ બન્ને આગળ ચાલ્યા .
આમ ને આમ જંગલમાં ફરતાં ફરતાં બે દિવસ થયા , પણ રાજકુંવરે કાંઇ પૂછ્યું નહિ એટલે પ્રધાનપુત્રે ધીરજ ખોઇને છેવટે તેને પૂછ્યું ઃ “ તું સૂતો હતો ત્યાંરે હું છરી લઇને તારી છાતીએ ચડી બેઠો , ગળે કાપ દીધો , અત્યાંરે પણ તારા ગળે પાટો બાંધેલો છે , છતાં પણ તું મને પૂછતો કેમ નથી કે તે આવું કેમ કર્યુ ? કયા કારણે તે આ પાટો બાંધ્યો ?
રાજકુંવરે શાંતિથી તેને જવાબ આપ્યો ઃ “ તું મારો મિત્ર છે અને તેં જે કર્યુ હશે તે મારા ભલા માટે જ કર્યુ હશે ! મિત્ર કોઇ દિવસ કાંઈ ખરાબ કરશે નહિ . ”
સાચા મિત્રોમાં આ પ્રકારનો અખૂટ વિશ્વાસ હોવો જરૂરી છે , મિત્રનું પ્રાથમિક લક્ષણ પણ તે જ છે કે જે હિતનું વચન દુઃખ લગાડીને કહે તો પણ તે ખોટુ ન લગાડે .

Thanks sir :-

Chandrakant Kaliya
Head teacher
Dudhai
Ta. Muli , Dist. Surendranagar.