24 September 2015

માત્ર કપડા કે શરીર સુધારાથી ભિખારી મટાતું નથી..

એકવાર એક મંદિરના પૂજારીને મંદિરની બહાર બેઠેલા ભિખારીઓની દયા આવી. મંદિરની બહાર કેટલાય ભિખારી વાળ અને દાઢી વધારેલા, ફાટેલા કપડામાં, ગંદા-ગોબરા બેઠા હતાં. પૂજારીને તેમની દયા આવી. તેણે બધા ભિખારીને મંદિરમાં બોલાવ્યા. બધાની ગણતરી કરી, બીજા દિવસે આવવાનું કહ્યું.

બીજા દિવસે સવારમાં જ બધા ભિખારી આવી ગયા. પૂજારીએ તેમને અંદર બોલાવ્યા. વાણંદને બોલાવીને વાળ કપાવ્યા, દાઢી કરાવી. બધાંને સરખી રીતે ન્હાવાનું કહ્યું. પછી બધાને નવા કપડા, ચપ્પલ આપ્યા. ભિખારીઓ તો અરીસામાં પોતાની જાત ઓળખી જ ન શક્યા. બધા ખુશ થતા થતા ગયા.

ચાર-પાંચ દિવસ થયા ત્યાં બધા ભિખારી મંદિરમાં પાછા આવ્યા. પાછા એ જ જુના ફાટેલા કપડા પહેર્યા હતાં. પૂજારીને નવાઈ લાગી. તેણે પૂછ્યું તો બધા ભિખારીએ કહ્યું, તમારા નવા કપડાથી મોટી મુશ્કેલી થઈ છે. અમને વ્યવસ્થિત જોઈને કોઈ ભીખ આપતું જ નથી. અમારે તો આવા વેશમાં જ રહેવું પડશે. તો જ અમારો ધંધો ચાલે.

પૂજારી બિચારા ભગવાન સામે જોઈ રહ્યા.

મિત્રો આ પ્રસંગ પરથી એ શિખવા મળે છે કે, મોટા ભાગના ભિખારીઓ પોતાની જાતને ભીખ માગવાનું સાધન જ સમજે છે, કોઈ એને સુધારવાનો પ્રયત્ન કરે તો પણ તે શરીરથી સુધરે છે પણ મનથી નથી સુધરતા..તેઓ મહેનત કે શ્રમનું મહત્વ સમજતા હોતા નથી..આથી માત્ર કપડા કે શરીર સુધારાથી ભિખારી મટાતું નથી..એના માટે જાત ઘસવી પડે, જાત સુધારવી પડે..
  અસ્તુ..!!

Thanks - Aashishbhai GK blog.