26 September 2015

સંઘર્ષ મુકત જીવન ક્યારેય પરિસ્થિતીઓ સામે લડવા માટે સક્ષમ ન બનાવી શકે.

વિજ્ઞાનના એક શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ઇયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે તે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ કુતુહલ વશ પુછ્યુ , “ સર, ઇયળમાંથી પતંગિયુ કેવી રીતે બની શકે ? એને પાંખો કેવી રીતે આવે ?” શિક્ષકે આ વિદ્યાર્થીને સમજાવવાને બદલે એવું કહ્યુ કે કાલે આપણે બધા ક્લાસમાં જ આ બાબતે પ્રેકટીકલ જોઇશું.
બીજા દિવસે શિક્ષક ક્લાસમાં એક કોસેટો લાવ્યા.બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરીને કહ્યુ , “ જુવો , આ કોસેટામાંથી ઇયળ બહાર નીકળશે અને પછી એ ઇયળને પાંખો ફુટશે અને ઇયળમાંથી એ પતંગિયુ બની જશે. આ માટે સમય લાગશે તમારે બધાએ ધિરજ રાખીને ધ્યાનથી આ ઘટનાને જોવાની છે.” શિક્ષક આટલી સુચના આપીને જતા રહ્યા.
હવે શું થાય છે એ ઉત્સુકતા સાથે બધા વિદ્યાર્થીઓ કોસેટોને જોવા લાગ્યા. થોડીવારમાં કોસેટાનો થોડો ભાગ તુટયો. ઇયળ બહાર આવવા માટે ખુબ સંઘર્ષ કરતી હતી. એને કોસેટોમાંથી બહાર નિકળવામાં ખુબ તકલીફ પડી રહી હતી. ઇયળ કોશેટામાંથી બહાર આવવા તરફડતી હતી એ જોઇને એક વિદ્યાર્થીને તેની દયા આવી. એણે કોસેટોને તોડીને ઇયળને સરળતાથી બહાર નિકળવામાં મદદ કરી.
ઇયળને કોસેટોમાંથી બહાર નીકળવામાં બહુ ઝાઝો સંઘર્ષ ન કરવો પડ્યો. પરંતું બધાના આશ્વર્ય વચ્ચે ઇયળમાંથી પતંગિયુ બનવાને બદલે એ ઇયળ મૃત્યુ પામી. થોડીવારમાં શિક્ષક ત્યાં આવ્યા. ઇયળને મરેલી જોઇને જ એ પરિસ્થિતી પામી ગયા. એમણે બધા જ વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યુ , “ તમે ઇયળને મદદ કરીને પતંગિયાને જન્મતા પહેલા જ મારી નાખ્યુ છે.કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે ઇયળે જે મથામણ કરવી પડે છે તેના પરિણામે જ તેને પાંખો ફુટે છે અને એ પતંગિયુ બને છે.”
શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિક પેદા ન કરી શકે તેમ સંઘર્ષ મુકત જીવન ક્યારેય પરિસ્થિતીઓ સામે લડવા માટે સક્ષમ ન બનાવી શકે.