24 March 2016

એકબીજાની લાગણીનાં રંગે રંગાઈ જઈએ.

એકબીજાની લાગણીનાં રંગે રંગાઈ જઈએ.
એકબીજાની પ્રિતનાં રંગે રંગાઈ જઈએ.

તું ત્યાં કાનાને છાંટજે ગુલાલ હળવેથી,
અમે અહિ તારી યાદનાં રંગે રંગાઈ જઈએ.

સરહદે જઈને ક્યા રમી શકીએ છીએ,
ચાલ વતનની ધૂળનાં રંગે રંગાઈ જઈએ.

કૃત્રિમ રંગોતો આજકાલમાં ઉતરી જશે,
હાલ હવે આપણે ગેરૂઆનાં રંગે રંગાઈ જઈએ.

બેઅસર થઈ ગયા છે મોહ માયાનાં રંગો,
હવે "આભાસ" રાખનાં રંગે રંગાઈ જઈએ.

-આભાસ

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.

મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.

હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

(ધુળેટીની રંગભરી  શુભેચ્છાઓ)