4 April 2016

માણસને ક્યારેક હેડકી કેમ આવે છે ?

માણસને ક્યારેક હેડકી કેમ આવે છે ?

દરેક વ્યક્તિને ક્યારેક હેડકી તો આવે જ. હેડકી કોઈ રોગ નથી પરંતુ આખા શરીરને ઊંચુ કરી ગળામાંથી નીકળતો અવાજ રોજિંદા કામમાં મુશ્કેલી તો ઊભી કરે જ છે. હેડકી આવે ત્યારે કોઈ આપણને યાદ કરતું હોય તેવી વાયકા પણ પ્રચલિત છે. જો કે હેડકી આવવાનું કારણ જુદું છે.
આપણે ફેફસાં વડે શ્વાસ લઈએ છીએ. ફેફસાં પોતાની મેળે સંકોચાતા કે વિસ્તરતા નથી. ફેફસાંને મદદરૃપ થવા માટે તેની નીચે એક પરદો હોય છે આ પરદો પેટ અને ફેફસાંની વચ્ચે આવેલો છે. આ પરદાને ઉરોદરપટલ કહે છે. ઉરોદરપટલ નીચો જાય ત્યારે ફેફસાંની આસપાસ ખાલી જગ્યા પડે એટલે ફેફસામાં નાક દ્વારા હવા ધસી જઈને તેને ફૂલાવે પરદો ઊંચો થાય ત્યારે આસપાસની હવા સંકોચાય અને ફેફસાં સંકોચાઈને ઉચ્છવાસ બહાર આવે. આમ ઉરોદરપટલ ધમણ જેવું કામ કરે છે. ઉદરપટલ તેનું કામ બરાબર કરે છે પરંતુ તેની નીચે આવેલા હોજરી કે આંતરડા જેવા અવયવોમાં કંઈક ગરબડ થાય તો તેના કામમાં વિક્ષેપ પડે. આવા સંજોગોમાં ઉરોદરપટલ અને ફેફસાનો તાલમેલ જળવાય નહીં ઉરોદરપટલ ઉત્તેજીત થઈને ઓચિંતો જ નીચો જાય તો ફેફસાંમાં ઝડપથી હવા ધસી જાય અને ગળાની સ્વરપેટી પર પણ દબાણ વધી જાય ત્યારે આપણા ગળામાં 'હિક્' અવાજ સાથે હેડકી આવે છે. સામાન્ય રીતે હેડકી થોડો સમય ચાલુ રહીને આપોઆપ બંધ થઈ જાય છે. પાણી પીવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.